મનોરંજન

ડૉ.રાહી માસૂમ રઝા ૮૫ ફિલ્મો ને ‘મહાભારત’ સિરિયલના મહાલેખક

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

ડૉ.રાહી માસૂમ રઝા

ફિલ્મોની જેમ ભારતીય રાજનીતિ પર પણ મનોરંજન ટેક્સ લગાડવો જોઇએ આટલું મનોરંજન તો ફિલ્મોમાં પણ નથી મળતું!

“મૂછ નહીં તો કુછ નહીં!

હર ક્યું કા જવાબ નહીં હોતા !

હર સવાલ કા જવાબ સવાલ નહીં હોતા
હિંદુસ્તાની આદમીએ તો રોટી વિના સદીઓથી જીવવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે!

આ યાદગાર સંવાદો છે હિન્દી-ઉર્દૂનાં તેજાબી લેખક-શાયર ડો.રાહી માસૂમ
રઝાનાં. જેમણે મૈં તુલસી તેરે આંગનકી- આખરી રાસ્તા- મિલી- પ્રેમકહાની- બૈરાગ, સગીના – જુર્માના- બેમિસાલ- ગોલમાલ- નગીના – કર્ઝ- નિકાહ- લમ્હેં,-પરંપરા- આઇના ઈત્યાદ્ ઈત્યાદિ
જેવી ૮૫ જેટલી અનેક સફળ ફિલ્મો લખી ગીતો-ગઝલો લખી, ફિલ્મફેર એવોર્ડ અને સાહિત્યનાં એવોર્ડ જીત્યા.

હમણા ૧ સપ્ટેમ્બરના જ એમનો જન્મદિવસ ગયો. ત્યારે આજના જમાનામાં રાહી માસૂમ જેવા બિંદાસ લેખક યાદ આવે છે, જે ફિલ્મોમાં ને લેખ-વાર્તા-નવલકથામાં સમાજ ને સરકાર વિશે બેધડક લખતા.

રાહી માસૂમ સાહેબની સૌથી વિશેષ સિદ્ધિ તો એ છે કે રાહી માસૂમ રઝા, જન્મે મુસ્લિમ હોવા છતાં બી.આર.ચોપરાની યાદગાર મહાભારત(૧૯૮૮) સિરિયલ ખૂબ સફળતાપૂર્વક લખી, જે આજે ય લોકો ફરી ફરી જુએ છે! નયા દૌર, કાનૂન, નિકાહ, ગુમરાહ જેવી ફિલ્મોના નિર્માતા નિર્દેશક બી .આર. ચોપરાએ એક મુલાકાતમાં કહેલું કે મહાભારત સિરિયલની લેખકોની ટીમમાં હિંદુ લેખકોને પણ ખબર ના હોય એવી ઝીણી ઝીણી માહિતીઓ રાહીસાહેબ શોધી લાવતા. છેક ૧૯૮૮-૮૯માં આવેલી મહાભારત સિરિયલના સરળ અને ચોટદાર સંવાદોને આજે પણ લોકો યાદ કરે છે. ખાસ કરીને કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાજી સમજાવતા કૃષ્ણના સંવાદો કવિતાની કક્ષાના હોવા છતાં સરળ હતાં અને આમ આદમીને સમજાઇ શકે એવા લખેલાં. દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે એક લાચાર સ્ત્રીની આજીજી આજેય યાદ આવે તો રૂવાડાં ઊભાં થઇ જાય છે!

રાહી માસૂમ રઝા ખુદને સવાયાં હિંદુ અને ગંગાપુત્ર ગણાવતાં. ઉર્દૂના પ્રોફેસર-લેખક, રાહી સાહેબ યુ.પી.થી બોલીવૂડમાં પૈસા કમાવા સાઉથની ઘણીબધી મસાલા ફિલ્મો-મારધાડવાળી કમર્શિયલ ફિલ્મો પણ લખી. પોતાની અને પોતાના મિત્રોની પણ આકરી મજાક કરી લેતાં. દિલીપકુમાર જ રાહી માસૂમને ‘સગીના’ ફિલ્મ લખવા બોલીવૂડમાં લઇ આવેલાં અને એમના જ માટે રઝા મજાક કરતા: દિલીપકુમાર એવો ફટાકડો છે , જેનો બારૂદ કયારેનોય બળી ચુકયો છે. હવે એની પાસે ખાલી બે હાથ બચ્યાં છે જેને એ પોતાનાં ચહેરા અને કેમેરાની વચ્ચે વારેવારે આડાં લાવ્યાં કરે છે!’ એકવાર રઝાએ ૧૯૮૦માં એમની કોલમમાં એ વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીને કમાલનો રમૂજી પત્ર લખેલો:

આદરણીય વડા પ્રધાનજી,

મારું નામ રાહી માસૂમ રઝા છે. તમે કદાચ મને નહીં ઓળખતા હો, કારણકે હું હિંદી-ઉર્દૂનો કવિ અને નવલકથાકાર છું. તમને તો સાહિત્ય વાંચવાનો મોકો કયાંથી મળે? અત્યારે બસ સમજોને કે હું પોતાની ઓળખના જંગલમાં ગુમ એ દેશનો નાગરિક છું , જેનું નામ સંવિધાને ‘ભારત’ એટલે કે ‘ઇંડિયા’ રાખ્યું હતું. આ પત્ર હું ટપાલમાં પણ મોકલી શકત, પણ તમે તો આપણા ટપાલ ખાતાને જાણો જ છો. ભરોસો ના થાય..વળી મને તો એ ય ખબર નથી કે તમે હિન્દી સમજો છે કે નહીં? એટલે થયું કે ચાલો, જાહેરમાં જ પત્ર છપાવું.

ભારતવર્ષમાં સાહિત્યકારની મર્યાં પછી પૂજા કરવામાં આવે છે, પણ જીવતાંજીવત તે બે વખતની રોટી માટે પૂરતું કમાઈ નથી શકતો. એટલે જ હું ફિલ્મોમાં સંવાદો લખું છું. તમે તો ફિલ્મો પણ જોતા નહીં હો. એટલે તમને કહી દઉં કે ફિલ્મો, ત્રણ પ્રકારની હોય છે. સારી, બૂરી અને ખૂબ બૂરી. હું ત્રણેય પ્રકારની ફિલ્મો લખું છું. એક ફિલ્મમાં મેં એક સીન લખેલો. ફિલ્મમાં હીરો,પોસ્ટ ઓફિસમાં બેસીને લોકોનાં પત્રો લખવાનું કામ કરે છે. એની પાસે એક બુઢ્ઢીએ એના વરને ઉદ્દેશીને પત્ર લખાવડાવ્યો: સુલેમાનના અબ્બા, અહીંયા અમે બધાં ખેરિયતમાં છીએ. મજામાં છીએ.બસ ખાલી આપણા સુલેમાનને એક મૂઈ ટેકસીનો ધક્કો લાગી ગયો છે. ટાંગની હડ્ડી તૂટી ગઈ છે. પ્લાસ્ટર ચઢાવ્યું છે. મોટા દીકરા સુલતાનને આખા શરીર પર માતાજી નીકળ્યાં છે. વચલા દીકરાને કાળી ખાંસી થઈ છે.આપણાં પૌત્રને આખા શરીર પર ફોડલાં થયાં છે. અને મારો દમનો રોગ પણ જોરમાં છે.બાકી બધું ખેરિયત છે.ઠીક છે. તો હીરોએ પૂછયું,અરે માસી!ઘરે બધાં તો બીમાર છે તો પછી એમ કેમ લખાવી રહી
છો કે બધું ખેરિયત છે, ઠીકઠાક છે?’

ત્યારે એને જવાબ મળે છે :
અરે ચિઠ્ઠી માસ્ટર,બધું ખેરિયત છેનો મતલબ એ કે હજુ અમે મર્યાં નથી, જીવીએ છીએ.’

વડા પ્રધાનજી, મારાં-આપણાં દેશમાં પણ બસ આટલી જ ‘ખેરિયત’ બાકી રહી ગઈ છે. દેશ આવી જ હાલતમાં છે.અને એવામાં તમે ૨૧મી સદીનાં વિકાસની વાત કરો છો? જવા દો સર,તમે ચૂપચાપ ૧૫મી સદીનાં ભારત પર રાજ કરો ને મને પણ મારધાડ-અશ્ર્લીલ સંવાદ, નાગાં નાચગાણાંથી ભરપૂર ફિલ્મો લખવા દોને!’

