નેશનલ

કોલકાતા ડોક્ટર રેપ એન્ડ મર્ડર કેસઃ CM મમતા બેનરજીએ કર્યો મોટો ખુલાસો, કમિશનર મારી પાસે….

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સોમવારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે મારી પાસે આવ્યા હતા અને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ દુર્ગા પૂજાનો સમય નજીક છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવી જોઈએ. તેથી મેં તેમને રોક્યા હતા. નોંધનીય છે કે આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરના રેપ અને મર્ડર બાદ પોલીસ કમિશનરના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે.

બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સોમવારે રાજ્ય સચિવાલયમાં એક મહત્વપૂર્ણ વહીવટી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દુર્ગા પૂજા દરમિયાન આપણે બધાએ સાવધાન રહેવું પડશે. ધર્મ વ્યક્તિગત છે પણ તહેવાર દરેકનો છે. દુર્ગા પૂજા આપણો સૌથી મોટો તહેવાર છે અને બંગાળને બદનામ કરવાનું કોઈ ષડયંત્ર ન થવું જોઈએ. તેમણે કહ્યું કે કેટલીક ટીવી ચેનલો માત્ર ટીઆરપી માટે લોકોને ભડકાવી રહી છે. કેટલાક લોકો બંગાળમાં આગ લગાવવા માંગે છે.

આ પણ વાંચો : મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું

મમતા બેનરજીએ કહ્યું હતું કે કેટલીક ચેનલો બંગાળને સતત બદનામ કરી રહી છે. તેઓ બંગાળના લોકોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ભૂલી ગયા છે કે બંગાળના લોકો આખા વર્ષ દરમિયાન આ સૌથી મોટા તહેવારની રાહ જુએ છે. અહીંના લોકો માટે આ મોટા વેપાર માટે સમય છે, પરંતુ કેટલાક લોકો રાજ્યનો આર્થિક વિનાશ ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે મારી પાસે આવ્યા અને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ દુર્ગા પૂજા નજીકમાં છે. આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. તેથી મેં તેમને રોક્યા હતા. મમતા બેનરજીએ એમ પણ કહ્યું હતું કે મેં મૃતક ડોક્ટરના પરિવારને ક્યારેય પૈસાની ઓફર કરી નથી. આ મારી બદનામી સિવાય કંઈ નથી.

કોલકાતાની ઘટના બાદ મમતા બેનરજી ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. એક તરફ જ્યાં વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે તો બીજી તરફ TMCના ઘણા નેતાઓએ પણ મમતા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.  ભાજપે પણ મમતા બેનરજી પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ‘મમતા બેનરજી પીડિત પરિવાર સાથે ઉભા નથી. સીજેઆઈએ પણ પ. બંગાળના મુખ્ય પ્રધાનને ફટકાર લગાવતા પૂછ્યું હતું કે આ મામલે 14 કલાકના વિલંબ સાથે એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી. હવે મમતાએ રાજીનામું આપવું જ જોઈએ અને પોલીસ કમિશનરને બરતરફ કરવા જોઈએ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button