Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો
અંબાજીઃ શકિતપીઠ અંબાજી(Ambaji) ખાતે આગામી 12મી સપ્ટેમ્બર થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ અવગડતા ન મળે એ માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી જાણકારી મેળવી શકે છે.
ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે. જેના માટે એક QR કોડ જનરેટ કરવામાં આવ્યું છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે છે.
યાત્રિક સુવિધા માર્ગદર્શિકા પ્રકાશિત કરાઈ
આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબધિત ‘યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટ વાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સુચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા-સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવેલી છે. જેના દ્વારા યાત્રિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકે.
નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા
યાત્રિકો માટે અંબાજી ખાતે ત્રણ જગ્યાએ વિનામુલ્યે ભોજન સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં શ્રી અંબિકા ભોજનલાય, અંબાજી, દિવાળીબા ગુરુભવન, દાંતા રોડ, અંબાજી અને ગબ્બર તળેટી, ગબ્બર ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તેમજ પાર્કિંગથી વિનામૂલ્યે મીની બસ ફેરી સેવા હશે. આ સેવા દાંતા રોડ પર પાંછા બસ સ્ટેન્ડ પાસેના પાર્કિંગથી દર્શન પથ સુધી અને હડાદ રોડ પર ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શન પથ સુધીની હશે.