વેર-વિખેર – પ્રકરણ -૫૮

આ ઘરમાં બધું બેઠાં બેઠાં મળી જવાનું હોય તો દક્ષિણા માગવાની વાત જ ક્યાં આવી? આ છોકરી દાન નહીં, દલ્લો લેવા આવી છે…!
‘કાકુ મને ઘરની સંપત્તિની વારસદાર બનાવે તો પણ મને એ વારસામાં, એ દોલતમાં કંઈ રસ નથી. હું એક શિક્ષકની પુત્રી છું. અહીં આવી છું તો કંઈક લઈને નહીં, પણ કંઈક આપીને જ જઈશ એનો વિશ્વાસ રાખજો.!’
ડાઈનિંગ ટેબલ પર ગાયત્રીના આ શબ્દોથી જાણે દીવાન પરિવારમાં એક વાવાઝોડું આવી ગયું હતું.
ઘરમાં મહેમાન આવે એ તો એક સામાન્ય ઘટના ગણાય, પણ જ્યારે એ મહેમાન ઘર ભાળી ગયું છે એવું લાગવા માંડે ત્યારે અસ્વસ્થ થઈ જવાય.
જમાઈબાબુ તો જમની જેમ ઘર ભાળી ગયા હતા અને એ સત્ય બધાંએ લગભગ સ્વીકારી લીધું હતું. આ માણસ બહાર રહીને વધુ ઉપદ્રવ કરે એના કરતાં ઘરમાં આપણી આસપાસ રહેશે તો એની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે અને જરૂર પડે તો એમને વારી શકાશે-ડારી શકાશે એવું વિચારીને બધાંએ મન મનાવ્યું હતું.
આમેય જમાઈબાબુ ભલે બહુ પ્રેમ ઊભરાય એવી વ્યક્તિ ન હોય, એમની સાથે ઘરની લાડકી રેવતી તો પરિવારની નિકટ રહી શકે છે એનો આનંદ અને સંતોષ હતા.
જમાઈની વાત જુદી હતી, પણ ગાયત્રીનું શું કરવું?
એક શાંત, સુખી કુટુંબમાં એક અજાણી વ્યક્તિ આવીને અચાનક રાતોરાત ઘરની મેમ્બર થઈ જવાની ‘ધમકી’ આપે એવો ઘાટ સર્જાયો હતો.
બધાં ધૂંધવાતા હતા, પણ જગમોહન દીવાન સામે બોલતી બંધ થઈ ગઈ હતી. મનનો ધૂંધવાટ ગણગણાટ અને પરસ્પર ગુસપુસમાં વ્યક્ત થઈ જતો હતો.
રાતના ડાઇનિંગ ટેબલ પર દીવાન પરિવારની બેઠક યોજાયા બાદ જાણે વાતાવરણ બદલાઈ ગયું હતું. આટલાં વરસોમાં કોઈ દિવસ દીવાન પરિવારે સાથે બેસીને ભોજન નહોતું લીધું. કદાચ સાથે બેસીને અન્ન લેવાથી નિકટતા વધે છે એ સત્ય કોઈને હજી સુધી સમજાયું નહોતું. કદાચ સમજાયું હોત તો કુટુંબની વ્યક્તિઓ વચ્ચે ખાઈ જેવું અંતર ન રહેત.
જોકે વક્રતા તો એ હતી કે પરિવારની પહેલી ભોજનબેઠકને કારણે અંતર ઘટવાને બદલે વધી ગયું હતું અને હવે તો આ વધતી જતી ખાઈમાં શંકાના બીજ રોપાયાં હતાં.
કોણ છે આ ગાયત્રી મહાજન ?
એણે જગમોહનની જિંદગીને કેવી રીતે અને ક્યા સંજોગોમાં બચાવી? આ છોકરી ઘરમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ નહીં કરે ને? ઘરના માલિક જગમોહન દીવાન આ યુવા છોકરીથી કેમ આટલા પ્રભાવિત છે? આવા કેટકેટલાય પ્રશ્નો દીવાન કુટુંબના સભ્યોના મન -મગજમાં ઘૂમરાતા હતા.
