આફ્રિકી દેશ નાઇજિરીયામાં થયો ફ્યુઅલ ટેંકરમાં બ્લાસ્ટ, 48 લોકોના મોત
નાઇજરઃ નાઇજીરીયામાં 8 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 48 લોકોના મોત થયા છે. જ્યારે 100 થી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દેશની ઈમરજન્સી સર્વિસ એજન્સીએ આ જાણકારી આપી છે.
રાજ્યની કટોકટી વ્યવસ્થાપન એજન્સીના વડા અબ્દુલ્લા બાબા-અરહે રવિવારે રાજ્યની રાજધાની મિન્નામાં જણાવ્યું હતું કે, બિડા-અગાઈ-લાપાઈ હાઈવે પર પેટ્રોલથી ભરેલું એક ટેન્કર પશુઓને લઈ જઈ રહેલા ટ્રક સાથે અથડાયું હતું, જેને કારણે ગેસોલિન ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. બાબા-અરહે પહેલા 30 મૃતદેહોની પુનઃપ્રાપ્તિની પુષ્ટિ કરી હતી, પરંતુ બાદમાં માહિતી આપી હતી કે 18 વધુ મૃતદેહો મળી આવ્યા છે. આમ આ બ્લાસ્ટને કારણે 48 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બાબા અરહે એમ પણ જણાવ્યું હતું કે મૃતકોની સામુહિક દફનક્રિયા કરવામાં આવી હતી. અકસ્માત બાદ લોકોમાં વધી રહેલા ગુસ્સાને જોઈને નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ લોકોને શાંત રહેવાની અને જીવન બચાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
આ અકસ્માતમાં 50 પશુઓ પણ જીવતા દાઝી ગયા હતા. હાલમાં અકસ્માત સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.
આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયામાં માલસામાનની હેરફેર કરવા માટે સક્ષમ રેલ્વે વ્યવસ્થા નથી, તેથી બધી જ હેરફેર રોડમાર્ગે થાય છે, જેને કારણે અહીં જીવલેણ ટ્રક અકસ્માતો સામાન્ય બની ગયા છે. નાઇજીરીયાના ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ જણાવે છે કે એકલા 2020માં જ ગેસોલિન ટેન્કર અથડાવાના 1,531 અકસ્માત થયા હતા. આ અકસ્માતોમાં 535 લોકો માર્યા ગયા હતા અને 1,142 લોકો ઘાયલ થયા હતા.