ભોળેનાથ, મારી માતા તમારા વિશે કંઈ જાણતી નથી અજ્ઞાની છે તેને માફ કરો!
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
કુમાર કાર્તિકેય: ‘હું ક્રોધિત નથી માતા, તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, અવશ્ય સમય આવ્યે હું કૈલાસ આવીશ, પણ હાલ હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે ઉત્સાહિત છું, મારા ઉત્સાહને તોડવાનો પ્રયાસ કરશો નહીં, મને આશિર્વાદ આપો કે તેમાં હું સફળ થાઉં.’
દેવર્ષિ નારદ: ‘ખરું કહે છે કુમાર કાર્તિકેય, સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે મને સહકાર કરવાવાળું કોઈક તો જોઈએ ને? હું વરસોથી એકલો જ આ કાર્ય કરી રહ્યો છું.’
ભગવાન શ્રી હરિ વિષ્ણુ: ‘આજે કાર્તિકી પૂનમના દિવસે કૃત્તિકા નક્ષત્રનો યોગ છે, જે મનુષ્યો કાર્તિકી પૂનમના અને કૃત્તિકા નક્ષત્રનો સંયુક્ત અવસર હોય ત્યારે અહીં ક્રોંચ પર્વત પર આવી કુમાર કાર્તિકેયના દર્શન કરશે તેમના સમગ્ર પાપોનો નાશ થશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે.
બીજી તરફ ઉપસ્થિત માતા પાર્વતીને સમજાય છે કે હવે પુત્રનો વિયોગ સહન કરવો પડશે અને પુત્ર પણ માતાનો પ્રેમ મેળવી શકશે નહીં એટલે તેમણે કહ્યું.
માતા પાર્વતી: ‘હે સ્વામી, આવા ક્રોધિત અવસ્થામાં હું મારા પુત્રને અહીં એકલો છોડી શકીશ નહીં, આજથી હું પણ અહીં જ રહીશ, કુમાર સાથે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘બહેન પાર્વતી, તમે જો અહીં રહેશો તો સૃષ્ટિના સંચાલનમાં ખલેલ પડશે, કૈલાસ ખાતે તમારી હાજરી આવશ્યક છે.’
માતા પાર્વતી: ‘હે સ્વામી, તો તમે અહીં મારી સાથે લિંગ સ્વરૂપે અહીં ક્રોંચ પર્વત પર બિરાજમાન થાઓ, જેથી આપણે આપણા પુત્રની રક્ષા કરતા રહીએ.
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’
ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ ભગવાન શિવ અને માતા પાર્વતીના હૃદયમાંથી એક જ્યોત નીકળે છે. બંને જ્યોત એકત્ર થતાં જ એક શિવલિંગ ઉત્પન્ન થાય છે અને એ બંને જ્યોત એ શિવલિંગમાં સમાઈ જાય છે, જે આજે મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગના નામે પ્રખ્યાત છે અને લાખ્ખો વરસ બાદ આપણી મનોકામના પૂર્ણ કરે છે. લોકવાયકા એવી છે કે દર અમાસને દિવસે ત્યાં સ્વયં ભગવાન શિવ પધારે છે અને દર પૂર્ણિમાને દિવસે પાર્વતીજી જાય છે. આ મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગનો વૃત્તાંત જે બુદ્ધિમાન મનુષ્ય સાંભળે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને એની સર્વ શુભ કામનાઓ પૂર્ણ થાય છે જે મનુષ્ય આ ચરિત્રને વાંચે છે અથવા વંચાવે છે અને સાંભળે તથા સંભળાવે છે, નિ:સંદેહ એના સર્વ મનોરથ સફળ થઈ જાય છે. આ અનુપમ આખ્યાન પાપનાશક, કીર્તિપ્રદ, સુખવર્ધક, આયુ વધારનાર, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર, પુત્ર-પૌત્રની વૃદ્ધિ કરનાર, મોક્ષપ્રદ શિવજીના ઉત્તમ જ્ઞાનના પ્રદાતા, શિવ પાર્વતીમાં પ્રેમ ઉત્પન્ન કરનાર અને શિવભક્તિવર્ધક છે. આ કલ્યાણકારક, શિવજીના અદ્વૈત જ્ઞાનના દાતા તથા સવા શિવમય છે, તેથી મોક્ષકામી અને નિષ્કામી ભક્તોએ સદા એનું શ્રવણ કરવું જોઈએ.
મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગની સ્થાપના થતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે, માતા સરસ્વતી અને બ્રહ્માજી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે, ભગવાન શિવ, માતા પાર્વતી કૈલાસ પધારે છે. કૈલાસ પધારતાં જ શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે. ભગવાન ગણેશ અને સિદ્ધિ અને બુદ્ધિ તેમના આશિર્વાદ લે છે. કૈલાસ ખાતે હર્ષ વ્યાપી જાય છે અને સમય વિતતાં કૈલાસ ખાતે શિવપરિવારમાં બે નવા સભ્યોનો ઉમેરો થાય છે. સિદ્ધિના ગર્ભથી ‘શુભ’ અને બુદ્ધિના ગર્ભથી ‘લાભ’ નામના પુત્રનો જન્મ થાય છે. દેવર્ષિ નારદ દ્વારા બ્રહ્મલોક અને ક્ષીરસાગરમાં ખબર આપતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી અને માતા સરસ્વતી સહિત દેવગણો પધારે છે અને શુભ લાભને આશિર્વાદ આપે છે. કૈલાસ ખાતે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાય છે.
એક શ્રીકર નામનો બાળક અને માતા ગોપા સાથે વનમાંથી ઘાસ કાપી લઈ આવતો હોય છે. એમનો માર્ગ રાજા ચંદ્રસેનના રાજમહેલની પાસેથી પસાર થતો હોય છે. તેઓ રાજમહેલ પાસેથી પસાર થતા હોય છે
ત્યારે તેમને ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાય છે. બાળ શ્રીકર આ અવાજ કોનો છે જોવા રાજમહેલની દિવાલ પર ચડી જાય છે. માતા વારે છે પણ ‘ઓમ નમ: શિવાય’ના જાપથી આકર્ષિત થયેલો શ્રીકર રોકાતો નથી અને ઉપર ચડી જોઈ છે કે મહારાજા ચંદ્રસેન ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરી રહ્યા છે. આ જાપ સાંભળી શ્રીકર એટલો પ્રભાવિત થાય છે કે તે નીચે પોતાના માતા પાસે આવીને કહે છે
શ્રીકર: ‘માતા હું ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરવા માંગું છું મને આજ્ઞા આપો.’
ગોપા: ‘પુત્ર તું હજી બાળક છે, તારી આયુ જપ-તપ કરવાની નથી. પહેલા યુવાન થઇ જા.’
માતા સમજશે નહીં એમ જાણી ભગવાન શિવની ભક્તિ કરવા ઉન્મદ શ્રીકર માર્ગમાં આવતી નદીમાં ઝંપલાવી દે છે. માતા વિલાપ કરે છે કે મારો પુત્ર ડૂબી ગયો. ગામના લોકો વિલાપ કરી ગોપા પાસે આવે છે અને વિગતો જાણે છે. એ જ સમયે સામેના કિનારેથી આવનાર એક યુવક કહે છે કે તમારો પુત્ર તો સામેના કિનારે આવેેલા જંગલમાં શિવ તપસ્યા કરી રહ્યો છે. શ્રીકર જ્યા તપસ્યા કરી રહ્યો હોય છે એ નદી કિનારો રાજા ચંદ્રસેનના શત્રુ રિપુદમનના અધિપત્યનો હોય. રાજા રિપુદમન તેમના મિત્રો સાથે ચર્ચા કરે છે કે આપણે કઈ રીતે રાજા ચંદ્રસેનના રાજ્ય પર આક્રમણ કરી તેમને બંદી બનાવવાનું ષડયંત્ર રચે છે. પોતાના રાજા ચંદ્રસેનાની રક્ષા માટે શ્રીકર ભગવાન શિવની આરાધના કરવા બેસે છે. આરાધના દરમિયાન શ્રીકરની માતા ગોપા સામે કિનારે પહોંચે છે અને શ્રીકરને શોધે છે. શોધખોળ દરમિયાન ક્યાંકથી ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાતા ત્યાં જાય છે. જુએ છે તો શ્રીકર ભગવાન શિવની એક શિવલિંગ બનાવી તપસ્યા કરતો નજરે પડે છે. તેની પાસે જઈ ગોપા શ્રીકરનો હાથ ખેંચી કહે છે
ગોપા: ‘શ્રીકર ચાલ ઘરે, હું તારા સિવાય જીવી નહીં શકું.’
શ્રીકર: ‘માતા હું મહારાજા ચંદ્રસેન માટે તપસ્યા કરું છું, મારી તપસ્યામાં હસ્તક્ષેપ ન કરો.’
શ્રીકર પોતાની વાત ન સાંભળતા ગોપા ગુસ્સે થાય છે અને શ્રીકરનો હાથ ખેંચીને લઈ જવાની કોશિષ કરે છે. થયેલા તપસ્યામાં હસ્તક્ષેપ થતાં
શ્રીકર: ‘ભોળેનાથ મારી માતા તમારી વિશે કંઈ જાણતી નથી અજ્ઞાની છે તેને માફ કરો.’
શ્રીકર અટકાવવાની કોશિષ કરે છે પણ ક્રોધિત ગોપા માટીથી બનાવેલી શિવલિંગને ઉંચકી પ્રવાહિત નદીના વહેણમાં વિસર્જન કરી દે છે. (ક્રમશ:)