ડાઈનિંગ ટેબલ પર જગમોહન જ્યારે બોલ્યો કે, ‘ગાયત્રી આપણી મહેમાન નથી, પણ આપણાં જ પરિવારનોનો એક હિસ્સો છે.’ ત્યારે તો દરેકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
દરેકના મનમાં દહેશત પેસી ગઈ હતી કે આ ફૂટડી છોકરી લાંબા સમય માટે મહેમાન બનીને આવી છે.
વિક્રમ તો ખળભળી ઊઠ્યો હતો. ગમે તેવી રૂપાળી હોય, પણ આ બે વેંતની છોકરી દીવાન કુટુંબની વારસદાર થવા લાયક તો નથી જ. પપ્પા પણ પોતાની જેમ લપસી પડ્યા નહીં હોય ને એવો એક નબળો વિચાર એના મનમાં વારંવાર અફળાતો રહ્યો.
પ્રભાના પેટમાં તો તેલ રેડાતું હતું. રૂપાળી છોકરીને જોઈ નથી કે પુરુષ લટૂડાપટૂડા થઈ જાય છે. હરખપદૂડા થઈને પોતાની દોલત લૂંટાવા માંડે છે. દરેક પુરુષ સરખા હવે હું જોઉં છું કે આ છોકરી અહીં કેવી રીતે રહી શકે છે.
મમ્મી મમ્મી’ કહીને મને ભરમાવવાની
કોશિશ કરે છે!
કરણ તો આભો થઈ ગયો હતો. ગાયત્રીને મળ્યા બાદ એ રૂપા અને ગાયત્રી વચ્ચે સરખામણી કર્યા કરતો હતો. જગમોહને પોતાની વાત પૂરી કર્યા બાદ ગાયત્રીએ જે રીતે વાતચીતનો દોર પોતાના હાથમાં લીધો એ પછી તો ગાયત્રી પર કરણ ફિદા થઈ ગયો :
રૂપા કદી આ રીતે બોલી ન શકત…
એ તો ખી… ખી…’ કરીને વાત હસી કાઢત .. એવો વિચાર પણ કરણને સતાવ્યા કરતો હતો. ગાયત્રીની સાથે મુલાકાત થાય બાદ એને રૂપા નબળી લાગવા માંડી છે એવું તો નથી ને…? એ પ્રશ્નમાં કરણ અટવાયો હતો.
ગાયત્રી જ્યારે બોલી કે ‘હું એક શિક્ષકની પુત્રી છું અને અહીં આવી છું તો કંઈક લઈને નહીં પણ કંઈક આપીને જઈશ એનો વિશ્વાસ રાખજો…’ ત્યારે તો કરણ સહિત દરેકના મનમાં એના માટે માનની લાગણી જરુર જન્મી હતી. જો કે, ધીરે ધીરે એ માનની લાગણીમાં શંકા અને અવિશ્વાસ ભળી રહ્યા હતાં એ જુદી વાત છે.
જતીનકુમાર બોલ્યા વિના ન રહ્યા :
‘ગુરુ વિદ્યા તો આપે પણ જ્યારે ગુરુદક્ષિણા માગવાની વાત આવે ત્યારે અંગૂઠો જ માગી લે… ભગવાન જાણે તમે ગુરુદક્ષિણામાં શું માગશો!’
‘મારું માથું…’ પ્રભા ગણગણી.
થોડી ક્ષણ સુધી ટેબલ પર વજનદાર ખામોશી પથરાઈ ગઈ. જગમોહન ગુસ્સામાં કંઈક બોલવા જતો હતો, પણ ગાયત્રીએ હાથ ઊંચો કરીને એને રોક્યો. બહુ જ સ્થિર અને ગંભીર અવાજે ગાયત્રીએ કહ્યું:
‘હું દીવાન પરિવારના તમામ સભ્યોને ખાતરી આપું છું કે હું અહીંથી કંઈ લઈ નહીં જાઉં… અને રહી વાત ગુરુદક્ષિણાની… તો મને કહેવા દો કે હું કોઈ ગુરુ નથી એટલે દક્ષિણા માગવાનો મારો કોઈ અધિકાર કે ઈરાદો નથી. છતાંય એક વાત સ્પષ્ટ કરી દઉં કે હું તમને બધાંને દક્ષિણા આપવાના ઋણથી મુક્ત કરું છું…’
કરણ ઝૂમી ઊઠ્યો. ‘વાહ’ એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.વિક્રમ એ શોધવાની કોશિશ કરતો હતો કે ગાયત્રીએ ક્યાં છટકું ગોઠવ્યું છે.
