ધર્મતેજ

પરમાત્મા કર્મફળના ત્યાગની વાત કરે છે જેમાં કોઈ ભૌતિક લાભની ઝંખના નથી

ગીતા મહિમા – સારંગપ્રીત

ગીતા-૩૦૮
કર્મફળ ત્યાગ
સારંગપ્રીત
ગત અંકમાં કર્મ ભક્તિમાં કેવી રીતે પરિણમે છે તે સમજ્યા. હવે શ્રીકૃષ્ણ ભગવાન કર્મફળના ત્યાગ ઉપર ભાર મૂકે છે, તે જાણીએ.
પરમાત્માની પ્રાપ્તિના ઇચ્છુક ભક્ત માટે ભગવાન, ભક્તિનો એક અન્ય વિકલ્પ બતાવતાં કહે છે –

अथैतदप्यशत्कोऽसि कर्तुं मद्योगमाश्रित:।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान

અર્થાત્
“મારા સ્વરૂપનિષ્ઠા યોગને આશ્રિત તું આ (ભક્તિસંબંધી ક્રિયાઓ) કરવા માટે પણ અસમર્થ હોય તો મનોવૃત્તિનો સંયમ કરી કર્મના ફળનો ત્યાગ કર.

સામાન્ય રીતે મનુષ્ય નોકરી ધંધો વગેરે કર્મ ધન કમાવા કરે છે. વિદ્યાર્થી ભણવાનું કાર્ય કોઈ ડિગ્રી મેળવવા કરે છે. એમ દરેક કાર્ય કરવા પાછળ કંઈક સ્વાર્થની ભાવના રહેલી હોય છે. ત્યાંથી થોડા ઉપર ઊઠી ઘણા લોકો પોતાને મળવાના કોઈ પણ ભૌતિક ફાયદા સિવાય પણ કર્મ કરતા હોય છે; જેમ કે ભૂખ્યાને ભોજન, ગરીબોની સેવા, પંખીઓને ચણ વગેરે. આ કાર્યો સારાં જ છે. લોકમાં સજ્જન અને દુર્જનની વ્યાખ્યા પણ આવાં કર્મોને આધારે જ થાય છે, પણ દરેક સજ્જન વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરવા સમર્થ નથી થતો, કારણકે તે સત્કર્મ પણ પુણ્ય મેળવીને સુખી થવા કે સમાજમાં યશ કીર્તિ મેળવવા કરે છે. અરે! બદલામાં કોઈ આભારની અપેક્ષા પણ મનુષ્યના અહમને પોષિત કરે છે. આથી આવું સત્કર્મ પણ પરમાત્માને પામવા માટે વામણું નીવડે છે.

એટલે જ અહીં પરમાત્મા કર્મફળના ત્યાગની વાત કરે છે. આ રીતે થતું કર્મ ઉત્કૃષ્ટ કક્ષાનું, સો ટચના સોના જેવું હોય છે. જેમાં બદલામાં કોઈ ભૌતિક લાભ કે પુણ્ય મેળવી સુખી થવાની કે કીર્તિની ઝંખના નથી. કોઈ નોંધ લે તેવી સ્પૃહા પણ નહીં. માત્ર પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવના! પરિણામે કર્મની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે. ખોટું કરવાની, કોઈને છેતરવાની કે કામચોરીની તો વાત જ ક્યાં રહી! તદુપરાંત જો ધાર્યું પરિણામ ન મળે તો પણ ભગવાનની ઇચ્છા માની ઉદ્વેગ પામ્યા વગર તેનો સ્વીકાર થઈ શકે છે. માળા, તપ, ભજન, પૂજા પાઠ વગેરે જેવા ભગવાનને અર્થે થતાં કર્મમાં પણ જો કોઈ ફળની અપેક્ષા ભળે તો તે કર્મ પૂરેપૂરા ભક્તિરૂપ થતું નથી. આવી જ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સમજાવી છે: “જે ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો જ એ શુભ કર્મ તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે.

બે મિત્રો હતા. બંને ખૂબ સારા ગાયક. એક દિવસ એક મિત્ર રાજા પાસે ગયો. રાજા દરબાર ભરીને બેઠા હતા. દરબારમાં રાજા, પ્રધાન તથા સર્વે દરબારીઓને ખુશ કરવા તેણે સર્વેને અનુલક્ષીને પોતાની કલા પ્રસ્તુત કરી. સૌની સાથે રાજા પણ ખુશ થયા. રાજાએ ખુશ થઈને તેને સોનામહોરો ભેટ આપી. થોડા દિવસ પછી તેનો મિત્ર તે જ રાજાના દરબારમાં ગયો અને તેણે પણ તેની ગાયકી પ્રસ્તુત કરી. તે તો જાણે દરબારમાં માત્ર રાજા જ હજર હોય તેવી રીતે ગાવા લાગ્યો. રાજાએ ખુશ થઈ તેને રાજ ગાયક બનાવી સન્માન કર્યું. તેના મિત્રને આશ્ર્ચર્ય થાય છે કે ગાયન તો હું પણ તારા જેવું સરસ ગાઉં છું તો મને થોડી સોના મહોરો આપી અને તને રાજ ગાયક બનાવ્યો. કારણ શું?

રાજા પાસે તે ઉત્તર માગવા ગયો ત્યારે રાજાએ કહ્યું : “તું મારા સામેથી નજર હટાવીને મારા દરબારીઓની તરફ લઈ જતો હતો ત્યારે મારું ધ્યાન બીજે જતું રહેતું હતું. જ્યારે તારો મિત્ર ફક્ત હું જ હાજર હોઉં તેમ સતત મારી સામું જોઈને ગાતો હતો એટલે હું પણ એના ગાનમાં ખોવાઈ ગયો અને મને તારા સંગીત કરતાં એના સંગીતમાં વધુ આનંદ
આવ્યો. એક સામાન્ય રાજાને પ્રસન્ન કરવા થતું કર્મ જુદું ફળ આપે તો પરમાત્માને પ્રસન્ન કરવા થતું કર્મ શું ફળ ન આપે?

કૈવલ્ય ઉપનિષદ કહે છે “કર્મથી, પ્રજાથી કે ધનથી નહીં ત્યાગથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે જીવનભર લોક કલ્યાણનાં કામો કુશળતાથી કર્યાં, પરંતુ કર્મફળની આસક્તિ વગર. કર્મફળના ત્યાગની વ્યાખ્યા સ્વામીશ્રીના શબ્દોમાં અનેક વાર પડઘાઈ છે: “આપણે તો ભગવાનની ઇચ્છા મુજબ સેવા કરીએ. પછી જે પરિણામ આવે તે ભગવાનની ઇચ્છા. આપણે તો ભગવાન રાજી થાય એ જ ફળ. એ સિવાય કોઈ ફળની અપેક્ષા નથી. સ્વામીશ્રીએ કર્મફળના ત્યાગનું મહત્ત્વ સમજાવી દીધું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button