સનાતન ધર્મની નિંદા કરનારાઓ માટે ખાસ જાપાનની વિદ્યાર્થિની તોમોકાએે હિન્દુ ધર્મની શ્રાદ્ધ પદ્ધતિ પર પીએચડી કર્યું
પ્રાસંગિક -શ્રદ્ધા ભગદેવ
તાજેતરમાં સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનોનો વાયરો ફુંકાયો છે. કેટલાક રાજકીય નેતાઓ અને સ્વામીઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના અપમાન થઇ રહ્યા છે, પણ મજાલ છે કે એકેય ભારતીય હિન્દુનું લોહી ઉકળ્યું હોય. જ્યારે મત બૅંકની વાત આવે ત્યારે રાજકીય નેતાઓ હિન્દુત્વના નામે ખોબલે-ખોબલે મત ભેગા કરી લ્યે છે, પરંતુ હજારો વર્ષ પુરાણા હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકનારાઓ સામે આપોઆપ મૌન સેવાઇ જતું હોય છે. વિપક્ષો હિન્દુ રાષ્ટ્રમાં જ રહીને પોતાના રાજકીય રોટલા શેકવા હિન્દુ ધર્મને બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે. પણ એમ ગણ્યાગાઠ્યાં બફાટ કરનારાઓથી વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો અને દુનિયાને વસુધૈવ કુટુંબકમની વિચારધારાથી અવગત કરાવનારો ધર્મ કંઇ પડી ભાંગવાનો નથી એ આ અલ્પ બુદ્ધિજીવીઓને કોણ સમજાવે!
હિન્દુ ધર્મની નિંદા કરનારા એ ભૂલી ગયા છે કે હિન્દુ ધર્મને વિશ્ર્વનો સૌથી પ્રાચીન ધર્મ ગણવામાં આવે છે. હિન્દુ ધર્મને સનાતન અને વૈદિક ધર્મ પણ કહેવામાં આવે છે. પુરાણોમાં હિન્દુ ઇતિહાસનો આરંભ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે થયો હોવાનો ઉલ્લેખ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ધર્મની ઉત્પત્તિ માનવની ઉત્પત્તિ પહેલા થઇ હતી, પરંતુ વિદ્વાનો અનુસાર આ ધર્મનો પ્રારંભ મનુના સમયમાં થયો હતો. જો કે ઐતિહાસિક પુરાવાઓ અનુસાર આ ધર્મની ઉત્પત્તિનો ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા પૂર્વેનો મનાઇ છે. અંદાજિત ૧૫ હજાર ઇ.સ. પૂર્વે હિન્દુ ધર્મની ઉત્પતિ થઇ હતી.
અહીંથી શરૂઆત થઇ એમ કહેવું યોગ્ય નહીં લાગે, તેમ છતાં મહાભારત અને પુરાણોમાં પ્રથમ માનવ મનુથી ભગવાન કૃષ્ણની પેઢી સુધીનો ઉલ્લેખ મળે છે. ઇતિહાસકારો હિન્દુ સમુદાયનો પ્રારંભ સિંધુ ખીણની સભ્યતાથી એટલે કે ૫૦૦૦ વર્ષ પહેલા થયો હોવાનું માને છે, પરંતુ ગ્રંથોમાં લખેલાં લખાણો આથી ઘણા સમય અગાઉની વાતો કહે છે, પરંતુ કોઇ પણ તથ્યને સત્ય પર આધારિત માનવામાં આવતું નથી, આ સાથે અનેક પુરાવાઓએ ઘણી વાર ઇતિહાસકારોને પણ ચકડોળે ચડાવી દીધા છે. જો કહેવું હોય તો એમ કહી શકાય કે ધર્મ ૫૦૦૦ હજારથી વર્ષથી વ્યવસ્થિત વિકસિત થયો છે. ઇતિહાસકારો દ્વારા રજૂ કરવામાં આવેલા મતોમાં પણ ભારે મતભેદ જોવા મળતા રહે છે.
આ તો થઇ વાત આપણા હિન્દુ ધર્મની ઉત્પત્તિની, પરંતુ હિન્દુ ધર્મ જીવન જીવવાની સ્વતંત્રતા, વ્યક્તિગત સ્વતંત્રતા, આધ્યાત્મિક ઉન્નતિ અને આત્મિક વિકાસ પર ભાર મૂકે છે. સનાતન ધર્મની સાધના અને પૂજા પદ્ધિતમાં પણ વિવિધતા જોવા મળે છે. કદાચ એટલે જ ગુજરાતીઓ તેને સગવડિયો ધર્મ કહેતા હશે. ભારતની સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ સદીઓથી સમૃદ્ધ રહી છે. આપણા આધ્યાત્મિક ગુણોની દુનિયા આખી દિવાની છે. વિશ્ર્વને યોગની ભેટ આપનાર
હિન્દુ સંસ્કૃતિ છે. એ પછી વેદ-પુરાણ કે શ્ર્લોકની વાત હોય કે પછી ધાર્મિક કર્મકાંડની, વિશ્ર્વના બુદ્ધિજીવીઓ આ પાછળનું વિજ્ઞાન જાણવા હંમેશાં તત્પર રહેતા હોય છે. આવી જ એક ઉત્સુક્તા ટેક્નોલોજીના દેશ તરીકે જાણીતા જાપાનની એક શોધ વિદ્યાર્થિની તોમોકા મુશિગાને જાગી છે. જાપાનના નાનકડા શહેર ગીફૂની રહેવાસી તોમોકા ભારતના આધ્યાત્મિક પાસાઓ બાબતે ઊંડી રુચિ ધરાવે છે. તોમોકાએ હિન્દુ ધર્મની શ્રાદ્ધ પદ્ધતિ પર પીએચડી પૂર્ણ કર્યું છે. આપણા દેશના કેટલાક બુદ્ધિજીવીઓ પૂજા પદ્ધિતને માત્ર ઢોંગ સમજે છે, પરંતુ આ શોધ વિષય એવા લોકોના ગાલ પર જોરદાર તમાચો છે જે સનાતન સંસ્કૃતિને ઢોંગ અને પાખંડ ગણાવે છે.
