ગુજરાતમાં ‘ચાઈનીઝ લસણ’ મુદ્દે બબાલઃ આવતીકાલે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ

ગોંડલ: થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. માર્કેટયાર્ડમાં દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના 30 જેટલા કટ્ટા (બોરી) મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ LCB, SOG બ્રાન્ચ સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જો કે ચાઇનીઝ લસણ ઘૂસાડવાના વિરોધમાં આવતીકાલે માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 7 સપ્ટેમ્બરના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચીનનું લસણ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દેશમાં પ્રતિબંધિત લસણને ઘૂસાડવાના વિરોધમાં ગોંડલ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટયાર્ડમાં આવતીકાલે લસણના વેપારી દ્વારા લસણની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને લસણ ભરીને ન આવવા માટે પણ અરજી કરવામાં આવી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ ઘૂસાડવા મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે યાર્ડના વેપારીઓનું માનવું છે કે યાર્ડમાં ચીનનું લસણ આવ્યું છે તે બાબતની મને જાણ કરી હતી. દેશમાં પ્રતિબંધ હોય તેવા લસણને ઘૂસાડનાર સામે આકરી કાર્યવાહી થવી જ જોઈએ અને આ મામલે અમને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજૂઆત કરીશું.
અમદાવાદમાં પણ મળી આવ્યું ચાઇનીઝ લસણ:
જો કે આ દરમીયાન અમદાવાદમાં જ ચાઇનીઝ લસણ વેંચાતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં લારીઓમાં ખુલ્લેઆમ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે આ લસણ ક્યાંથી આવ્યું તે અંગે પૂછપરછ કરતાં વેપારીઓએ વાસણા એપીએમસીથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.