અદભૂત અંદાજમાં ભાઇજાને કર્યું ગણેશ વિસર્જન

મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી જેવા અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓના ઘરે પણ બાપ્પાની પધરામણી કરવામાં આવે છે. બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ દોઢ દિવસના ગણપતિ બાપ્પા લાવવામાં આવે છે.
સલમાન ખાન એક ફેમિલી મેન છે, જે તેના પરિવારને બહુ પ્રેમ કરે છે અને પરિવારને ઘણો સમય પણ આપે છે. ઘરના દરેક સેલિબ્રેશનમાં સલમાન ખાન હાજર રહે છે. બર્થડે સેલિબ્રેશન, ફેસ્ટિવલ સેલિબ્રેશન કે કોઇ પણ મેગા સેલિબ્રેશનને સ્પેશ્યલ બનાવવાનો કોઇ મોકો સલમાનભાઇ છોડતા નથી. ભાઇજાન તે ઘરના નાના-મોટા સહુને બહુ જ પ્રેમ કરે છે અને બધાનું ધ્યાન પણ રાખે છે. સલ્લુભાઇ તેમની બહેન અર્પિતા ખાનની પણ ઘણો નજીક છે અને દર વર્ષે અર્પિતા ઘરે ગણેશોત્સવમાં ધામધૂમથી ભાગ પણ લે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અર્પિતાએ પોતાના ઘરે ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી, જેમાં પૂરા ખાન પરિવારે ધામધૂમથી ભાગ લીધો હતો. ભાઈ સલમાન પણ તેની બહેનને પૂરો સાથ આપતો જોવા મળ્યો હતો.
અર્પિતા ખાનના ઘરે દોઢ દિવસના ગણપતિના વિસર્જન દરમિયાન બાપ્પાને વિદાય આપવા માટે પૂરો ખાન પરિવાર હાજર રહીને ઢોલના તાલે ઝૂમતો નજર આવ્યો હતો. સલમાન ખાન પરિવારના ભત્રીજાઓ, ભત્રીજીઓ, ભાઇ, બહેનો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ઓલિવ ગ્રીન ટી-શર્ટ અને કેપ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેની નજર પરિવારના દરેક સભ્ય પર છે.
આ વીડિયો જોયા બાદ ભાઇજાનના ફેન્સ તેમની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેમના પરિવાર પ્રેમને વખાણી રહ્યા છે. ‘બાપ્પાની વિદાય પર સલમાન ભાઇનો ડાન્સ, વાહ! શું વાત છે!’ એમ લખીને એક નેટિઝને સલ્લુભાઇની પ્રશંસા કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી લોકોનો પ્રેમ જીતવામાં સફળ રહી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. હવે સલમાન ખાન ‘સિકંદર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. ‘બિગ બોસ’ની આગામી સીઝન પણ સલમાન ખાન હોસ્ટ કરશે એવી અટકળો છે.
Also Read –