ટોક્યો યુનિવર્સિટીમાંથી ધાર્મિક અભ્યાસમાં અનુસ્નાતક કરનાર તોમોકા હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પર સંશોધન પૂર્ણ કરી ચૂકી છે. આ સંશોધન માટે તેણી ૨૦ મહિના સુધી ગયામાં રહી અને શ્રાદ્ધ કર્મ પર પોતાનું સંશોધન પેપર રજૂ કર્યું. આ સંશોધન ઘણા આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રકાશિત થઇ ચૂક્યું છે. પટનામાં આ સંશોધન પેપર મિથિલા ભારતીમાં છપાયું છે. આ વિશે તોમોકા જણાવે છે કે, મેં ષોડષી મંત્ર, પિંડદાન અને પુરોહિતો પર ઊંડો અભ્યાસ કર્યો છે. વર્તમાનમાં તે ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્ત્વ વિજ્ઞાનમાં પીએચડી કરી ચૂકી છે. સંશોધન વિશે તેણી જણાવે છે કે, તેણીએ ભારત વિશે ઘણું વાંચ્યું હતું અને તેનાથી પણ વધુ સાંભળ્યું હતું.
તોમોકા કહે છે કે, હું ૨૦૦૮માં બનારસ ફરવા આવી ત્યારે મને અહીંના ધાર્મિક કર્મકાંડો પર સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો. ખાસ કરીને અહીંના શ્રાદ્ધ કર્મને જોઇને મને જાપાનની સેંજોકિયો પદ્ધતિ યાદ આવી. જે આનાથી તદ્દન અલગ છે. બાદમાં મેં આ વિશે વિસ્તારથી અને ઊંડાણપૂર્વક જાણવા માટે સંશોધન કર્યું.
‘ધી ઇન્ટ્રેક્શન બિટવિન ધ ટ્રેડિશન ઓફ ટેક્સટ્સ એન્ડ મોડર્ન પ્રેક્ટિસ ઇન હિન્દુઇઝમ: એનસેસ્ટર વરશિપ ઇન ગયા’ શીર્ષક હેઠળ તોમોકાએ ૩૧મેના રોજ તેનું પીએચડી થીસિસ રજૂ કર્યું હતું. આ થીસિસમાં તેણીએ પોતાનું સંશોધન રજૂ કર્યું છે. ગયાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે તોમોકા ત્યાં બે વર્ષ સુધી રહી હતી. તેણે પૂજારીઓ અને તીર્થ યાત્રીઓની ધાર્મિક વિધિ અને ક્રિયાઓનું અવલોકન કર્યું અને ઘણા ઇન્ટરવ્યુ પણ લીધા હતા. તેમજ તમામ મૂર્તિઓ અને શિલાલેખોની તસ્વીરો પણ એકઠી કરી. સંશોધનમાં સંસ્કૃત સાહિત્યનું વિશ્ર્લેષણ પણ કરવામાં આવ્યું છે. જેમાં મહાભારત, પુરાણો અને ધર્મગ્રંથોનો સમાવેશ થાય છે. આ અંગે તોમોકા જણાવે છે કે, મેં સંસ્કૃત સાહિત્ય અને આધુનિક સ્થિતિનાં વિવરણોની સરખામણી કરીને હિન્દુ તીર્થ તરીકે ગયાનો ધાર્મિક ઇતિહાસ લખ્યો છે.
આ વાત એ સાબિત કરે છે કે વિશ્ર્વ ભૌતિકવાદથી થાકી-હારીને હિન્દુ ધર્મ તરફ વળ્યું છે અને આપણે છીએ કે આધુનિકતાના નામે ઊંધા ચશ્માં પહેરીને આપણા સૌથી પ્રાચીન ધર્મનાં મૂલ્યો અને વારસાને ભૂલી રહ્યા છીએ. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે ભારતની યુવા પેઢી ધર્મ અને પૂજા-પાઠથી દૂર ભાગી રહી છે. આજના કહેવાતા યુવાનો ભક્તિભાવને તેની ભાષામાં ‘આઉટ-ડેટેડ’ ગણાવી રહ્યા છે. પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની અવળી અસર એવી પડી છે કે, કહેવાતા ફલાણા-ઢીંકણા ડે ઉજવવાના રવાડે ચડ્યા છે, પરંતુ પોતાના દેશના અને ધર્મના વારસાને વિસરી ગયા છે. જો કે માત્ર યુવા પેઢીનો વાંક કાઢવો યોગ્ય નથી, કારણ કે આધુનિક માતા-પિતા પણ આજની પેઢીને આપણા અમૂલ્ય વારસા વિશેની સમજ કેળવવામાં ક્યાંક ચૂક કરી રહ્યા છે. ભારતના યુવા ધન પાસે વિશ્ર્વના સૌથી મોટા ગણાતા મહાભારત અને રામાયણ જેવા મહાન ગ્રંથો વિશેની પૂરતી માહિતી પણ નથી. વિદેશીઓને આપણામાં રસ પડતો થયો છે અને આપણો રસ ઊડતો જાય છે. જે આપણા માટે માથું નીચું નમાવવા જેવી વાત છે.!