તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

યોગ મટાડે મનના રોગ: સાધક પોતાની જાતને પૂછે છે, હું કોણ છું? તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ આ

સાધનાપદ્ધતિમાં સાધક સતત રાખે છે કે કોઇ પણ સંજોગોમાં પોતાની જાતનું વિસ્મરણ ન થાય. આત્મજાગૃતિનું ધોરણ જેમજેમ ઊંચું આવતું જાય છે.

તેમતેમ સાધકના જીવનમાં યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિ પણ ઘટવા માંડે છે. સાવ સરળ લાગતી આ સાધનાનો વિનિયોગ લાગે છે તેટલો સરળ નથી. પોતાની જાતનું સતત સ્મરણ રાખવા માટે ઘણી ઊંડી અને ઘણી વિકસિત જાગૃતિની આવશ્યકતા છે. પરંતુ સાધક જો આત્મસ્મૃતિની કળા હસ્તગત કરી લે તો નાની અને સાદી લાગતી આ ધ્યાનપદ્ધતિ દ્વારા તેના જીવનમાં ક્રાંતિ પ્રગટી શકે છે. આધુનિક યુગમાં શ્રી ગુર્જિયેફ આ પદ્ધતિના ઉદ્ગાતા ગણાય છે. આત્મસ્મૃતિના વિકાસ માટે તેમણે અનેકવિધ પદ્ધતિઓનો વિકાસ કર્યો છે અને તે પદ્ધતિઓનો વિનયોગ પણ થયો છે. (૫) ‘હું કોણ?’ શ્રી રમણ મહર્ષિ પ્રણીત આ સાધનાપદ્ધતિ આત્મપદ્ધતિ આત્મખોજની પદ્ધતિ છે. સાધક પોતાની જાતને પૂછે છે,

(Everyday Yoga)

“હું કોણ છું? – માત્ર શાબ્દિક રીતે નહીં, આત્મખોજના ભાગરૂપે, પોતાના યથાર્થ સ્વરૂપને પામવા માટે તે પોતાના સ્વરૂપની શોધ કરે છે, માટે પૂછે છે, “હું કોણ છું? સાધક પોતાની આત્મખોજના ભાગરૂપે પોતાની જાતને જ પૂછે છે, “હું કોણ છું? – આ પ્રશ્ર્નો અંદરથી જે ઉત્તર મળે તેને તે તપાસે છે. હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું. હું અમુક નામધારી વ્યક્તિ છું. હું અમુકઅમુક સંબંધી છું, અમુક હોદ્દેદાર છું -આદિ અનેકવિધ ઉત્તરો આવી શકે છે. સાધક આ સ્વરૂપના ઉત્તરો તપાસતો રહે છે અને તેમની વ્યર્થતા સમજે છે અને તેથી તેવા ઉત્તરોનો ઇનકાર કરતો રહે છે.

હું શરીર, મન, બુદ્ધિ, અમુકનામધારી વ્યક્તિ – આમાંનું કશકું જ હોઇ શકું નહીં, કારણ કે આ બધું જ નાશવંત અને પરિવર્તનશીલ છે. તેમાંનું કશું મારું સાચું સ્વરૂપ થઇ શકે નહીં. તો મારું સાચું સ્વરૂપ શું છે? હું કોણ છું? -આવો પ્રશ્ર્ન સાધક પોતાની જાતને તીવ્રતાપૂર્વક અને સતત પૂછતો રહે છે. આ પ્રશ્ર્ન કોઇ શાબ્દિક કે બૌદ્ધિક ઉત્તર મેળવવા માટે પૂછવામાં આવતો નથી, પરંતુ આત્મખોજના ભાગસ્વરૂપે પૂછવામાં આવે છે. આ તીવ્ર જિજ્ઞાસા સાધકની ચેતનાને એવી ભૂમિકાએ પહોંચાડી દે છે કે જ્યાં પ્રશ્ર્ન રહેતો નથી, બધા પ્રશ્ર્નો સરી જાય છે. બધા પ્રશ્ર્નો શમી જાય છે. સાધકની તીવ્ર આત્મજિજ્ઞાસા, પોતાના યથાર્થ સ્વરૂપને તીવ્ર અભીપ્સા, તેની અવિરતપણે ચાલતી આત્મખોજ જ તેને પોતાના સ્વરૂપમાં – આત્મસ્વરૂપમાં અવસ્થિત કરી દે છે.

આ આત્મખોજની પદ્ધતિને જ “હું કોણ છું?ની ધ્યાનપદ્ધતિ કહે છે. “હું કોણ છું?ની પદ્ધતિ તે બૌદ્ધિક કે તાત્ત્વિક સ્વરૂપની નથી, પરંતુ આધ્યાત્મિક સ્વરૂપની છે. તેથી સાધક જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી તે ચાલુ રહે છે. આ “હું કોણ છું?ની તપાસના જવાબમાં કોઇ ઉત્તર મળતો નથી, પરંતુ બધા પ્રશ્ર્નો-ઉત્તરો જ્યાં વિરામ પામે છે, તે આત્માને પમાય છે. (૬) નાદાનુસંધાન : જેમ રૂપના ધ્યાન દ્વારા અરૂપને પમાય છે, તેમ નાદના ધ્યાન દ્વારા નાદાતીતને પમાય છે. બધા નાદનો જન્મ આદિનાદમાંથી થાય છે. આ આદિનાદા (પ્રણવનાદ)નું ઉચ્ચારણ નહીં, પરંતુ શ્રવણ કરવું તે નાદાનુસંધાન-ધ્યાનની પદ્ધતિનો પ્રધાન સિદ્ધાંત છે.

