અજિત પવારનો ‘પસ્તાવો’ વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરશે નહીં: સંજય રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને તેમની કેટલીક રાજકીય વર્તન માટે ‘પસ્તાવો’ કરવાનો હવે કોઈ અર્થ નથી અને દાવો કર્યો કે એનસીપીના નેતા તેમના ગઢ બારામતી મતદારસંઘમાંથી આગામી વિધાનસભા ચૂંટણી હારી જશે.
અજિત પવારે તાજેતરમાં જાહેરમાં એવી કબૂલાત કરી હતી કે તેમણે 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમના પિતરાઈ બહેન અને એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુલે વિરુદ્ધ તેમની પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારીને ભૂલ કરી હતી અને કહ્યું હતું કે રાજનીતિનો પ્રવેશ ઘરમાં થવો જોઈએ નહીં.
આ પણ વાંચો: અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!
અજિત પવાર ગયા વર્ષે કેટલાક અન્ય એનસીપીના નેતાઓ સાથે રાજ્યની શિવસેના-ભાજપ સરકારમાં જોડાઈ ગયા હતા, જેના કારણે શરદ પવાર દ્વારા સ્થાપિત પક્ષમાં ભંગાણ પડ્યું હતું.
રવિવારે અજિત પવારે જણાવ્યું હતું કે તેઓ વિધાનસભ્ય તરીકે કરેલા વિકાસ કાર્યોથી સંતુષ્ટ છે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બારામતીના લોકોને એક વખત તેમના સિવાય અન્ય વિધાનસભ્ય મળવો જોઈએ જેથી તેઓ સરખામણી કરી શકે.
રાજ્યમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.
આ પણ વાંચો: શરદ પવારના દાવપેચથી અજિત પવાર અને ફડણવીસ પરેશાન…
ડેપ્યુટી સીએમની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા, રાઉતે અહીં પત્રકારોને કહ્યું, ‘તેમણે તેમના કાકા શરદ પવાર અને તેમની પાર્ટી સાથે જે કર્યું તે અંગે પસ્તાવાનો કોઈ અર્થ નથી. અજિત પવાર ચોક્કસપણે બારામતી વિધાનસભા ચૂંટણી હારી જશે.’
‘અજિત પવારે એનસીપી અને પવાર પરિવારમાં ભાગલા પાડ્યા. તેમણે તેમની (શરદ પવાર)ની) પાર્ટી અને પ્રતીક પણ છીનવી લીધું. તેમણે તેમના કાકાની પીઠમાં છરો માર્યો, જેઓ તેમના માટે પિતા સમાન વ્યક્તિ હતા,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.
રાઉતે મુંબઈની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પણ પ્રહારો કર્યા હતા.
‘અમને ડર છે કે ભાજપના આ નેતાઓ મુંબઈને રાજકીય અને આર્થિક રીતે નબળા પાડતા રહેશે. ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર જેવી આર્થિક સંસ્થાઓ જેવી સારી બાબતોને મુંબઈથી ગુજરાતમાં ખસેડવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. એમ તેમણે કહ્યું હતું.
(પીટીઆઈ)