સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચારના આરોપ! વિપક્ષે કહ્યું કે “જરા તો શરમ કરો”
રાજકોટ: ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ સ્મશાનમાં કરવામાં આવતો હોય છે, મહાપાલિકાની ગાર્ડન શાખાએ તો કૌભાંડમાં સ્મશાનના લાકડાને પણ ન મૂક્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધરાશાયી થયેલા 600થી વધુ વૃક્ષોના લાકડાને બારોબાર વેંચી દીધા હોવાના આરોપો લાગ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી વૃક્ષોને મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર કરીને 35 જેટલી ગાડીઓમાં શહેરના જુદા જુદા સ્મશાનોમાં મોકલી દેવામાં આવ્યા હતા. જો કે આ પૈકી એકપણ ગાડી બાપુનગર સ્મશાન સુધી પહોંચી જ નહિ હોવાની વિગતો ખૂલતાં વિપક્ષના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા બાપુનગર સ્મશાને દોડી ગયા હતા અને તેમણે મનપાને પ્રશ્ન કર્યા હતા કે લાકડાનો જથ્થો બરોબર કોણ ચાઉં કરી ગયું? અને લાકડાની આ ગાડીઓ ક્યા ઠલવાઈ ગઈ.
આ મામલે ફરિયાદો થતાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, ચોમાસામાં ધરાશાયી થતાં વૃક્ષોના થડ અગ્નિદાહ માટે કામમાં આવતા હોય તેને સ્મશાન ખાતે નાખવામાં આવે છે. આ કામ બે એજન્સી કરે છે. આ વર્ષે કુલ 602 વૃક્ષો ધરાશાયી થયા છે, જે પૈકી મોટાભાગના વૃક્ષોની નાની મોટી ડાળીઓની પણ ગણતરી કરવામાં આવી છે. આથી ફક્ત થળનો ઉપયોગ સ્મશાનમાં થતો હોય હાલ 28 ટ્રેક્ટરની એન્ટ્રી સ્મશાન ખાતે કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના દર ચોમાસામાં બને છે અને ગાર્ડન વિભાગ દ્વારા આ વૃક્ષોના બાળવા લાયક લાકડાનો જથ્થો એજન્સી મારફત સ્મશાન ખાતે મોકલવામાં આવતો હોય છે. સ્મશાનમાં થયેલ એન્ટ્રી તેમજ એજન્સી દ્વારા કરવામાં આવેલ જથ્થાની એન્ટ્રી અને ગાર્ડન વિભાગે નોંધેલ લાકડાના જથ્થાની એન્ટ્રીને મેળવવામાં આવે છે છે. આજ સુધી આ પ્રકારની ઘટના બની નથી છતાં તપાસના અંતે સાચી વિગત બહાર આવશે.