શું લોકરમાં રાખેલી રોકડ રકમ પર વીમો મેળવી શકાય? બેન્ક લોકરના શું છે નિયમો, જાણો અહીં
થોડા દિવસ પહેલા એક મહિલાના બેન્ક લોકરમાં રાખેલા લાખો રૂપિયાની નોટો ઉધઇ ખાઇ ગઇ હોવાની આશ્ચર્યજનક ઘટના બની હતી. આ ઘટના પછી બેન્ક લોકર અને તેને લગતી પોલીસીને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. લોકો સવાલો કરી રહ્યા છે કે શું આ કિસ્સામાં બેંક મહિલાને રૂપિયા ભરપાઇ કરશે? શું લોકરમાં રાખેલા પૈસા પર વીમો મેળવી શકાય?
રિઝર્વ બેંકના દ્વારા જાહેર કરેલા નવા નિયમો અનુસાર, બેંક લોકરમાં જો સોનું-ચાંદી, દાગીના સહિત કિંમતી ચીજવસ્તુઓને કોઇ નુકશાન થાય તો તે નુકશાનની ભરપાઇ માટે બેંક બંધાયેલી છે, પંરતુ લોકરમાં રાખવામાં આવેલા પૈસા એટલે કે રોકડ રકમ પર હાલમાં વીમાની કોઇ સુવિધા હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી.
અનેક વીમા કંપનીઓ મની ઇન્શ્યોરન્સ પોલીસી આપતી હોય છે જેમાં આર્થિક નુકસાન પર કવરેજ મળતું હોય છે. પરંતુ બેંક લોકરમાં મુકેલા પૈસા કોઇ પોલીસીમાં કવર નથી થતા. મની ઇન્શ્યોરન્સ પોલીસીમાં કેશ, ડ્રાફ્ટ ચેક, પોસ્ટલ ઓર્ડર, ટ્રેઝરી નોટ્સ દરમિયાન જો પૈસા ગાયબ થાય તો તેના પર સહાય મળી જાય છે.
ઘણી વીમા કંપનીઓ બેંક લોકરમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓ જેવી કે જ્વેલરી અને દસ્તાવેજોનો વીમો લે છે, પરંતુ પૈસાનો નહીં. જ્યારે મની ઇન્શ્યોરન્સમાં પોલિસી ધારકને ઘણા પ્રકારના પોલિસી વિકલ્પો મળે છે જે લોકો તેમની જરૂરિયાત મુજબ ખરીદી શકે છે. જો વ્યવસાયમાં પૈસાની લેવડદેવડ મોટા પ્રમાણમાં સંકળાયેલી હોય તો આ વીમા પૉલિસી દ્વારા પૈસાની સલામતીની ખાતરી કરી શકાય છે.