પૂજાનાં ભવાં ખેંચાઈ ગયાં હતાં.
પ્રભા મોં મચકોડીને બીજી તરફ જોઈ રહી હતી.
જતીનકુમાર સહેજ ઝૂકીને રેવતીને કાનમાં કહેતા હતા :
‘જ્યારે આ ઘરમાં બધું બેઠાં બેઠાં મળી જવાનું હોય તો દક્ષિણા માગવાની વાત જ ક્યાં આવી? આ છોકરી દાન નહીં, દલ્લો લેવા આવી છે…’
પછીની પળોમાં ટેબલ પર ફરી મૌન પથરાયું હતું. લખુકાકા ચૂપચાપ જમવાનું પીરસી રહ્યા હતા અને બધાં ભારેખમ મને ભોજનને ન્યાય આપી રહ્યા હતા.
જગમોહનને યાદ આવ્યું કે એણે કેટલાય કલાકોથી અન્નનો દાણો પેટમાં નાખ્યો નહોતો. ગાયત્રી પણ તો એની સાથે ભૂખી રહી હતી,
એણે ગાયત્રી તરફ જોયું. અહીં આવીને ગાયત્રી ખુશ નથી એવું જગમોહનને લાગતું હતું. આત્મહત્યા કરવાના એના નિર્ણય બાદ બંનેની દુનિયા જાણે બદલાઈ ગઈ હતી.
ગાયત્રી તો વગર વાંકે ફસાઈ ગઈ હતી.
‘ગાયત્રી, એની પ્રોબ્લેમ?’ જગમોહને આસ્તેથી પૂછ્યું.ગાયત્રીએ માથું ધુણાવ્યું :
‘આઈ એમ ઓ.કે. કાકુ, થેન્કસ.’
જગમોહનને તો જતીનકુમાર પર ગુસ્સો ચડતો હતો. આ રીતે ગુરુદક્ષિણા’ની વાત કરીને ગાયત્રીને ઠેશ પહોંચાડવાનો આ માણસને કોઈ હક નથી.
‘જમાઈબાબુ, હવે શું પ્રોગ્રામ છે તમારો?’ જગમોહનથી પૂછ્યા વિના રહેવાયું નહીં.
‘બસ, શ્વસુરજી, જમીને સૂઈ જવું છે. આજે બપોરથી બહુ જ દોડધામ થઈ છે.’ કહીને જગમોહન બીજો પ્રશ્ન કરે એ પહેલાં જ જમાઈબાબુએ શાકનું બાઉલ ગાયત્રી તરફ આગળ સરકાવ્યું :
‘અરે, તમે કંઈ લેતાં કેમ નથી? કોઈ સંકોચ ન રાખતાં આને તમારું જ ઘર સમજજો…’
‘જમાઈબાબુ,’ ગાયત્રીએ અસ્વસ્થ થયા વિના કહ્યું:
‘તમારો અંગૂઠો મારાથી દૂર રાખજો, ક્યાંક હું માગવાને બદલે ખેંચી ન લઉં…’ ગાયત્રીએ હસતાં હસતાં કહ્યું.
‘અંગૂઠાની જરૂર તીર ચલાવવામાં પડતી હતી, ગાયત્રીબેન, આજકાલના જમાનામાં તો રિવોલ્વરનો ઉપયોગ થાય છે અને રિવોલ્વર ચલાવવામાં અંગૂઠાની નહીં, આપણી તર્જનીની અર્થાત્ પહેલી આંગળીની જરૂર પડે છે…’
ગાયત્રી સ્તબ્ધ થઈ ગઈ.શાકનું બાઉલ હાથમાં લેતી વખતે એ વિચારતી હતી કે આ જમાઈબાબુ એ ધારે છે એના કરતાં વધુ ચાલાક અને ખંધા છે.
‘જમાઈબાબુ, રિવોલ્વર ચલાવવા માટે પહેલી આંગળી ઉપરાંત રિવોલ્વરનો વળતો ધક્કો સહન કરવા છાતી પણ જોઈએ…’
‘ગાયત્રી, અમારા જમાઈબાબુની છાતી તો મરદની છે. જતીનકુમાર, હું તમને આજના પ્રોગ્રામની વાત નહોતો કરતો… ભવિષ્યમાં શું કરવાનો વિચાર છે?’
ગાયત્રી વધુ વાર વાતચીતનું કેન્દ્ર બની રહે એ જગમોહનને ગમતું નહોતું.
‘આપણે એ વાત પછી કરીએ તો?’ પ્રભાએ વચ્ચે ઝંપલાવ્યું. જતીનકુમાર વિશે કોઈ પણ વાત બધાંની ખાસ કરીને એક અજાણી વ્યક્તિની હાજરીમાં થાય એ પ્રભા નહોતી ઈચ્છતી.
પ્રભાનો હસ્તક્ષેપ જગમોહનને ગમ્યો નહીં, પણ હાલના તબક્કે પ્રભાને છંછેડવી યોગ્ય નહીં રહે એવું વિચારીને એ ચૂપ રહ્યો.
જતીનકુમારે રાહતનો શ્વાસ ખેંચ્યો.
રેવતીના ચહેરા પર ખેંચાયેલી રેખાઓ ઢીલી પડી. બધાંની હાજરીમાં તેના ધણીની નબળાઈનું વિશ્લેષણ થાય એ રેવતીને પસંદ ન પડત. ફરી બધાં ભોજનને ન્યાય આપવામાં વ્યસ્ત રહ્યાં. લખુકાકાની અવરજવર ચાલુ રહી. જોકે દરેકના મનમાં જાતજાતના પ્રશ્નો ઘોળાતા હતા.
‘હેં, ગાયત્રીબહેન…’ ચૂપ રહી શકે એ જતીનકુમાર નહીં, ‘તમે આજીવિકા માટે શું કરો છો?’
ગાયત્રી મૂંઝાણી : આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આપવો? એણે જગમોહન સામે જોયું.
‘હું સમજી નહીં’ એણે ક્ષીણ સ્વરે કહ્યું.
‘અરે, વેરી સિમ્પલ… તમે સંસાર ચલાવવા શું કરો છો? કોઈ કામકાજ… કોઈ ધંધો-પાણી?’ જતીનકુમારના ચહેરા પર નિર્દોષતા છલકતી હતી.
‘જતીનકુમાર, ગાયત્રી શિક્ષકની પુત્રી છે એટલે એ પણ બાપની જેમ વિદ્યાદાન કરે છે, અને હા, એક વાત તમને જરૂર કહીશ… જતીનકુમાર,’ જગમોહન ઠંડા કલેજે બોલતો હતો :
‘આપણે જ્યારે કાચના ઘરમાં રહેતા હોઈએ ત્યારે આપણા ઘરની આજુબાજુ પથ્થરો ન પડ્યા હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.’
ગાયત્રીનો અધ્ધર રહેલો શ્વાસ હેઠો બેઠો, પણ શ્વસુરજીની ટકોર સાંભળીને જતીનકુમારની ભૂખ મરી ગઈ.
‘જમતી વખતે બહુ વાત ન કરવી જોઈએ એવું હું માનું છું, પણ એક વાત ભુલાઈ ગઈ એટલે કહું છું.’ જગમોહને વાતનો દોર સાંધતાં કહ્યું:
‘વિક્રમ અને કરણ, ગાયત્રી કાલનો દિવસ આરામ કરીને પરમ દિવસથી આપણી ઑફિસે આવશે. એને આપણી ઑફિસમાં દરેકની ઓળખાણ કરાવવાની જવાબદારી તમારા બંનેની..
ત્યાં જ કોલબેલ રણકી ઊઠતાં લખુકાકા ‘હું જોઉં છું’ કહેતાં દોડ્યા. થોડીવારમાં જ એ હાંફળાફાંફળા થતાં પાછા ફર્યા.
