ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સને લઇને બે પક્ષો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ત્રણના મોત
દુર્ગ (છત્તીસગઢ): છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સ કરવાને લઇને બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, પોલીસે આ જાણકારી આપી હતી.
અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નંદિની પોલીસ સ્ટેશનની હદમાં શીતળા મંદિર વિસ્તારમાં શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ શીતળા મંદિર ગણેશ સમિતિના પંડાલમાં કેટલાક લોકો ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા. હુમલાખોર ત્યાં આવ્યા અને બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. જોકે તે સમયે કેટલાક સ્થાનિકોએ તેમને શાંત કર્યા હતા.
જોકે શનિવારે રાત્રે ફરી બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષોના યુવાનોએ એકબીજા પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના પરિણામે એક જૂથના ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે બીજા જૂથના એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
અધિકારીઓએ કહ્યું કે મૃતકોની ઓળખ કરણ યાદવ, રાજેશ યાદવ અને વાસુ યાદવ તરીકે થઈ છે, જ્યારે અન્ય જૂથના આકાશ પટેલને આ ઘટનામાં ઈજાઓ થઈ છે. અત્યાર સુધીમાં બંને જૂથોના 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.