ધર્મતેજ

નકારાત્મકતા નકારાત્મક વલણ અને વક્રદૃષ્ટિ સાચું અને સારું જોવા દેતી નથી

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

વ્યર્થ લડવાનું છોડીને જીવનના
મૂળભૂત તત્ત્વોનો સ્વીકાર કરીએ
તો કોઈ ફરિયાદ રહેશે નહીં
સમાજમાં એવા કેટલાય માણસો હોય છે જેમને કશું સારું દેખાતું નથી. તેમને હંમેશાં બીજા સામે ફરિયાદ રહે છે. બીજાની ભૂલો કાઢતા રહે છે. વાતવાતમાં વાંકું પડી જાય છે. તેમનું વલણ નિરાશાવાદી હોય છે. કારણ વગર ગુસ્સે થવું, વિરોધ કરવો અને કાંઈ પણ હોય બીજા પર દોષનો ટોપલો ઢોળવો આ તેમનો સ્વભાવ બની ગયો હોય છે. આવા લોકો બીજાની સફળતાં સહન કરી શકતાં નથી. હું કહું એ જ સાચું એવું તેમનું વલણ હોય છે. આવી પ્રકૃતિના માણસોને મોટે ભાગે કોઈ વતાવતું નથી. આવા અળવિતરા માણસોને કશું કહેવા જઈએ તો આપણે સામી બે સાંભળવી પડે. આવા લોકોની આડે ઊતરવામાં કોઈ ફાયદો નથી. તેઓ સમૂહમાં ભળી શકતાં નથી. દરેક વાતમાં પોતાનો ચોકો અલગ રાખે છે. આવા સ્વભાવનું મૂળ કારણ નકારાત્મક વલણ છે.

 જે માણસ નકારાત્મક  હશે  તેને માટે બધું નકારાત્મક થઈ જશે. અને જે માણસ વિધાયક હશે તેને માટે બધું વિધાયક બની જશે. આપણી ચારે તરફ જે કાંઈ છે તેનો સ્ત્રોત આપણે પોતે જ છીએ. આપણું જેવું મન હશે તેવું આપણને દેખાશે. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. દરેક વસ્તુમાં જો આપણને ખોડખાંપણ નજરે પડતી હોય, સારું દેખાતું ન હોય તો સમજવું કે આપણામાં વિધાયક કેન્દ્ર નથી. આપણી અંદર સ્વીકારની ભાવના નથી. જગત એક દર્પણ છે અને આપણે તેમાં આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. જગત જો ખરાબ દેખાતું હોય તો તેમાં તેની ખામી નથી, પણ તે આપણી પોતાની ખામી છે. વક્રદૃષ્ટિ આપણને સાચું અને સારું જોવા દેતી નથી.

કોઈ વસ્તુનો વિરોધ અને પ્રતિકાર કરીએ છીએ ત્યારે મનોમન આપણે શરતો નક્કી કરી નાખીએ છીએ. આમ થાય તો સાચું અને આમ ન થાય તો ખોટું. આપણે તેની સામે લડવાનું શરૂ કરી દઈએ છીએ. મોટાભાગની નકામી વાતો સામે આપણે લડતા હોઈએ છીએ, ટકરાતા હોઈએ છીએ. આમ થાય કે ન થાય તેની સાથે આપણે બહુ સંબંધ હોતો નથી, પરંતુ માણસ પોતાના અહંકાર અને જીદને કારણે તેમાં કૂદી પડે છે.

આ જગત આપણી મરજી મુજબ ચાલવાનું નથી. અસ્તિત્વના પ્રવાહને આપણી ઈચ્છા મુજબ વાળી શકાય નહીં. તેના વહેણને વાળવાનો પણ કોઈ અર્થ નથી. તેની સાથે વહેતા રહેવાની જ મજા છે.

જીવનમાં જે કંઈ બને તેનો સ્વીકાર કરી લઈએ તો મોટાભાગની વિટંબણાઓ દૂર થઈ જાય. પરિસ્થિતિ, સમય અને સંજોગોને સ્વીકારી લેવાના હોય છે. તેની સામે જેટલા લડતા રહીશું તેટલા નકારાત્મક બની જઈશું. તેની સામે લડવાનો વિધાયક માર્ગ છે તેનો સ્વીકાર. મહાવીર પ્રભુએ કહ્યું છે કે તમે જેવા છો તેવા તમારી જાતને સ્વીકારી લો. આ સ્વીકાર જ અહંકારને નાબૂદ કરી નાખે છે.

