નેશનલ

રાજસ્થાન પહોંચી ચૂંટણી પંચની ટીમ, વૃદ્ધ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધાની કરી જાહેરાત

જયપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને સરકારી અધિકારીઓ એલર્ટ મોડ પર છે. ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી જયપુરના પ્રવાસે છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મેરિયટ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની મુલાકાત વિશેની માહિતી પત્રકારોને જણાવી હતી. આ સાથે જ તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનતાને કઈ સુવિધાઓ પુરી પાડવાની છે તે અંગે પણ વિગતવાર માહિતી આપી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં અમે લોકો વરિષ્ઠ નાગરિકોને ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધા આપી રહ્યા છે, જેમાં તેઓ ઘરબેઠા જ મતદાન કરી શકશે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદાતાઓ માટે આ સુવિધા અમે ઉભી કરવા જઇ રહ્યા છીએ. રાજ્યમાં એવા મતદારોની સંખ્યા 11.8 લાખ છે. ઉપરાંત 100 વર્ષથી વધુ ઉંમરના 18, 400 જેટલા મતદાતાઓ છે. આ સુવિધાનો લાભ મેળવવા માટે મતદાતાઓએ ફોર્મ 12-D ભરવાનું રહેશે. નોટિફિકેશન જાહેર થવાના 5 દિવસની અંદર તેને ભરી દેવાનું રહેશે. સક્ષમ ન હોય તેવા 40 ટકાથી વધુ મતદાતાઓ પણ તેનો લાભ લઇ શકશે.

ચૂંટણીમાં મતદાન માટે આખા રાજ્યમાં 51 હજાર પોલિંગ બૂથ ઉભા કરવામાં આવશે. દરેક બૂથ પર સામાન્ય રીતે 1 હજાર જેટલા મતદાતાઓ મત આપી શકશે. 200થી વધુ બૂથની જવાબદારી દિવ્યાંગ અધિકારીઓને અપાશે. મહિલાઓને પણ 1600 બૂથ મેનેજ કરવાની જવાબદારી સોંપાશે. તેમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button