અક્ષર અને મુશીર, દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસના બે તારણહાર
બન્ને લેફ્ટ-આર્મ સ્પિનિંગ ઑલરાઉન્ડરે પોતપોતાની ટીમને મોટી મુસીબતમાંથી ઉગારી
બેન્ગલૂરુ/અનંતપુર: ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝો માટેના સંભવિતો નક્કી કરવામાં સિલેક્ટર્સ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં રમતા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર ખાસ નજર રાખતા હોય છે અને એ સમય આવી ગયો છે, કારણકે ગુરુવારે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી શરૂ થઈ છે જેમાં દેશના ડોમેસ્ટિક સ્તરના લગભગ મોટા ભાગના પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે. ગુરુવારના પહેલા દિવસે બે લેફ્ટ-આર્મ સ્પિનિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને મુશીર ખાન ચમકી ગયા હતા.
ભારતની આગામી ટેસ્ટ-શ્રેણી 19મી સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે રમાશે. ત્યાર પછી ઘરઆંગણે જ ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-શ્રેણી રમાશે અને ત્યાર બાદ ભારતીય ટેસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા જશે.
આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં ઇન્ડિયા-સી સામે ઇન્ડિયા-ડી ટીમે બૅટિંગ મળ્યા પછી ફક્ત 164 રન બનાવ્યા હતા અને પછીથી ઇન્ડિયા-સીએ 91 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ આ મૅચના પ્રથમ દિવસનો સુપર હીરો હતો. તેણે પહેલાં તો 118 બૉલમાં છ સિક્સર અને છ ફોરની મદદથી 86 રન બનાવીને ઇન્ડિયા-ડી ટીમને મોટી મુસીબતમાંથી બહાર લાવી દીધી હતી અને પછી બે મહત્ત્વની વિકેટ લઈને હરીફ ટીમને મુશ્કેલીમાં લાવી દીધી હતી. અક્ષરે ઇન્ડિયા-સીના આર્યન જુયેલ (12) અને રજત પાટીદાર (13)ને આઉટ કર્યા હતા. ટેસ્ટ ટીમ માટે સિલેક્ટર્સને અક્ષરના રૂપમાં ઑલરાઉન્ડર અત્યારથી મળી ગયો છે. એ પહેલાં, ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇન્ડિયા-સીના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (5) અને સાઇ સુદર્શન (7)ની વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 24 રનમાં વિકેટ નહોતી મળી શકી.
એ પહેલાં, ઇન્ડિયા-ડીએ જ્યારે 76 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે અક્ષર પટેલ તારણહાર બન્યો હતો. તેણે બે મહત્ત્વની ભાગીદારી કરીને ઇન્ડિયા-ડીને 164 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. ઇન્ડિયા-સીના વિજયકુમાર વૈશાકે ત્રણ તેમ જ અંશુલ કંબોજ અને હિમાંશુ ચૌહાણે બે-બે વિકેટ લીધી હતી.
બેન્ગલૂરુની મૅચમાં ઇન્ડિયા-એ સામે ઇન્ડિયા-બીએ બૅટિંગ મળ્યા બાદ સાત વિકેટે 202 રન બનાવ્યા હતા જેમાં મુશીર ખાન (105 નૉટઆઉટ, 227 બૉલ, બે સિક્સર, દસ ફોર) સર્વશ્રેષ્ઠ બૅટર બન્યો હતો. 94 રનમાં ટીમ-બીએ સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મુશીરે પેસ બોલર નવદીપ સૈની (29 નૉટઆઉટ, 74 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સાથે મળીને 108 રનની અતૂટ ભાગીદારી કરીને ઇન્ડિયા-બી ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. મુશીરની આ ત્રીજી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી છે. આ જ ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ 30 રન અને કૅપ્ટન અભિમન્યુ ઈશ્ર્વરન 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. યશસ્વીની વિકેટ ખલીલ અહમદે અને ઈશ્ર્વરનની વિકેટ આવેશ ખાને લીધી હતી. સરફરાઝ ખાન નવ રન, રિષભ પંત સાત રન બનાવી શક્યો હતો. નીતિશ કુમાર રેડ્ડી તથા વૉશિંગ્ટન સુંદર ઝીરોમાં આઉટ થઈ ગયા હતા. ટીમ-એના ખલીલ, આવેશ અને આકાશ દીપે બે-બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ, શિવમ દુબે અને તનુષ કોટિયનને વિકેટ નહોતી મળી શકી.