આપણે બધાની સામે લડીને એક નકારાત્મક દુનિયા ઊભી કરી લઈએ છીએ. લોકો આપણા વિરોધમાં હોતા નથી, પણ આપણી સાથે નથી એટલે આપણને એમ લાગે છે. સમયની ધારા સાથે ચાલીએ તો સમય આપણને સહયોગ આપે છે. સમય ખૂદ સહારો બની જાય છે, જે વસ્તુની સાથે આપણે વિધાયક બની જઈશું તે આપણી શક્તિનો સ્ત્રોત બની જશે. દુ:ખ, મુશ્કેલી અને પીડાને આપણે સહન કરી લઈશું તો એ એક તાકાત બની જશે. દુ:ખ સુખમાં, મુશ્કેલી સરળતામાં, યાતના સગવડતામાં અને પીડા રાહતમાં ફેરવાઈ જશે.

અસ્તિત્વ, પરિસ્થિતિ, સમય, સંજોગો અને કાળનો સ્વીકાર એ જીવન છે. નકારાત્મક ભૂમિકા માણસને અંદરથી કોરી રાખે છે અને માણસ ધીરે ધીરે તૂટતો જાય છે, પરંતુ તેને ખબર પડતી નથી. વિધાયક વલણ નવું જીવન, નવી ચેતના અને નવી શક્તિ આપે છે. આપણે જીવન પ્રત્યે શા માટે વિધાયક નથી, આપનું વર્ણન શા માટે નકારાત્મક છે. જીવનની ધારામાં આપણે શા માટે સરળતાથી વહી શકતા નથી એ અંગે થોડો વિચાર કરવો જરૂરી છે.

નકારાત્મક વલણ ધરાવતા લોકોનો અહંકાર પ્રબળ હોય છે. તેઓ બીજાની સફળતાં સહન કરી શકતાં નથી. બીજાની ભૂલો અને દોષો કાઢતા રહે છે. તેમની બીજા પાસેથી અપેક્ષા વધુ રહે છે. સહનશક્તિનો અભાવ અને સાચી વાતનો તેઓ જલદીથી સ્વીકાર કરી શકતાં નથી. આપણે એ વિચારવું જોઈએ કે બીજાના દોષો આપણે શા માટે જોઈએ છીએ? બીજાના દોષો જોવામાં શા માટે રસ ઊભો થાય છે? બીજાની નિંદા કરવી અને સાંભળવી શા માટે ગમે છે? હકીકતમાં તો આપણે બીજાના દોષો એટલા માટે જોઈએ છીએ કે બીજાના દોષ આપણને જેટલા દેખાય છે તેટલા આપણે પોતે નિર્દોષ માલુમ પડીએ છીએ. બીજાના વધુ દોષો જોવા મળે તો આપણે વધુ નિર્દોષ હોવાનું મહેસૂસ કરીએ છીએ. દરેક માણસમાં કાંઈ ને કાંઈ દોષ, અધૂરપ, ઊણપ કે ક્ષતિ હોય છે. આ દોષ મનમાં પીડા ઊભી કરતો હોય છે, પરંતુ આપણે બીજાના મોટા દોષો શોધી કાઢીએ તો તેમાં આપણા આ દોષો નાના, નજીવા બની જાય છે. બીજાને જેટલા દુર્જન જોઈ શકીએ એટલા આપણે સજ્જન માલુમ પડીએ છીએ. સ્વયંને છેતરવાની આ એક તરકીબ છે.

કોઈના સારા-ખબર કે તેના ગુણ અંગે આપણે બહુ રસ લેતા નથી, પરંતુ તેનો દોષ જોવા મળે તો રસ જાગે છે, કારણ કે આપણે દોષિત છીએ, અંદરથી પીડિત છીએ, પણ આ કબૂલ કરવાની કે નાબૂદ કરવાની આપણી તૈયારી નથી. આ રસ્તો કઠિન છે એટલે આપણે બીજો સરળ ઉપાય શોધી કાઢ્યો છે બીજાના દોષો જોવાનો.

જીવનમાં બધી વસ્તુ આપણી મરજી મુજબ થવાની નથી. અણગમતાનો પણ સ્વીકાર કરવો પડે છે. સુખની સાથે દુ:ખ, સારાની સાથે નરસું, શુભની સાથે અશુભ આવતું રહેવાનું જ છે. કેટલીક વસ્તુઓનો પ્રતિકાર કરી શકાતો નથી તેને સ્વીકાર્યે જ છુટકો છે. જીવન અને અસ્તિત્વના વાવાઝોડામાં જે લોકો ઝૂકી જાય છે, નમી જાય છે તેના પરથી તે પસાર થઈ જાય છે, પરંતુ જે લોકો અક્કડ બનીને ઊભા રહે છે તે ઊથલી પડે છે. જીવનના મૂળભૂત તત્ત્વોનો આપણે સ્વીકાર કરીએ તો સંઘર્ષ રહેતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button