‘શું થયું કાકા, ભૂત જોયું હોય એમ કેમ ડરી ગયા?’ જગમોહને હસીને પૂછયું.
‘ભાઈ… બહાર પુલિસ આવી છે!’
‘મિસ્ટર જગમોહન દીવાન, મારું નામ ઈન્સ્પેક્ટર સનત પ્રમાણિક. હું આપણા લોકલ થાણા-અલિપુર પોલીસ સ્ટેશનથી આવું છું. તમને આ સમયે ડિસ્ટર્બ કર્યા એ બદલ દિલગીર છું…’
‘નોટ એટ ઓલ… ઈન્સ્પેક્ટર પ્રમાણિક, શું વાત છે? અત્યારે કેમ આવવાનું થયું? ફોનથી કામ થાય એમ નહોતું?’ દેખીતી રીતે જગમોહન દીવાનને ઈન્સ્પેક્ટરનું આગમન પસંદ નહોતું પડ્યું.
‘સોરી, મિ. દીવાન, તમારા જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને આ સમયે ડિસ્ટર્બ કરવા ઉચિત ન ગણાય, પણ શું કરું? મામલો જ એવો સંગીન છે કે મારા ઉપરીએ મને ખાસ મોકલ્યો છે.’
ઈન્સ્પેક્ટર પ્રમાણિકે રૂમમાં ચારે તરફ નજર ફેરવતાં કહ્યું.
કુટુંબની દરેક વ્યક્તિ ડાઈનિંગ ટેબલ છોડીને હોલમાં આવી ગઈ હતી. પોલીસનું નામ પડતાં જ દરેકને સહેજ પ્રશ્ન થયો હતો. દીવાન ખાનદાનમાં પોલીસનું શું કામ?
‘મિ. દીવાન, તમારા જેવા ઉદ્યોગપતિઓ આ શહેરમાં મોટા બંગલામાં રહેતા હોય છે,પણ તો તમે એક ફ્લેટમાં રહો છો? ’ સહેજ થોભીને એણે ઉમેર્યું :
માફ કરજો. આ પ્રશ્નને મારા કેસ સાથે કોઈ સંબંધ નથી. આ તો સહેજ કુતૂહલ થયું, તમારા વિશે બહુ સાંભળ્યું હતું એટલે…’ ઈન્સ્પેક્ટરે ચોખવટ કરી.
‘ઈન્સ્પેક્ટર, અમે અમારી જરૂરિયાતો મર્યાદિત રાખી છે… અને અમારું જીવન અમારી જરૂરિયાત પ્રમાણે જીવીએ છીએ. નિરર્થક ખર્ચમાં હું માનતો નથી… હાં તો, ઈન્સ્પેક્ટર, આપણે મૂળ વાત પર આવીએ?’
‘શ્યોર સર, વાત એમ છે કે પાર્ક સર્કસથી આગળ સૈયદ અલી અમીર એવન્યુ નામના રસ્તા પર આવેલા એક મકાનમાં ખૂન થયું છે.’
વિક્રમનો ચહેરો સફેદ પડી ગયો :
ઈન્સ્પેક્ટર કોના ખૂનની વાત કરે છે? એ અહીં શા માટે આવ્યો છે?
‘પાર્ક સર્કસમાં ખૂન થાય અને તમે અહીં અલીપુરમાં મારા ઘરે એની કડી શોધતા દોડી આવ્યા, ઈન્સ્પેક્ટર?’ જગમોહને નારાજગી વ્યક્ત કરી.
‘મિ. દીવાન, પાર્ક સર્કસથી જમણી બાજુના રસ્તાના આ મકાનના બીજા માળે એક સાઠ વરસની વૃદ્ધાનું આજે સાંજના ખૂન થયું. ખૂનનું કારણ ચોરી નથી પણ અમારો શક છે કે કોઈ જૂની અદાવત કે વેરઝેરને કારણે ઘરડી સ્ત્રીની હત્યા થઈ હોય એવું લાગે છે… મરનારનું નામ મિસિસ ગાંગુલી હતું.’ (ક્રમશ:)
આ પણ વાંચો :વેર-વિખેર – પ્રકરણ -૫૬