સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના આ જાણીતા ઑલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી

37 વર્ષના ક્રિકેટરનો સૌથી સારો પર્ફોર્મન્સ ભારત સામે: હવે કોચ બનવું છે

બર્મિંગહૅમ: ઇંગ્લૅન્ડના 37 વર્ષીય મોઈન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઑફ-સ્પિનર અને લેફ્ટ-હૅન્ડ બૅટર મોઈન અલીએ 2014માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. મોઈન ઑલરાઉન્ડર તરીકે તે 68 ટેસ્ટ, 138 વન-ડે અને 92 ટી-20 રમ્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને આઠ સેન્ચુરી અને 28 સેન્ચુરીની મદદથી કુલ 6,678 રન બનાવ્યા હતા તેમ જ 366 વિકેટ લીધી હતી.

તેણે ટેસ્ટમાં સૌથી વધુ (756) રન ભારત સામે બનાવ્યા હતા અને સૌથી વધુ (55) વિકેટ ભારત સામે લીધી હતી. વન-ડેમાં તેણે સૌથી વધુ (392) રન ભારત સામે બનાવ્યા હતા, પરંતુ સૌથી વધુ (29) વિકેટ ઓસ્ટ્રેલિયા સામે લીધી હતી. ટી-20માં મોઇને સૌથી વધુ (86) રન પાકિસ્તાન સામે બનાવ્યા હતા અને સૌથી વધુ (11) વિકેટ વેસ્ટ ઇન્ડિઝ સામે લીધી હતી.
મોઈન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 180 સિક્સર અને 650થી પણ વધુ ફોર ફટકારી હતી. તેણે કુલ 110 પકડ્યા હતા.
આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ હારી ગયું હતું અને મોઈન અલીની એ છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ હતી.

મોઈને એક જાણીતા અંગ્રેજી દૈનિકને જણાવ્યું હતું કે ‘હું 37 વર્ષનો થઈ ગયો છું અને આ મહિને ઑસ્ટ્રેલિયા સામે રમાનારી સિરીઝ માટેની ટીમમાં મને નથી સમાવવામાં આવ્યો. જોકે મને થયું કે હું ઇંગ્લૅન્ડ વતી ઘણું રમ્યો અને હવે નવી પેઢીના ખેલાડીઓનો રમવાનો સમય આવી ગયો છે. મને આવું કહેવામાં પણ આવ્યું હતું. એટલે મને થયું કે હવે મારી નિવૃત્તિ લઈ જ લેવી જોઈએ. હું હવે સારું નથી રમી શકતો એટલે રિટાયર થઈ રહ્યો છું એવું નથી. હું હજી પણ સારું રમી જ શકું છું, પણ નવી પેઢીના પ્લેયર્સે રમવાનો સમય હવે આવી ગયો છે અને એ વાસ્તવિકતા અપનાવીને મેં નિર્ણય લઈ લીધો છે.’

મોઈન અલી કદાચ કેટલાક લોકોથી નારાજ પણ હતો. તેણે પત્રકારને એવું પણ કહ્યું કે ‘ખેલાડી સમગ્ર ક્રિકેટ પર જે અસર પાડતા હોય છે એને લોકો ભૂલી જતા હોય છે. મેં ઇંગ્લૅન્ડની ટીમને મેદાન પર અને મેદાનની બહાર જે કંઈ આપ્યું છે એ હું બરાબર જાણું છું. હું એટલું ખાસ કહીશ કે હું કોઈ મૅચમાં સારું રમું કે ન રમું, પરંતુ લોકો મારી ગેમ એન્જૉય કરતા હોય એ જોઈને મને ખુશી થતી હોય છે.’

આઇપીએલમાં ચેન્નઈ અને બેંગ્લૂરુ વતી રમી ચૂકેલો મોઈન ફ્રેન્ચાઇસી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. તેને ભવિષ્યમાં કોચિંગ આપવાની પણ ઈચ્છા છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…