માલેતુજારોનું મુંબઈઃ 90 ટકા અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોનું વેચાણ માયાનગરીમાં
નવી દિલ્હી : દેશભરમાં ઘરનું વેચાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. જેમાં આ વર્ષે 2024માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં દેશના ટોચના શહેરોમાં 2443 કરોડના અલ્ટ્રા લક્ઝરી ઘરોના સોદા થયા છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં મુંબઈ, (Mumbai) હૈદરાબાદ, ગુરુગ્રામ અને બેંગલુરુમાં 25 અલ્ટ્રા લક્ઝરી ઘરો વેચાયા છે. અલ્ટ્રા લક્ઝરી કેટેગરીમાં એવા ઘરો છે જેની કિંમત 40 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનોરોક પ્રોપર્ટીએ તાજેતરમાં તેના રિપોર્ટમાં અલ્ટ્રા લક્ઝરી હોમ્સના સોદાનો ડેટા જાહેર કર્યો છે.
મુંબઈમાં રૂપિયા 2200 કરોડના કુલ 21 સોદા થયા
અલ્ટ્રા લક્ઝરી ઘરોના વેચાણની બાબતમાં મુંબઈ ટોચ પર છે. જેમાં ઓગસ્ટ 2024 સુધી મુંબઈમાં રૂપિયા 2200 કરોડના કુલ 21 સોદા થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં વેચાયેલા 22 અલ્ટ્રા લક્ઝરી હાઉસમાંથી 9 એવા સોદા છે જેમાં દરેકની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. આ 9 હોટ ડીલ્સમાંથી 7 દક્ષિણ મધ્ય મુંબઈમાં, 1 બાંદ્રામાં અને 1 જુહુમાં થઈ છે. 40 કરોડની સરેરાશ કિંમત ધરાવતા મકાનોમાં વાર્ષિક 2 ટકા ની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે 100 કરોડ રૂપિયાની સરેરાશ કિંમત ધરાવતા મકાનોમાં વાર્ષિક 14 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
25 અલ્ટ્રા લક્ઝરી ઘરોમાંથી 2 સોદા હૈદરાબાદમાં
અલ્ટ્રા લક્ઝરી ઘરોની બાબતમાં મુંબઈ ભલે દેશનું ટોચ છે. જ્યારે અત્યાર સુધીમાં વેચાયેલા 25 અલ્ટ્રા લક્ઝરી ઘરોમાંથી 2 સોદા હૈદરાબાદમાં કરવામાં આવ્યા છે. જેની કિંમત 80 કરોડ છે ગુરુગ્રામ એ NCRનું એકમાત્ર શહેર છે જે અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટીના સંદર્ભમાં ટોચ પર છે. ગુરુગ્રામમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 95 કરોડનો 1 સોદો થયો છે. જ્યારે IT સિટી બેંગલુરુમાં 1 અલ્ટ્રા લક્ઝરી હાઉસ માટે પણ ડીલ કરવામાં આવી છે જેની કિંમત 67.50 કરોડ છે.
કિંમત પર આધારિત વેચાણ
અલ્ટ્રા લક્ઝરી હોમ ડીલ્સ રિયલ એસ્ટેટમાં કિંમત પર મોટી અસર કરે છે. જો છેલ્લા 3 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 2022માં આ સેગમેન્ટમાં 1170 કરોડ રૂપિયાના સોદા થયા હતા. જેમાં 730 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટ અને 440 કરોડ રૂપિયાના બંગલા વેચાયા હતા. એક વર્ષ પછી એટલે કે 2023 માં આ આંકડો 4 ગણાથી વધુ વધ્યો અને 4456 કરોડના સોદા થયા. જેમાં 4115 કરોડના એપાર્ટમેન્ટ્સ અને 341 કરોડના બંગલા હતા. આ વર્ષના 8 મહિનામાં એટલે કે 2024માં કુલ 2442 કરોડ રૂપિયાના સોદા થયા છે. જેમાં 1694 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટ અને 748 કરોડ રૂપિયાના બંગલાઓ છે.
એનારોકના ચેરમેન અલ્ટ્રા લક્ઝરી ઘરોના વેચાણ અંગે આશાવાદી છે તેઓ કહે છે કે, વર્ષ 2024માં ચાર મહિના બાકી છે અને તહેવારોના ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર આપણે વર્ષ પૂરું થાય તે પહેલાં આવી વધુ ડીલ જોઇશું.
આ ઉપરાંત વર્ષ 2024માં અત્યાર સુધીમાં ભારતમાં આમાંથી 25 ઘરો રૂપિયા 2,443 કરોડની કિંમતે વેચાયા છે. તેમાંથી 21 મુંબઈમાં હતા. એક ઘર દિલ્હી એનસીઆરમાં, બે હૈદરાબાદમાં અને એક બેંગલુરુમાં વેચાયું હતું. જ્યારે વર્ષ 2023 માં, મુંબઈ, હૈદરાબાદ અને ગુરુગ્રામમાં 61 અલ્ટ્રા-લક્ઝરી ઘરો વેચાયા હતા.જેની એકત્રિત કિંમત 4,456 કરોડ રૂપિયા હતી. આમાંથી 56 જેટલા મુંબઈમાં, ચાર દિલ્હી NCRમાં અને એક હૈદરાબાદમાં વેચાયા હતા.