ધર્મતેજ

કૃપાકટાક્ષધોરણી

મનન ચિંતન -હેમંત વાળા

જેની કૃપામાં કટાક્ષ છે અને કટાક્ષમાં કૃપા. જેમાં આ વાત કહેવાય છે તે, શ્રીમાન રાવણ દ્વારા રચાયેલ શ્રી શિવતાણ્ડવસ્તોત્રમ્ એ માનવ ઇતિહાસની એક અનેરી ઘટના છે. માનવ સમુદાય વર્ષોથી આ સ્તોત્રનું જે જતન કરી પ્રેમ અને ઉત્સાહથી વારંવાર પઠન કર્યું છે તે ઘટના અલૌકિક અને આધ્યાત્મિક રીતે રોમાંચિત કરી દેનારી ઘટના છે.

સનાતની ઇતિહાસમાં રાવણને આમ તો ખલનાયક તરીકે દર્શાવવામાં આવ્યો છે. સિદ્ધિ અને સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી તેના દ્વારા કરાયેલા મોટાભાગના કર્મો નિંદનીય છે. અભૂતપૂર્વ સાધના કરી – તપ કરી પોતાનું ઇચ્છિત પામ્યા બાદ સમાજમાં ઉદાહરણ આપી શકાય તેવું એક પણ કામ તેણે નથી કર્યું. પોતાની ક્ષમતાને તેણે પોતાની માટે જ વાપરી છે. કદાચ લંકાવાસીઓનું તેણે ભલું કર્યું હશે, પણ આ બધા પાછળ પણ અંતે તો તેનો સ્વાર્થ જ છુપાયેલો હશે. ભક્તિ અને સાધનાથી સિદ્ધિ મળ્યા બાદ એણે શિવજી કે મા પાર્વતીને પણ પોતાના અહંકારની જાળમાંથી મુક્ત નથી રાખ્યા.

તેમના પ્રભુત્વ પર ક્યાંક એકાધિકાર સ્થાપવાનો પ્રયત્ન કર્યો હોય તેમ જણાય છે. પરમ કૃપાળુ મહાદેવ સાથે દુષ્ટતા કરવા ઉપરાંત તેમણે શ્રીરામ સાથે પણ મહાન અનાદર આચર્યો છે. તેનું વલણ સત્ય કે ન્યાય તરફનું ક્યારેય નથી રહ્યું. એક પતિવ્રતા પત્ની હોવા ઉપરાંત તે અન્યની પત્નીની અપેક્ષા રાખતો જોવા મળે છે. આમ રાવણ વિશે ઘણું કહી શકાય. રાવણને અહંકારના પ્રતીક તરીકે પણ લેવામાં આવે છે. આ બધાથી પૂર્ણ રીતે માહિતગાર હોવા છતાં સનાતની શ્રદ્ધાવાળા મુમુક્ષુઓ આ જ રાવણ દ્વારા રચાયેલ તાંડવ સ્તોત્ર પૂર્ણ ભક્તિભાવ, ઉમળકા અને ઉર્જાથી ગાય છે. માનવ ઇતિહાસની આ એક અનેરી ઘટના છે જેમાં જેનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો હોય – જેની માટે સૌથી વધુ તિરસ્કારનો ભાવ જાગ્રત થયો હોય – જેના જીવનને ક્યારેય દૃષ્ટાંત તરીકે લેવાયું ના હોય તેવી એક વ્યક્તિની રચના પ્રભુના રૌદ્ર ઐશ્ર્વરીય સ્વરૂપને સમજવા અને માણવાનું એક મહત્ત્વનું માધ્યમ બની રહે છે.

શિવ તાંડવમાં ઉચ્ચ કક્ષાની કવિતા તો છે જ પણ આ કવિતા ગાનાર કે સાંભળનાર વ્યક્તિમાં જે જોશ ભરી દે છે અને જે ઊર્જા પ્રદાન કરે છે તેને સમકક્ષ માનવીની કોઈ રચના આજની તારીખ સુધીમાં નથી રચાઇ. અહીં મહાદેવ માટેનું સમર્પણ છે અને ભક્ત તરીકે તેમના પરનો અધિકાર પણ છે. અહીં મધુરા પ્રેમની પરાકાષ્ઠા પણ છે અને ક્યાંક ડર લાગે તેવી માહિતી પણ છે. અહીં શબ્દોથી જે તાંડવ રચાય છે તે રોમાંચિત પણ કરી દેશે અને પ્રફુલ્લિત પણ. આ રચનામાં પ્રચંડ આવેગની પ્રતીતિ પણ થાય છે અને સાથે સાથે મહાદેવનું કરુણાસભર વ્યક્તિત્વ પણ સ્પષ્ટ કરાય છે. અહીં શબ્દો નૃત્ય કરે છે અને તે જ શબ્દો જાણે સંગીત પણ સર્જે છે.

