Ladki Bahen Scheme મહાયુતિમાં ‘પોસ્ટરે’ પાડી તિરાડ: લાડકી બહેનના પોસ્ટરમાંથી CMનો ફોટો ગાયબ…
મુંબઈ: લાડકી બહેન યોજનાની લોકપ્રિયતાના કારણે એક તરફ મહાયુતિ સરકારને
વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થાય તેવી શક્યતા છે ત્યારે આ યોજનાના કારણે
મહાયુતિના પક્ષોમાં તિરાડ ઊભી થાય તેવી પણ શક્યતા જણાઇ રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો…
અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા સોશિયલ મીડિયામાં મૂકાતી
લાડકી બહેન યોજનાની જાહેરાતોમાંથી તેમ જ બેનર-પોસ્ટરોમાંથી મુખ્ય પ્રધાન
એકનાથ શિંદેનો ફોટો ગાયબ હોવાના કારણે શિવસેના(એકનાથ શિંદે જૂથ)ના નેતા
નારાજ થયા છે.
આ પણ વાંચો : લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત પવારની?
એકનાથ શિંદેના ફોટાની ગેરહાજરી સામે શિવસેનાના પ્રધાને વાંધો ઉઠાવ્યો હતો.
રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન શંભુરાજ દેસાઇએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન
અજિત પવારના પક્ષ દ્વારા લાડકી બહેન યોજનાના પ્રચાર દરમિયાન જાહેરાતોમાંથી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ફોટો ગાયબ હોવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે જનતા સુધી પહોંચવા માટે હાલ અજિત પવાર દ્વારા ‘જન સન્માન
યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે અને તે આ યાત્રા દરમિયાન લાડકી બહેન યોજના
અંગે પણ લોકોમાં જાગરૂકતા ફેલાવે છે અને યોજનાનો પ્રચાર પ્રસાર કરે છે. જોકે આ
દરમિયાન તેમની રેલીઓ અને કાર્યક્રમોમાં લાડકી બહેન યોજનાનું આખું નામ ‘મુખ્ય
પ્રધાન માઝી લાડકી બહેન યોજના’ને બદલે ફક્ત ‘માઝી લાડકી બહેન યોજના’
ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. જેના કારણે શિવસેના તેમ જ ભાજપના પણ
નેતાઓ નારાજ થયા હોવાનું જણાય છે.
નામની બાદબાકી પ્રોટોકોલ વિરુદ્ધ: દેસાઇ
દેસાઇએ નારાજગી વ્યક્ત કરતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર લાડકી બહેન
યોજનાને વર્ચ્યુઅલી એટલે કે ડિજિટલ માધ્યમે હાઇજેક કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો
હતો અને કહ્યું હતું કે પ્રોટોકોલ મુજબ યોજનાની જાહેરાત દરમિયાન યોજનાનું આખું
નામ સામેલ કરવુું જોઇએ. જાહેરાતમાંથી મુખ્ય પ્રધાનના નામની બાદબાકી કરવી
અયોગ્ય છે.