નાદાનુસંધાન-ધ્યાનની પદ્ધતિ નીચે પ્રમાણે છે: (૧) કોઇ પણ એક ધ્યાનોપયોગી આસનમાં બેસો. (૨) આંખ બંધ કરો. હાથની આંગળીથી કે અન્ય ઉપકરણ દ્વારા બંને કાન બંધ કરો. બહારનો અવાજ કાનમાં પ્રવેશે નહીં તે રીતે કાન બંધ કરો, છતાં કાન પર પીડાકારક દબાણ ન આવે તેની કાળજી રાખો. (૩) બહારનો અવાજ બંધ થતાં અંદરના નાદનું શ્રવણ શરૂ થશે, ચિત્તને આ આંતરનાદ પર એકાગ્ર કરો. ચિત્ત અન્ય વિચારોમાં ચડી જાય તેમ બનશે, પરંતુ તેને પુન:પુન: પાધું વાળીને આંતરનાદ પર એકાગ્ર રાખો. (૪) આ રીતે ચિત્ત આંતરનાદમાં લીન થતાં જ નાદની એક સોનેરી સુષ્ટિ પ્રગટ થશે. સાધક અન્યથા અશ્રુત એવા નાદનું શ્રવણ કરશે. શંખ, ઘંટા, ઝાલર, ઝાંઝર બંસી, શરણાઇ, વીણા આદિના વાદ જેવા નાદનું શ્રવણ થશે. આ બધું પ્રથમ દિવસે જ પ્રગટતું નથી. અભ્યાસ ધીમેધીમે વધારવો જોઇએ. (૫) આ બધા નાદની સૃષ્ટિમાં પાર જવાનું છે, અભ્યાસ ચાલુ રાખતાં આ નાદસૃષ્ટિ શમી જશે અને મહાનાદ- પ્રણવનાદા પ્રગટ થશે. પ્રવણનાદનું ઉચ્ચારણ નહીં, પરંતુ શ્રવણ થશે. (૬) આખરે પ્રણવનાદનું શ્રવણ પણ શમી જતાં નાદાતીત ધ્યાનાવસ્થામાં પ્રવેશ થશે. (૭) શાંભવી મુદ્રા: આ મુદ્રા શંભુદી મુદ્રા પ્રિય છે, તેથી તેને શાંભવી મુદ્રા કહે છે. તેની પદ્ધતિ આ પ્રમાણે છે:

(૧) કોઇ એક ધ્યાનોપયોગી આસનમાં બેસો. (૨) આંખો ખુલ્લી રાખો. દષ્ટિ બહાર રાખો, પરંતુ ધ્યાન અંદર રાખો. અંતર્લક્ષ્ય બહિદષ્ટિ- આ શાંભવીનું પ્રધાન લક્ષણ છે.

બહાર અવકાવશમાં જ્યાં કશું નથી ત્યાં દષ્ટિ શૂન્ય પર સ્થિર કરો. બહાર અવકાશમાં એક કાલ્પનિક બિંદુ પર આંખ માંડી રાખો. આને જ શૂન્યદષ્ટિ પણ કહે છે, કારણ કે આંખ અવકાશમાં શૂન્ય પર મંડાયેલી છે. દષ્ટિ બહાર હોવા છતાં ધ્યાન અંદર રાખો. આંખો ખુલ્લી હોવા છતાં, દષ્ટિ શૂન્ય પર સ્થિર હોવાથી ઇન્દ્રિયોનું મન સાથે અને વિષય સાથે જોડાણ થતું નથી, તેથી મન નિર્વિષય બની જાય છે. અંદરના વિચારોની સાંકળ જાગૃતિપૂર્વક બંધ રાખવાની છે. આ રીતે જ્ઞાનેન્દ્રિયો અને મનનો વ્યાપાર બંધ થતાં જ વૃત્તિનિરોધની અવસ્થામાં પ્રવેશ થાય છે.

પ્રારંભમાં મનની ચંચળતાનો અનુભવ થશે, પરંતુ ધીરજપૂર્વક અભ્યાસ ચાલુ રાખવાથી આંતરજગતમાં પ્રવેશ થશે. ઉપસંહાર: અધ્યાત્મવિદ્યાનું ઘણું ખેડાણ થયું છે, તેથી આપણી પાસે અનેકવિધ સાધનાઓ અને અનેકવિધ ધ્યાનપદ્ધતિઓનો વિશાળ વારસો છે. આમ હોવા છતાં બધું બધા માટે નથી. સાધકે ગુરુપદિષ્ટ માર્ગે કે પોતાના વિવેકથી પોતાની પદ્ધતિ પસંદ કરીને તેનો સ્થિરતાપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. એક જ સાધક બધી સાધનાઓ કરે તે શક્ય પણ નથી અને હિતાવહ નથી. બધું સાચું હોવા છતાં પોતે પોતાના પથ પર સ્થિરતાપૂર્વક ચાલવું તે જ બરાબર છે. અનેક રસ્તા હોવા છતાં એક જ પથિક અનેક રસ્તાનો પથિક બની શકે નહીં અને તેમ કરવું આવશ્યક પણ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button