વિશ્ર્વને સંચાલિત કરતી ઊર્જાનો અંશ આમાં દેખાય છે. સૃષ્ટિના પ્રત્યેક તત્ત્વો વચ્ચેનો લયબદ્ધ તાલમેલ પણ અહીં પ્રતિત થાય છે. શિવ મહિમ્નમાં કહેવાય પ્રમાણે આ તાંડવથી ભૂલોક ડામાડોળ થઈ જાય છે તો સાથે સાથે આ જ તાંડવથી વિશ્ર્વના નકારાત્મક પરિબળો ભય પામી શાંત થઈ જાય છે, જેને પરિણામે સૃષ્ટિ જાણે સ્થિરતા પામે છે.

તાંડવ એ નૃત્યનો એવો પ્રકાર છે કે જેના મૂળમાં જ અપાર ઊર્જા ભરેલી છે. આ ઊર્જા વગર તાંડવની કલ્પના જ શક્ય નથી. જ્યાં અપાર ઊર્જા હોય ત્યાં કેટલાક પ્રકારની તકલીફો સર્જાવાની સંભાવના ઊભી થાય, પણ જો આ ઊર્જાને ઉચ્ચકક્ષાની કળામાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો તેનાથી અંતે હકારાત્મકતા જ પ્રસરે. પરિણામ નૃત્યના પ્રકાર પર આધારિત નથી પણ નૃત્યકારના ભાવ પર આધારિત છે. મહાદેવ ક્યારેય તકલીફનું સર્જન કરવા તાંડવ નથી કરતા પણ તેઓ તો સૃષ્ટિના નવસર્જન, નિયંત્રિત નિયમન અને ચાલક ઊર્જાના પ્રસાર માટે તાંડવ કરે છે.

એમ કહેવાય છે કે દેવતાઓને એ સામગ્રી ધરાવવી જોઈએ જે તેમની પસંદગી અનુરૂપ હોય. ભોલેનાથની પસંદગી થોડી ગૂઢ છે. અન્ય દેવતાઓ જેનો અસ્વીકાર કરે તેને મહાદેવ-કરુણાનિધિ સહજતામાં સ્વીકારી લે, પછી તે ભક્ત દ્વારા ચઢાવાતી આહુતિ હોય કે સ્વયં ભક્ત-તે અન્ય પરિપ્રેક્ષ્યમાં અરૂચિકર લાગતી કળા હોય કે જન માનસમાં બંધાઈ ગયેલી યોગ્યતા/ સુંદરતાની વ્યાખ્યા. મહાદેવને પ્રેમથી અર્પણ કરાયેલ બધું જ માન્ય હોય છે. રાવણને આ વાતની ખબર હશે જ, અને તેથી જ તેણે કવિતા કે તેનાં લયને સુંદર લાલિત્યને આપવાને બદલે એના મનમાં આવેલો ઊર્જાનો ચરમસીમા સમાન ઉમળકો કોઈપણ પ્રકારના સૌંદર્યકરણ વિના જેમનો તેમ વ્યક્ત કરી દીધો. છંદબદ્ધ રચના કરવાનું એનું સામર્થ્ય હશે, પણ આ સામર્થ્યનો ઉપયોગ સુંદરતા વ્યક્ત કરવા માટે નહીં પરંતુ વિરાટ-ભવ્ય ઊર્જા વ્યક્ત કરવા માટે કર્યો છે.

શિવજી ભવ્ય છે, આડંબર વિનાના છે, જેમના તેમ સહજ છે. અહીં ભપકો નથી પણ જે તે કુદરતી સ્થિતિ જ છે. અહીં આભૂષણ નથી પણ પ્રત્યેક બાબત અહીં આભૂષણ સમાન બની જાય છે. અહીં આવેગ સાથે હળવાશ છે. અહીં નિયમો વિનાની શિસ્ત છે. સમર્પણની સંપૂર્ણતાથી અહીં શિવત્વની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. નિર્લેપતાની પરાકાષ્ઠા સમાન અહીં કશાનું આવરણ નથી. શિવ સ્વયં સંપૂર્ણ શૂન્યતાથી ભરેલ અનંતતા સમાન છે. રાવણ જ્યારે આ બધી બાબતોનો સમાવેશ પોતાના સ્તોત્રમાં કરે ત્યારે એમ તો કહી જ શકાય કે તે પોતાની પરમ ભક્તિથી મહાદેવને લગભગ પામી ચૂક્યો હશે. તેના જીવનમાં નકારાત્મકતા તો પાછળથી આવી હશે. મહાદેવની સ્તુતિમાં રાવણે એક ચરમબિંદુથી સાવ વિપરીત દિશાના બીજા ચરણબિંદુ સુધીની જે વાત કરી છે તે ભવ્ય છે. મહાદેવની સાથે તે રાવણને પણ પ્રણામ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button