મને મુખ્ય પ્રધાન બનાવો, અમિત શાહ સાથેની મુલાકાતમાં મનની વાત બોલી ગયા અજિત પવાર
મુંબઇઃ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યારે તેઓ દિલ્હી પરત ફરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાંસદ પ્રફુલ પટેલ સાથે તેમને મળ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. અજિત પવારે ભાજપના કેન્દ્રીય મંત્રી અમિત શાહ સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એમ માનવામાં આવે છે કે આ બેઠકમાં અજિત પવારે અમિત શાહની સામે ખુલ્લેઆમ મુખ્યમંત્રી પદની ઈચ્છા વ્યક્ત કરી હતી. બિહારની પેટર્નને ટાંકીને અજિત પવારે અમિત શાહને કહ્યું હતું કે મહાગઠબંધન વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય પ્રધાન તરીકે મારું નામ જાહેર કરે. એવું માનવામાં આવે છે કે બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બંને દ્વારા લડવામાં આવનારી બેઠકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમિત શાહ લાલબાગચા રાજાના દર્શન માટે મુંબઈની મુલાકાતે આવ્યા હતા.મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાત મહત્વની માનવામાં આવતી હતી. તેઓ ગણપતિ દર્શન માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આશિષ શેલારના ઘરે પણ ગયા હતા. તેમણે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી, વિધાનસભા ચૂંટણીને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળ્યું છે કે ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમના 50 ટકા ઉમેદવારો નક્કી પણ થઇ ગયા છે.
એમ જાણવા મળ્યું છે કે અમિત શાહ, એકનાથ શિંદે અને અજિત પવાર છેલ્લા 15 થી 20 દિવસથી વિધાનસભાની બેઠકોની ફાળવણીને લઈને ચર્ચા કરી રહ્યા છે. રાજ્યમાં વિધાન સભાની કુલ 288 સીટ છે. ભાજપ 288માંથી 150 સીટો પર ચૂંટણી લડી શકે છે. અજીતદાદા જૂથને 70 બેઠકો મળવાની ધારણા છે. મહારાષ્ટ્રની 40 બેઠકો પર એનસીપીના વિધાનસભ્યો હોવાથી અજિત પવારે આ સીટની માગણી કરી હતી. આ ઉપરાંત મહાવિકાસ અઘાડી સમયના રાજકીય સમીકરણ મુજબ કોંગ્રેસના હિસ્સાની 10 થી 12 બેઠકો પણ અજિત પવારે માગી છે.