શાયર રાહી માસૂમ રઝાએ અમુક ઉર્દૂ સાહિત્યકારોના કોમવાદી વર્તનના વિરોધમાં જીવનનાં છેલ્લાં વીસ વરસ, મુશાયરાઓમાં જવાનું છોડી દીધેલું. રઝા ઉર્દૂમાં લખતાં પણ ઉર્દૂ રચનાઓને હિન્દીની દેવનાગરીમાં છાપવાની જોરદાર હિમાયત એમણે કરેલી, જેથી ઉર્દૂ આખા ભારતમાં પહોંચે, નામશેષ ન થાય. પછી ઉર્દૂ સાહિત્યકારોએ રઝા પર ખૂબ માછલાં ધોયાં. હિન્દીવાળાં એને ઉર્દૂનો લેખક માનતા ને ઉર્દૂવાળા એમને ગદ્દાર ગણતા!

રાહી માસૂમ રઝાનો પુત્ર નજીબ ફિલ્મોમાં સફળ કેમેરામેન છે અને નજીબની પુત્રવધૂ પાર્વતી ખાન પોપ-સિંગર છે. એકવાર ‘દૂરદર્શન’માં પાર્વતી ખાનનું ગીત અને ડાંસ દેખાડ્યા ત્યારે પાર્વતી સાથે ‘ખાન’ શબ્દ મૂકવા અંગે અમુક લોકોએ વિરોધ કરેલો. રાહી સાહેબે કહેલું કે મારી પુત્રવધુ પાર્વતી હિંદુ છે, હિંદુ તરીકે જ રહે છે અને મને એના નામનો અર્થ ખબર છે અને એના સિંગર હોવા પર ગર્વ છે. એ કઇ અટક લગાડે છે એનાથી એનો ધર્મ કે શ્રદ્ધા બદલાઇ નથી જતી!

રાહી સાહેબ તો બાળ ઠાકરે, અડવાણી કે શાહી ઇમામ બુખારીને પણ ખરી ખરી સંભળાવી દેતા! રઝાજીએ પી.એમ.રાજીવ ગાંધીને લખેલાં પેલા પત્રનો રમૂજી અંત ખૂબ ધારદાર છે:
પ્રાઈમ મિનિસ્ટરજી,રાજનીતિ તમારો પેશો છે.જેમ ફિલ્મો મારો. હું હીરો માટે ‘ભાષણ’ લખું છું જેને ફિલ્મી ભાષામાં સંવાદો કે ડાયલોગ્ઝ કહેવાય, એમ તમારા માટે કોઈક બીજાં લેખક ડાયલોગ્ઝ એટલે કે ‘ભાષણ’ લખી આપે છે. ફિલ્મો જેમ વધારે ખરાબ એટલી વધુ હીટ…એમ ખરાબ રાજનીતિ પણ આજે સુપરહીટ થઈ રહી છે. હમણાં અમિતાભની ‘કૂલી’

ફિલ્મમાં કમાલનો સીન જોયો. બગીચામાં લોર્ડ કર્ઝનની એક પથ્થરની મિૂર્ત છે, જેમાં કર્ઝન ઘોડી પર બેઠાં છે. હવે પત્થરની એ ઘોડી ફિલ્મના હીરોના સાચુકલાં ઘોડા સાથે ભાગી જાય છે એવી વિચિત્ર કલ્પના ફિલ્મમાં દેખાડી છે! ત્યારે મને થયું કે આપણી રાજનીતિ પણ લોર્ડ કર્ઝનની ઘોડી જેવી છે, જે પોલિટિક્સના કોઈપણ ઘોડા સાથે ભાગી જવાં તૈયાર છે. જો આજનાં ભારતના પોલિટિકસને સારો સ્ક્રીનપ્લે રાઈટર નહીં મળે અને પછી એ હીટ થઈ પણ જાય તોયે એ રાજકપૂરની ગંગાની જેમ મેલીને મૈલી જ રહેશે!

રાહી માસૂમ સાહેબની સૌથી વિશેષ સિદ્ધિ તો એ છે કે પોતે
જન્મે મુસ્લિમ હોવા છતાં બી.આર.ચોપરાની યાદગાર
મહાભારત (૧૯૮૮) સિરિયલ ખૂબ સફળતાપૂર્વક લખી,
જે આજે ય લોકો ફરી ફરી જુએ છે!

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે