આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!

મુંબઇઃ અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે દિલ્હી પરત જવાના છે. જોકે, અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન અજિત પવારની ગેરહાજરી હાલમાં ચર્ચાનો વિષય બની રહી છે. અજિત પવાર મહાગઠબંધન છોડશે કે શું એવી અટકળોએ જોર પકડ્યું છે.

ગૃહ પ્રધાન અમિત શાહે આજે મુંબઇમાં લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે સહપરિવાર લાલબાગચા રાજાના દર્શન કરવા આવે છે. આ વખતે પણ તેઓ પરિવાર સાથે બાપ્પાની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે, દીપક કેસરકર, ચંદ્રશેખર બાવનકુળે, રાવસાહેબ દાનવે પણ હાજર હતા. જોકે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મુંબઈમાં હોવા છતાં અમિત શાહ આ મુલાકાત દરમિયાન તેઓ હાજર ન રહેતાં રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા અને અટકળોએ વેગ પકડ્યો છે.

આ પણ વાંચો : દાદા ને પૌત્રની ભાષા એક નહીં હોય તો વૃદ્ધાશ્રમ વધશેઃ અમિત શાહની ગાંઠે બાંધવા જેવી વાત

અજિત પવાર રવિવારે બારામતી હતા. મહાગઠબંધનની બેઠક માટે તેઓ મુંબઇ આવ્યા હતા, પણ કંઇક કારણસર આ મીટિંગ થઇ નહોતી. ત્યાર બાદ અજિત પવાર તેમના દેવગીરી બંગલામાં રોકાયા હતા. આ કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે મહાગઠબંધનમાં બધું ઠીક નથી. આમ પણ છેલ્લા ઘણા દિવસથી એવી ચર્ચા ચાલી રહી છે કે અજિત પવાર મહાગઠબંધન છોડી દેશે. શિંદે જૂથના નેતાઓ અજિત પવારની ટીકા કરી રહ્યા છે. એવી ચર્ચા પણ છે કે શિંદે જૂથનો ઉદેશ્ય અજિત પવારને ગઠબંધન છોડવા પ્રેરવાનો છે. એવામાં અમિત શાહની લાલબાગચા રાજાની મુલાકાતમાં તેમની સાથે અજિત પવાર જોવા નહીં મળતા અટકળોએ જોર પકડ્યું છે. અજિત પવાર અમિત શાહ સાથે પ્રવાસમાં નહીં હોવા અંગે શઁકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

એમ પણ જાણવા મળ્યું છે કે અજિત પવાર દિલ્હી ખાતે આજે યોજાનારી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે નહીં. અજિત પવારને બદલે અદિતિ તટકરે આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી ગયા છે. જોકે, આ મુદ્દે શરદ પવારે અજિત પવાર પર નિશાન સાધ્યું હતું. અજિત પવારના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૃહ પ્રધાન અમિત શાહના મુંબઇમાં આગમનને કારણે તેઓ દિલ્હી ગયા નથી.

એમ જાણવા મળ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈ એરપોર્ટ પર મહાગઠબંધનના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં એનસીપીના અજિત પવાર, સુનિલ તટકરે અને પ્રફુલ્લ પટેલ હાજર રહેશે. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે બેઠકમાં હાજરી આપશે. શિવસેના તરફથી એકનાથ શિંદે બેઠકમાં હાજરી આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button