એકસ્ટ્રા અફેર

દોરાઈસ્વામીનું અપમાન, ખાલિસ્તાનીઓના દુસ્સાહસનો જવાબ આપવો પડે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઈટેડ કિંગડમમાં પણ ખાલિસ્તાનવાદીઓ વરતાયા છે. યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાની સમિતિ દ્વારા અપાયેલા નિમંત્રણને પગલે ગયા હતા પણ તેમને કારમાંથી જ ઊતરવા ના દેવાયા ને અપમાનિત કરીને ગુરુદ્વારાની બહારથી જ બારોબાર રવાના કરી દેવાયા.

ગ્લાસગોના ગુરુદ્વારાએ દોરાઈસ્વામીને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. આ વાતની જાણ કટ્ટરપંથીઓને થઈ જતાં ધમાલ કરી મૂકી. દોરાઈસ્વામીએ કોઈ વિવાદ ના થાય એટલે પાછા જવાનું મુનાસિબ સમજ્યું તેથી ગુરુદ્વારા બહાર તો કોઈ બખેડો ના થયો પણ આ ઘટનાના પગલે ગુરુદ્વારાની સંચાલક કમિટીના સભ્યો દોડતા થઈ ગયા.

દોરાઈસ્વામી પાછા ગયા હોવાની ગુરુદ્વારા સત્તાવાળાઓએ જાણ થતાં તેમણે દોરાઈસ્વામીને પાછા ફરવા વિનંતી કરી હતી પણ સુરક્ષાની સમસ્યા ના થાય એટલે દોરાઈસ્વામી કાર્યક્રમમાં હાજર ન રહ્યા. ગુરુદ્વારામાં પાછા જવાથી ગુરુદ્વારાનો કાર્યક્રમ બગડે એટલે તેમણે અંદર જવાનું ટાળ્યું પણ ઓફિસે આવીને તેમને ભારત સરકારને જાણ કરી તેના પગલે રાજદ્વારી સ્તરે બખેડો થઈ ગયો છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ગુરુદ્વારામાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂંકનો મુદ્દો બ્રિટન સામે ઉઠાવવામાં આવ્યો છે. ભારતે બ્રિટિશ વિદેશ મંત્રાલય અને પોલીસમાં પણ આ મુદ્દો ઉઠાવીને આ હરકત કરનારાં સામે આકરા પગલાં ભરવા કહ્યું છે. બ્રિટને ભારતની વાતને ગંભીરતાથી લઈને દોરાઈસ્વામી સાથે ગેરવર્તણૂંક કરનારાં સામે પગલાં ભરવાની ખાતરી આપી છે.

ખાલિસ્તાનવાદીઓએ જગતારસિંહ જોહાલની મુક્તિ માટે દબાણ લાવવા દોરાઈસ્વામીને નિશાન બનાવ્યા હોવાનું કહેવાય છે. જોહાલ અત્યારે તિહાર જેલમાં બંધ છે. જગતારસિંહ જોહાલ બ્રિટિશ શીખ છે અને સ્કોટલેન્ડના ડમ્બર્ટનમાં રહેતો હતો. બ્રિટનના નાગરિક જોહાલના પરિવારનાં મૂળિયાં પંજાબમાં છે. જગતારસિંહની ૨૦૧૮માં ધરપકડ કરાયેલી ને તેની સામે હત્યા, હત્યાનું ષડ્યંત્ર સહિતના ૧૧ કેસો નોંધાયા હતા. તેમાંથી ૧૦ કેસમાં જગતાર દોષિત ઠર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રવિન્દ્ર ગોંસાઈ સહિતના હિંદુવાદીઓની હત્યામાં સામેલ જગતારની મુક્તિ માટે હમણાં બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક ભારત આવ્યા ત્યારે પણ ખાલિસ્તાનવાદીઓએ દેકારો મચાવેલો.

બ્રિટન સરકાર આ ખાલિસ્તાનવાદીઓ સામે કેવાં પગલાં લેશે તેની ખબર એકાદ અઠવાડિયામાં પડી જશે પણ આ ઘટના અત્યંત ગંભીર છે તેમાં બેમત નથી. આ ઘટનાનો સીધો અર્થ એ છે કે, ખાલિસ્તાનવાદીઓ બ્રિટન સહિતના દેશોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે મળી રહેલી છૂટનો ધરાર દુરુપયોગ કરી રહ્યા છે. સાથે સાથે ધર્મસ્થાનોનો ઉપયોગ પોતાની વિચારધારાના પ્રસાર માટે કરી રહ્યા છે.

આ બાબત ભારત અને ભારતીયો માટે તો ચિંતાજનક છે જ પણ શીખ સંપ્રદાય માટે પણ ચિંતાજનક કહેવાય કેમ કે શીખ સંપ્રદાયનાં ધર્મસ્થાનોમાં કોઈ પાબંદી નથી. કોઈ પણ ધર્મ અથવા સમુદાયની વ્યક્તિ ગુરુદ્વારામાં પ્રવેશ કરી શકે છે. શીખ પરંપરામાં તો ગુરુદ્વારા પરમાત્માનું ઘર ગણાય છે અને શીખો માને છે કે, ગુરુદ્વારામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય. સ્કોટલેન્ડના ગુરુદ્વારામાં બનેલી ઘટના શીખ પરંપરાનું જ અપમાન છે એ જોતાં શીખોએ આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ.

ભૂતકાળમાં શીખોના ગુરુદ્વારા અને સુવર્ણ મંદિર સહિતમાં ધર્મસ્થાનોનો આતંકવાદ ફેલાવવા માટે દુરુપયોગ થયો હતો. તેનાં માઠાં પરિણામ દેશ અને શીખ સમુદાયે ભોગવ્યાં. સ્કોટલેન્ડમાં બનેલી ઘટના ભલે એટલી મોટી ના હોય પણ તેની શરૂઆત તો છે જ એ જોતાં શીખ સમાજે તેને અત્યારથી રોકી દેવી જોઈએ. શીખ સમુદાયે ખાલિસ્તાનવાદીઓને કડક શબ્દોમાં કહી દેવું જોઈએ કે, ધર્મસ્થાનોથી આ બધી બાબતોને દૂર રાખો અને ધર્મસ્થાનોને રાજકારણનો અડ્ડો ન બનાવો. જો ચેતવણી આપવાથી ખાલિસ્તાનવાદીઓ માની જાય તો ઠીક છે, બાકી તેમની સામે પોલીસ ફરિયાદ કરીને તેમને જેલભેગા કરાવવાની પણ તૈયારી રાખવી પડે. શીખ સંપ્રદાય પોતાના ધર્મ અને ધર્મસ્થાનોની રક્ષા મુદ્દે આવું આકરું વલણ નહીં અપનાવે તો કાલે ગમે તે થઈ શકે.

સ્કોટલેન્ડમાં બનેલી ઘટના ખાલિસ્તાનવાદીઓની વધતી હિંમતનો પણ પુરાવો છે ને આ હિંમત હજુ વધે એ પહેલાં ભારતે વધારે આકરા થવું જરૂરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોમાં ભારત અને ભારતીયોને અપમાનિત કરવાની ઘટનાઓ સતત બન્યા જ કરે છે.

લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસનો તિરંગો ધ્વજ ઉતારીને ખાલિસ્તાનનો ઝંડો લગાવી દેવાયો કે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનવાદીઓએ ભારતીય કોન્સ્યુલેટને સળગાવી દીધું એ ઘટનાઓ ગંભીર હતી પણ દોરાઈસ્વામીના અપમાનની ઘટના વધારે ગંભીર છે કેમ કે ખાલિસ્તાનવાદીઓએ એક ઉચ્ચ ભારતીય રાજદ્વારીને સીધા નિશાન બનાવ્યા છે. આ જ રીતે ચાલતું રહે તો કાલે તેનાથી પણ ઉચ્ચ સ્તરના કોઈ મહાનુભાવને ખાલિસ્તાનવાદીઓ નિશાન બનાવી શકે છે. એવું કશું થાય એ પહેલાં ભારતે જાગવું જોઈએ અને અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોને આકરા શબ્દોમાં ચીમકી આપવી જોઈએ કે, હવે પછી આ પ્રકારની ઘટનાઓ બનશે તો આકરાં પરિણામો ભોગવવાં પડશે.

ભારતે એ રીતે પણ આ ઘટનાને ગંભીરતાથી લેવી પડે કે, ખાલિસ્તાનવાદીઓએ જેમને નિશાન બનાવ્યા એ દોરાઈસ્વામી ખાલિસ્તાનવાદીઓના ટાર્ગેટ પર જ છે. થોડા સમય પહેલાં ખાલિસ્તાનવાદીઓએ સોશિયલ મીડિયા પર ‘કિલ ઈન્ડિયા’ પોસ્ટર ફરતાં કરીને ભારતીય રાજદ્વારીઓની હત્યાની હાકલ કરી હતી. કેનેડામાં ૧૯ જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.

ખાલિસ્તાનવાદીઓનો આક્ષેપ છે કે, ભારત એક પછી એક ખાલિસ્તાન તરફી લોકોની હત્યા કરી રહ્યું છે ને તેના માટે જવાબદાર ભારતીય રાજદ્વારીઓ છે. યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિગહામમાં કોન્સ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા ડૉ. શશાંક વિક્રમને નિજજરના હત્યારા ગણાવીને અમેરિકા અને કેનેડામાં કામ કરતા બીજા ભારતીય રાજદ્વારીઓના ફોટો પણ લગાવીને તેમની હત્યા કરવાની ધમકી અપાઈ હતી. શીખ્સ ફોર જસ્ટિસ નામે પ્રતિબંધિત સંગઠન ચલાવતા હરપંતવંત સિંહ પન્નુને એલાન કર્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય એમ્બેસી કે ઓફિસો છે તેમાં કામ કરતા ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવાશે.

ખાલિસ્તાનવાદીઓ તેમના મનસૂબામાં સફળ થાય એ પહેલાં ભારતે જાગવું પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button