મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

બોલો, આ તમે જાણો છો? ના, નહીં જ જાણતા હો!

ફિલ્મનામા -નરેશ શાહ
હિન્દી સિનેમાની અચંબિત કરતી મેઘધનુષી વાતો ગમે તેટલી ઈન્ટરેસ્ટિંગ હોય પણ ઘણી વખત તેને બહેલાવીને આખો લેખ લખવાની જીદ રાખીએ તો પરિણામ બોરિંગ જ આવે કારણ કે, તેમાં જાણીતી યા કારણ વગરની વાતોનું જ પિષ્ટપિંજણ કરવું પડતું હોય છે. હિન્દી ફિલ્મો સો વરસ પૂરા કરી ચૂકી છે ત્યારે અનેક પડદા પાછળની અને પડદા આગળની અમુક વાત એવી હોય છે, જેની દિમાગે નોંધ લીધી હોતી નથી યા તો એ વાત ધ્યાને ચઢી હોતી નથી. ઉદાહરણ તરીકે, રાજકુમાર હિરાણી એમની પહેલી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ પહેલાં શાહરૂખ ખાન સાથે બનાવવા માંગતા હતા, એ તમે જાણો જ છો પરંતુ ધ્યાન બહાર છે એ વાત એ કે – રાજકુમાર હિરાણી – અભિજીત જોષી અને શાહરૂખ ખાને ‘મુન્નાભાઈ’ની સ્ક્રીપ્ટ પર ખાસ્સો એવો સમય વેડફ્યો હતો. આ દરમિયાન શાહરુખે ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડાં સૂચન પણ કર્યા હતા, જેને સામેલ પણ કરવામાં આવ્યા હતા, કારણ કે શાહરુખ ખુદ તેમાં કામ કરવાનો હતો, પરંતુ કોઈક કારણસર (સાચું કારણ હજુ બહાર આવ્યું નથી) શાહરુખે ફિલ્મ ન કરી અને ‘મુન્નાભાઈ’ બનવાની ખુશકિસ્મતી સંજય દત્તના ભાગે આવી.

એ ફિલ્મ અદ્ભુત હતી એમાં કોઈ શંકા નથી. પટકથીમાં શાહરુખે સૂચવેલાં ઈનપુટસ ફળ્યાં હતા અને એટલે (તમે ધ્યાનથી જોયું હોય તો) ફિલ્મના એન્ડ ટાઈટલ્સમાં એક લાઈનમાં ક્રેડિટસ આપવામાં આવી છે કે – ‘સ્પેશ્યલ થેન્કસ ટૂ શાહરુખ ખાન – ફોર હિઝ ઈનપુટ્સ ઈન સ્ક્રિપ્ટ’ !

હિન્દી સિનેમાની આવી બારિક અથવા અજાણી વાતોને અહીં આપણે રેપિડ ફાયર રાઉન્ડથી જોઈએ તો મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ પર બનેલી અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે’ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક પરથી બનેલી અને તમામ પાત્રોને સાચા નામ જ આપવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં ટાઈગર મેમણનો નાનો ભાઈ યાકુબ મેમણ પોલીસમાં સરન્ડર કરે છે એ પણ બતાવવામાં આવ્યું હતું. ‘જબ વી મેટ’ અને ‘ચમકિલા’ જેવી મજબૂત ફિલ્મોના દિગ્દર્શક ઈમ્તીયાઝ અલીએ આ ફિલ્મમાં યાકુબ મેમણનું પાત્ર ભજવ્યું હતું!

‘વીરઝારા’ ફિલ્મમાં ત્રીસ વરસ પહેલાં સગીતકાર મદનમોહને બનાવેલી તર્જ (કમ્પોઝિશન) વાપરીને બધાં ગીતો તૈયાર કરવામાં આવ્યાં હતાં . તેનું એક ગીત તમને યાદ હશે : ‘તેરે લીએ, હમ હૈ જીએ…’

આ તર્જ સંગીતકાર મદનમોહનજીએ ગુલઝારે ૧૯૭૬માં બનાવેલી ‘મૌસમ’ ફિલ્મ માટે તૈયાર કરી હતી. તેના પર ‘દિલ ઢૂંઢતા હૈ’ શબ્દો બેસાડવાના હતા પણ એમ ન થયું. કમ્પોઝિશન પડ્યું રહ્યું અને પછી ‘વીરઝારા’માં વપરાયું હતું!

