Happy Birthday: 14 વર્ષ બાદ પ્રિયદર્શન સાથે જોડી જમાવશે ખેલાડી કુમાર…
આજે અક્ષય કુમારે 58માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એક સમયે વર્ષની બે-ત્રણ સુપરહીટ ફિલ્મ આપનારો કલાકાર આજે એક સારી ફિલ્મ માટે તરસી રહ્યો છે. તાજેતરમાં તેની ફિલ્મ ખેલ ખેલમેને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી શકી નથી.
આ પણ વાંચો : Akshay Kumar…તે તો દિલ જીતી લીધું, અભિનેતાનો ભાવ જોઈ ફેન્સ તેના પર વારી ગયા
અક્ષય કુમારની હીટ ફિલ્મોની યાદીમાં જે નામ છે તેમાં ડિરેક્ટર મોટે બાગે પ્રિયદર્શન રહ્યા છે, પરંતુ આ બન્નેની હીટ જોડી 14 વર્ષથી વનવાસ ભોગવી રહી છે અને હવે ફરી સાથે આવવાની જાહેરાત થતાં ફેન્સ આનંદમાં આવી ગયા છે. અક્ષય કુમારે પોતાના જન્મદિવસ નિમિત્તે આ જાહેરાત કરી છે. તે પ્રિયદર્શન સાથે એક હૉરર ફિલ્મ લઈને આવી રહ્યો છે, પણ આ બન્નેની જોડી છે એટલે હૉરર સાથે કૉમેડી પણ હશે જ. અગાઉ બન્ને હેરાફેરી, ગરમ મસાલા, ભૂલ ભૂલૈયા અને દે ધના ધન જેવી ફિલ્મો કરી લોકોને ખૂબ હસાવી ચૂક્યા છે.
અભિનેતાએ ફિલ્મનું મોશન પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આમાં અભિનેતા હાથમાં દૂધનો બાઉલ પકડેલો જોવા મળે છે. વળી, એક કાળી બિલાડી તેના ખભા પર સવાર છે. અક્ષય અને પ્રિયદર્શનની હોરર ફિલ્મનું ટાઈટલ ભૂત બંગલા છે. આ શેર કરવાની સાથે અક્ષય કુમારે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે.
જોકે આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. ફિલ્મ 2025ના અંતમાં રિલિઝ થાય તેવી સંભાવના છે. અક્ષય પોતાની ફિલ્મના શૂટિંગ જલદી પૂરા કરી નાખવા માટે જાણીતો છે. હવે આ જોડી ફરી કોઈ કમાલ દેખાડે છે કે નહીં તે તો ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડશે.