દીપિકા અને રણવીર પહોંચ્યા સિદ્ધિ વિનાયક મંદિરે, તસવીરો વાઇરલ

મુંબઈ: ન્યુ એજ અભિનેત્રીઓમાંની મોટાભાગની અભિનેત્રીઓ હવે ગૃહસ્થી માંડી ચૂકી છે અને કામ કરવાની સાથે સાથે તે પત્નીધર્મ નિભાવી સંસારમાં સુખેથી આગળ પણ વધી રહી છે. આલિયા ભટ્ટ હોય, અનુષ્કા શર્મા હોય કે પછી દિપીકા પાદુકોણ, આ બધી જ અભિનેત્રીઓ માતા બનવાનું સુખ જીવી રહી છે.
આલિયા અને અનુષ્કા તો માતૃત્વનો સ્વાદ ચાખી ચૂક્યા છે જ્યારે દિપીકા પાદુકોણ પણ ટૂંક સમયમાં માતા બનવાનું સુખ પામશે. કદાચ સ્વસ્થ સંતાન માટે આશીર્વાદ મેળવવા માટે જ દિપીકા મુંબઈના ગણપતિ બાપ્પાના સુપ્રસિદ્ધ મંદિર શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે દિપીકા ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે અને તેની ડિલીવરીની તારીખ 28મી સપ્ટેમ્બર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જોકે, એ પહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કરવા માટે તે દાદરમાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી અને તેની સાથે રણવીર સિંહ પણ શ્રી લંબોદર ભગવાનની સમક્ષ માથુ ઝુકવવા માટે પહોંચ્યો હતો.
દિપીકા અને રણવીરની સાથે મંદિરે પહોંચી તો ફેન્સ પણ તે બંનેને ઘેરી વળ્યા હતા.
જોકે તેમની સાથે સિક્યોરિટી હતી અને ફેન્સ પણ દિપીકાની પ્રેગ્નેન્સીથી વાકેફ હોઇ તેનાથી સલામત અંતર જાળવી રાખતા જોવા મળ્યા હતા, પરંતુ એ છતા દિપીકા માટે રણવીર ખૂબ જ ચિંતીત જણાતો હતો અને એ માટે તે સતત દિપીકાને પ્રોટેક્ટ કરી રહ્યો હતો અને કોઇ તેની નજીક ન આવી જાય કે તેને ધક્કો ન લાગી જાય તેની ખાતરી કરતો જોવા મળ્યો હતો. ઓવર પ્રોટેક્ટિવ હસ્બન્ડ તરીકેનો રણવીરનો આ મિજાજ રણવીરના ફેન્સ અને ખાસ કરીને તેની મહિલા ચાહકોને ખૂબ પસંદ પડ્યો હતો.
રણવીર અને દિપીકા સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચે છે તેનો વીડિયો પણ ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો પર કોમેટ્સ પણ જોવા જેવી હતી અને તે પણ ખાસ કરીને મહિલા ચાહકોની. મહિલા ચાહકો વીડિયો પર ‘આવો હસ્બન્ડ બધાને મળે, દિપીકાને કંઇ ન થઇ જાય એની રણવીર કેટલી કાળજી રાખે છે, દિપીકાને પ્રોટેક્ટ કરતો રણવીર કેટલો ક્યૂટ લાગે છે’, આવી કોમેન્ટ્સ કરતી જોવા મળી હતી. તમારું શું માનવું છે, તમારા હસ્બન્ડ પણ રણવીર જેટલા જ પ્રોટેક્ટીવ છે?