અમિતાભ બચ્ચનની ‘નસીબ’ અને શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ અને ધર્મેન્દ્ર-જીતેન્દ્રની ‘ધર્મવીર’ (ડિરેક્ટર મનોહર દેસાઈ) વચ્ચેનું એક કનેક્શન ઈન્ટરેસ્ટિંગ છે. ‘નસીબ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં એક ગીત એવું હતું કે જેમાં ખૂબ બધા ફિલ્મસ્ટાર સતત સ્કીન પર આવતા હતા. ફરાહ ખાને તો આવું ગીત દર્શાવીને ‘નસીબ’ ફિલ્મને ટ્રિબ્યુટ આપી હતી, પરંતુ રસપ્રદ વાત એ છે કે ‘નસીબ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ‘જોન, જાની દનાર્દન’ ગીત જે પાર્ટીમાં ગાઈ છે એ પાર્ટી (ફિલ્મમાં) ‘ધર્મવીર’ ફિલ્મની સિલ્વર જ્યૂબિલીની પાર્ટી તરીકે દેખાડવામાં આવી હતી. ગીત અને પાર્ટી ચાલતી રહે અને રાજકપૂર, રાજેશ ખન્ના, શમ્મી કપૂર, શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર વગેરે પાર્ટીમાં પ્રવેશતા જાય છે એવી સિચ્યુએશન હતી. નોંધવા જેવી વાત એ છે કે ‘ધર્મવીર’ ફિલ્મની ઉજવણીની પાર્ટી હતી પણ એ ફિલ્મના બીજા હીરો જીતેન્દ્ર આ પાર્ટી (કે ગીતમાં) સામેલ થયા નહોતા!

ધર્મેન્દ્ર એકમાત્ર એવા એક્ટર હતા કે જે ‘નસીબ’ ઉપરાંત ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મના ગીતમાં સ્ટાર તરીકે સામેલ થયા હતા.
તમે રાજેશ ખન્નાની ‘બાર્વચી’ ફિલ્મ જોઈ હોવાની શક્યતા ઓછી છે એટલે લખવાનું કે એ ફિલ્મના ટાઈટલમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ ફિલ્મની ક્રેડિટસ માટે અમિતાભ બચ્ચનનો અવાજ વાપરવામાં (વોઈસ ઓવર) આવ્યો હતો. એ પહેલાં કે એ પછી આ રીતે ૨૦૦૮ સુધી આવો પ્રયોગ થયો નહોતો, પરંતુ ૨૦૦૯માં આવેલી આર. બાલ્કીની ‘પા’ ફિલ્મમાં જાણે ખાતું સરભર થઈ ગયું. ૧૯૭૨માં આવેલી ‘બાર્વચી’ ફિલ્મમાં હીરોઈન જયા બચ્ચન હતા તો વોઈસ ઓવર બચ્ચનસાહેબે આપેલો. ‘પા’ ફિલ્મમાં હીરો અમિતાભ બચ્ચન હતા તો તેમાં ક્રેડિટ માટેનો વોઈસ ઓવર જયા બચ્ચને આપ્યો હતો!

આમ સાડત્રીસ વરસે પતિ પત્નીએ બેલેન્સ સીટ સરભર કરી લીધી, એકબીજાની ફિલ્મના ક્રેડિટ માટે વોઈસ ઓવર આપીને !
આર. ડી. બર્મનના સંગીતકાર પિતાશ્રી એસ. ડી. બર્મનદાએ આરાધના, બંદિની જેવી અનેક ફિલ્મમાં એકાદ ગીત પોતાના સ્વરમાં ગાયું છે. સચિનદાનો અવાજ યુનિક હતો. એક અલગ જ માહૌલ એમનો સ્વર ક્રિએટ કરી દેતો હતો પણ જરૂરી હોય તો જ એ કોઈ ગીતને પોતાના અવાજમાં ગીત ગાવાનું પસંદ કરતા. મોટેભાગે ખલાસી, વટેમાર્ગુ, જોગી જેવાં પાત્ર માટે બેકગ્રાઉન્ડમાં વાગનારા ગીતો એમણે ગાયા પણ ‘ગાઈડ’ ફિલ્મ તેમાં અપવાદ રહી. આ ફિલ્મમાં સચિનદાએ (‘અલ્લાહ મેઘ દે’ અને ‘વાહાં કૌન હે તેરા’) બે ગીત ગાયા હતા. એક જ ફિલ્મમાં સચિનદાએ બે ગીત ગાયા હોવાનો રેકોર્ડ માત્ર ‘ગાઈડ’ના નામે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button