ચીન અને રશિયાએ સયુંકત સૈન્ય કવાયત હાથ ધરતા ભારતની ચિંતા વધારી
મોસ્કો: ભારત અને અમેરિકાએ રાજસ્થાનમાં મિલિટરી કવાયત કરવાના અહેવાલ વચ્ચે ચીન અને રશિયાએ યુદ્ધ અભ્યાસ કરતા ભારતની ચિંતા વધારી છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે રશિયા સપ્ટેમ્બરમાં જાપાનના સમુદ્ર અને ઓખોત્સ્કના સમુદ્રમાં ચીન દ્વારા આયોજિત કવાયતમાં સામેલ થશે. સિન્હુઆએ જણાવ્યું હતું કે કવાયતનો ઉદ્દેશ્ય “ચીની અને રશિયન સૈન્ય વચ્ચે વ્યૂહાત્મક સંકલનનું સ્તર વધારે ગાઢ કરવાનું છે અને સંરક્ષણ જોખમોનો સંયુક્ત રીતે પ્રતિકાર આપવાની તેમની ક્ષમતાને વધારવાનો છે”.
ચીન અને રશિયા વચ્ચે સતત મજબૂત થઈ રહેલા સૈન્ય સંબંધોને કારણે ભારતે ખાસ સતર્ક રહેવાની જરૂર છે. ચીન સાથે ભારતની જૂની દુશ્મની છે અને તેનું કારણ છે બંને દેશો વચ્ચે સરહદ વિવાદ. જેના માટે બંને દેશો યુદ્ધ પણ લડી ચુક્યા છે. તો વળી રશિયા ભારતનું સૌથી મોટું સૈન્ય ભાગીદાર અને શસ્ત્રો સપ્લાયર છે. આવી સ્થિતિમાં ભારતને ડર છે કે રશિયાની નજીક આવવાથી ચીનની સૈન્ય શક્તિમાં વધારો થઈ શકે છે, જેના કારણે તેનું સીધું નુકસાન ભારતને ભાગે આવવાની સંભાવનાઓ રહેલી છે. સાથે જ રશિયાને ચીનને સાથે લેવાની મજબૂરી છે અને આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન સાથે મિત્રતા મજબૂત કરવા પર સતત ભાર આપી રહ્યા છે.
રશિયા અને ચીને છેલ્લા બે વર્ષમાં 6 જેટલા સંયુક્ત સૈન્ય અભ્યાસ હાથ ધરી ચૂક્યા છે. તેમાંની મોટાભાગની સૈન્ય કવાયત દક્ષિણ અને પૂર્વ ચીન સાગરમાં કરવામાં આવી રહી છે કે જે બંને વિસ્તારોમાં ચીન અને રશિયાને તેમના પાડોશી દેશો સાથે ગંભીર સરહદ વિવાદ છે. આમ છતાં બંને દેશોની સેના પોતાની શક્તિનું પ્રદર્શન કરીને પાડોશી દેશોને આકરો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ રશિયા અને ચીનની નૌસેનાએ દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત નૌકા કવાયત હાથ ધરી હતી.
ચીન સાથે રશિયાના વધી રહેલી ભાઈબંધીને જોતા ભારતે પણ તેના વિકલ્પોની શોધ તેજ કરી છે. આ જ કારણ છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. ભારત શસ્ત્રોની આયાતમાં પણ વિવિધતા લાવી રહ્યું છે અને ઝડપથી રશિયા પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. જો કે, આ હોવા છતાં, ભારત કોઈપણ રશિયન વિરોધી જૂથનો ભાગ નથી બની રહ્યું અને પૂરતું અંતર જાળવી રહ્યું છે.