એક સમયની ટેનિસ બ્યૂટી ક્વીન પ્રેક્ષક બનીને મંગેતર સાથે બેઠી યુએસ ઓપનના સ્ટૅન્ડમાં

ન્યૂ યૉર્ક: અહીં 2006માં યુએસ ઓપનનું ટાઇટલ જીતનાર ભૂતપૂર્વ ચૅમ્પિયન રશિયાની મારિયા શારાપોવા ગુરુવારે પ્રેક્ષક બનીને આર્થર ઍશ સ્ટેડિયમમાં આવી હતી અને મૅચ માણી હતી. તે બ્રિટિશ મંગેતર ઍલેક્ઝાંડર ગિલ્કેસ સાથે અરીના સબાલેન્કા અને એમ્મા નૅવારો વચ્ચેની સેમિ ફાઇનલ જોવા આવી હતી.
આ મૅચમાં બેલારુસની સબાલેન્કાએ અમેરિકાની નૅવારોને 6-3, 7-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
શારાપોવા 37 વર્ષની છે. તેનો ફિયૉન્સ ઍલેક્ઝાંડર 45 વર્ષનો છે. ઍલેક્ઝાંડર ત્વચા-નિષ્ણાત છે અને હરાજીને લગતી કેટલીક જાણીતી વેબસાઇટનો સ્થાપક છે. શારાપોવા અને ઍલેક્ઝાંડર છ વર્ષથી રિલેશનશિપમાં છે. ડિસેમ્બર, 2020માં તેમણે સગાઈ કરી હતી. 2022ના જુલાઈમાં શારાપોવાએ પુત્રને જન્મ આપ્યો હતો.

શારાપોવાએ 2006માં યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં એ સમયની ટૉપ-સીડેડ ઍમેલી મૉરેસ્મોને અને પછી ફાઇનલમાં જસ્ટિન હેનિનને હરાવી હતી.
શારાપોવા ‘ચૅમ્પિયન્સ ઑફ ઇક્વાલિટી’ નામના સામાજિક સંગઠન સાથે જોડાયેલી છે. આ સંગઠન સ્ત્રીઓને ખેલકૂદ તેમ જ મનોરંજનના ક્ષેત્રે સમાનતા અપાવવાની લડતમાં આગેવાની લે છે.
આ પણ વાંચો : યુએસ ઓપનમાં થયો સૌથી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ હાર્યો…
શારાપોવા-ઍલેક્ઝાંડરની સાથે અમેરિકી ટીવી પ્રૉડ્યુસર અને સ્ક્રીનરાઇટર શૉન્ડા રાઇમ્સ તેમ જ ટેનિસ-લેજન્ડ બિલી જીન કિંગ પણ હાજર હતાં.