જાહેરમાં લુગડાં ન ધુઓ: અમિત શાહની ભાજપના નેતાઓને તાકીદ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહાયુતિના નેતાઓને જાહેર વિવાદો ટાળવા અને મહાયુતિના કૌભાંડો પ્રકાશમાં ન આવવા દેવાની સલાહ આપી હતી. અમિત શાહે રવિવારે રાત્રે ભાજપની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. સૂત્રોએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે શાહે લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળતા તરફ દોરી ગયેલી ભૂલોને ટાળવાની સૂચના ભાજપના પદાધિકારીઓને આપી હતી.
શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બંધ બારણે ચર્ચા કરી હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મહાયુતિના આગેવાનોએ સંયમ રાખવો જોઈએ અને એકતાની છબી પ્રજા સમક્ષ રજૂ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતાં શાહે ઉમેર્યું હતું કે ચોક્કસ માપદંડોના આધારે બેઠકોની ફાળવણી થવી જોઈએ, યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ જે જીતવાની ક્ષમતા ધરાવતા હોય.
આ પણ વાંચો: અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!
મહાયુતિના વિવાદમાં વિધાન પરિષદમાં બાર સભ્યોની નિમણૂકનો મુદ્દો અટવાયેલો છે. અજિત પવારે ભાજપ માટે છ અને શિવસેના અને એનસીપી માટે ત્રણ-ત્રણનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી.
અમિત શાહે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે ભાજપની રાજ્ય સંચાલન સમિતિના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ અધ્યક્ષ, ગિરીશ મહાજન, રવિન્દ્ર ચવ્હાણ, પંકજા મુંડે, રાવસાહેબ દાનવે અને અન્ય નેતાઓ હાજર હતા.
આ બેઠકમાં શાહે રાજ્યના મહત્વના મુદ્દાઓ, લાડકી બહેન, ખેડૂતોને કૃષિ પંપ માટે મફત વીજળી વગેરે નિર્ણયોનો ચૂંટણીમાં રાજકીય લાભ કેવી રીતે મેળવવો, ગયા વખતની ચૂંટણી કરતાં ભાજપ કઈ રીતે વધુ બેઠકો જીતી શકે વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. મરાઠાવાડા સહિત કેટલાક વિસ્તારોમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ભાજપ માટે મોટો ફટકો હતો. બંધારણીય પરિવર્તનની ચર્ચા, ડુંગળીની નિકાસ પ્રતિબંધ સહિતના કેટલાક મુદ્દાઓને કારણે લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં આ બાબતો પર કડક ધ્યાન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.