એકસ્ટ્રા અફેર

પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા બધા સાચા ફાઈટર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

થોડા મહિના પહેલાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ધારણા પ્રમાણે પ્રદર્શન નહીં કરીને ભારતીયોને નિરાશ કર્યા હતા પણ આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જરાય નિરાશ ના કર્યા. પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને આપણા દિવ્યાંગ ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન સાથે પોતાની સફર સમાપ્ત કરી અને ભારતીય ખેલ ઈતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખી દીધું.

રવિવારે રાત્રે સમાપ્ત થયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીતીને સર્વકાલીન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે શનિવારે છેલ્લા દિવસે 3 મેડલ જીત્યા. આ ત્રણ મેડલની મદદથી ભારત મેડલ ટેલીમાં 16મા સ્થાને આવી ગયું હતું પણ છેલ્લા દિવસે બીજા દેશોએ જીતેલા મેડલના કારણે ફેરફાર થયો ને ભારત 18મા સ્થાને રહ્યું આ દેખાવ પણ સારો જ છે કેમ કે સ્પોર્ટ્સમાં દુનિયામાં ભારત પહેલા 50 નહીં પણ પહેલા 100મા પણ નથી આવતું.

આ પહેલાં ભારતે 2020માં જાપાનના ટોકિયોમાં રમાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા. પેરિસમાં એ રેકોર્ડ તોડીને આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધારાના 10 મેડલ જીતી લાવ્યા. ભારતના જબરદસ્ત પ્રદર્શનનું શ્રેય ખેલાડીઓ અને તેમની પાછળ મહેનત કરનારા તમામ લોકોને જાય છે પણ સૌથી વધારે મહેનત એથ્લેટિક્સના ખેલાડીઓ અને સ્ટાફે કરી એ દેખાય છે. ભારતે જીતેલાં 29 મેડલમાંથી 26 મેડલ તો ત્રણ જ રમતમાં જીત્યા છે.

ભારતે ટોકિયોમાં કુલ 19 મેડલ જીત્યા હતા જ્યારે પેરિસમાં આ વખતે 17 મેડલ એકલા એથ્લેટિક્સમાં જીત્યા છે. એથ્લેટિક્સના ખેલાડીઓએ પેરિસમાં 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો. ભારતનો દેખાવ બેડમિન્ટનમાં પણ જોરદાર રહ્યો. ભારતે બેડમિંટનમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે 5 મેડલ જીત્યા. શૂટિગમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આમ એથ્લેટિક્સ, શૂટિગ અને બેડમિંટનમાં કુલ મળીને ભારતે 26 મેડલ જીત્યા. મતલબ કે, ભારતે જીતેલા 90 ટકા મેડલ એથ્લેટિક્સ, શૂટિગ અને બેડમિંટનમાં જ આવ્યા છે.

ભારતે છેલ્લા દિવસે જીતેલા ત્રણેય મેડલ એથ્લેટિક્સમાં જ છે. સામાન્ય રીતે ભારતનો એથ્લેટિક્સમાં પડકાર બહુ પહેલાં સમાપ્ત થઈ જાય છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં આપણે છેલ્લા દિવસ લગી મેડલ જીતતા રહ્યા એ જ મોટી વાત છે. છેલ્લા દિવસે ભારતના જેવલિન થ્રોઅર નવદીપે પુરુષોની ઋ41 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઈરાની એથ્લેટ બીત સયાહ સાદેગને ગેરલાયક ઠેરવાતાં નવદીપને ગોલ્ડ મેડલ મળ્યો. સિમરને વુમન્સ ઝ-12 કેટેગરીમાં 200 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો જ્યારે નાગાલેન્ડનો હોકાટો સેમાએ મેન્સ શોટપુટ એટલે કે ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બેડમિંટન અને શૂટિગ પરંપરાગત રીતે ભારતની તાકાત રહી છે. ઓલિમ્પિક અને બીજી ગેમ્સમાં પણ બેડમિંટન અને શૂટિગમાં ભારત સારો દેખાવ કરે છે પણ એથ્લેટિક્સમાં એટલો સારો દેખાવ નથી હોતો. નીરજ ચોપરા ઓલિમ્પિક્સમાં ભારત તરફથી એથ્લેટિક્સમાં મેડલ જીતનારો એક માત્ર ખેલાડી છે. તેના પરથી જ ભારતમાં એથ્લેટિક્સનું સ્તર શું છે એ ખબર પડી જાય. આ માહોલમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓ 17 મેડલ જીત લાવ્યા એ બદલ તેમને સલામ મારવી જોઈએ.

જો કે તેનો અર્થ એ નથી કે આપણા દિવ્યાંગ ખેલાડીઓએ બીજી રમતોમાં સારો દેખાવ કર્યો નથી. પેરિસમાં ભારતને પ્રથમ વખત પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મળ્યો. હરવિંદર સિંહે આ સિદ્ધિ મેળવીને આપણું નામ રોશન કર્યું. રાકેશ કુમાર અને શીતલ દેવીની જોડીએ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુડોમાં પણ ભારતે પહેલી વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

સામાન્ય રીતે પેરાલિમ્પિક્સમાં ભારતીયોને રસ પડતો નથી. તેમાં પણ ઓલિમ્પિક ગેમ્સમાં આપણા સારા દેખાવની આશા ના ફળી પછી લોકોને બહુ રસ નહોતો રહ્યો તેથી મોટા ભાગનાં લોકોને ભારત તરફથી કોણે મેડલ જીત્યા તેમનાં નામ પણ યાદ નથી. દેશને ગૌરવ અપાવનારાં આ લોકોનાં નામ તો યાદ કરવાં જ જોઈએ.

ભારતને 7 ગોલ્ડ મેડલ અવની લેખરા (શૂટિગ, 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ), નિતેશ કુમાર (બેડમિન્ટન), સુમિત અંતિલ (એથ્લેટિક્સ-, મેન્સ જેવેલિન થ્રો), હરવિંદર સિંહ (તીરંદાજી), ધરમબીર (એથ્લેટિક્સ-, મેન્સ ક્લબ થ્રો), પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ- હાઈ જમ્પ) અને નવદીપ સિંહ (એથ્લેટિક્સ, જેવેલિન થ્રો)એ જીતાડ્યા છે.

સિલ્વર મેડલ જીતનારા ભારતીયોમાં મનીષ નરવાલ (શૂટિગ), નિષાદ કુમાર (એથ્લેટિક્સ-હાઈ જમ્પ), યોગેશ કથુનિયા, (એથ્લેટિક્સ, ડિસ્કસ થ્રો), થુલસિમત મુગેસન (બેડમિન્ટન), સુહાસ યથિરાજ (બેડમિન્ટન), અજીત સિંહ (એથ્લેટિક્સ-જેવલિન થ્રો), શરદ કુમાર (એથ્લેટિક્સ- હાઈ જમ્પ), સચિન ખિલારી (એથ્લેટિક્સ- શોટ પુટ) અને પ્રણવ સૂરમા (એથ્લેટિક્સ-, ક્લબ થ્રો)નો સમાવેશ થાય છે.

ભારતીય બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં મોના અગ્રવાલ (શૂટિગ), પ્રીતિ પાલ (એથ્લેટિક્સ-100 મીટર દોડ), બીના ફ્રાન્સિસ (શૂટિગ), પ્રીતિ પાલ (એથ્લેટિક્સ-200 મીટર દોડ) મનીષા રામદાસ (બેડમિન્ટન), રાકેશ કુમાર/શીતલ દેવી (તીરંદાજી), નિત્યા શ્રી શિવાન (બેડમિન્ટન), દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ, 400 મીટર), સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ-જેવલીન થ્રો), મરિયપ્પન થંગાવેલુ (એથ્લેટિક્સ, હાઈ જમ્પ), કપિલ પરમાર (જુડો), હોકાટો સેમા (એથ્લેટિક્સ- શોટ પુટ) અને સિમરન સિંહ (એથ્લેટિક્સ-200 મીટર દોડ)નો સમાવેશ થાય છે.

આ તમામ 29 મેડલ વિજેતાઓના સંઘર્ષની 29 કહાનીઓ છે અને જે લોકો જીત્યા નથી તેમની પણ પોતાની સંઘર્ષગાથાઓ છે. એ લોકો ભલે મેડલ વિજેતાઓમાં પોતાનાં નામ ના લખાવી શક્યા પણ એ લોકો પણ આપણી સલામના હકદરા છે કેમ કે આ બધા સાચા અર્થમાં ફાઈટર છે કેમ કે શારીરિક અક્ષમતા પર જીત મેળવીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતમાં તો સામાન્ય ટેલેન્ટેડ ખેલાડીઓ માટે પણ સ્પોર્ટ્સમાં નામ કમાવી શકાય કે આગળ વધી શકાય એવો માહોલ નથી. સામાન્ય ખેલાડીઓને પૂરતી સવલતો મળતી નથી ત્યારે દિવ્યાંગ ખેલાડીઓને સવલતો મળે એવી તો આશા જ ના રાખી શકાય. આ માહોલમાં એ લોકો પોતાના રમતના ઝનૂનને વળગી રહ્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવ્યું એ સિદ્ધિ બહુ મોટી છે.

ધનિકો, સત્તામાં બેઠેલાં લોકો અને વાતોનાં વડાં કરનારા સાધુ-બાવાઓને પૂજનારો આ દેશ આ લોકોની સિદ્ધિઓની કદાચ બહુ કદર નહીં કરે પણ તેનાથી તેમની સિદ્ધિ નાની થવાની નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button