‘સત્યમ શિવમ સુંદરમ…’ હિન્દુત્વ અંગે રાહુલ ગાંધીનો લેખ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સત્યમ શિવમ સુંદરમ હેડિંગ સાથેના લેખની તસવીર પોસ્ટ કરી છે, જેના પર યૂઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેણે હિંદુત્વની વિચારધારા અને તેમાં રહેલી કરુણા, પ્રેમ, બલિદાન અને દયાને પ્રકાશિત કરતા લેખનો એક ભાગ માઇક્રો બ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર પણ પોસ્ટ કર્યો છે. તેણે X પર હિન્દી અને અંગ્રેજીમાં બે-બે પાનાનો લેખ શેર કર્યો છે.
આમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “સત્યમ શિવમ સુંદરમ…એક હિંદુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં તમામને કરુણા અને ગરિમા સાથે સ્વીકારે છે, કારણ કે તે જાણે છે કે જીવનના આ મહાસાગરમાં આપણે બધા ડૂબી-ઉતરી રહ્યા છીએ. નિર્બળની રક્ષા કરવી એ તેનો ધર્મ છે.”
તેમણે લખ્યું છે કે, “એક હિંદુમાં પોતાના ડરને ઊંડાણપૂર્વક જોવાની અને તેને સ્વીકારવાની હિંમત હોય છે. જીવનની સફરમાં તે ભય રૂપી દુશ્મનને મિત્રમાં પરિવર્તિત કરવાનું શીખે છે. ભય તેના પર ક્યારેય વર્ચસ્વ જમાવી શકતો નથી, પરંતુ એક ગાઢ મિત્ર બનીને તેને આગળનો રસ્તો બતાવે છે. હિંદુનો આત્મા એટલો નબળો નથી હોતો કે તે તેના ડરના નિયંત્રણમાં આવી જાય અને કોઈપણ પ્રકારના ક્રોધ, ધિક્કાર અથવા દ્વેષનું માધ્યમ બની જાય.”
હિંદુ જાણે છે કે વિશ્વનું તમામ જ્ઞાન સામૂહિક છે અને તે તમામ લોકોની ઈચ્છા શક્તિ અને પ્રયત્નોથી ઉત્પન્ન થયું છે. તે માત્ર એક વ્યક્તિની મિલકત નથી. બધું જ દરેકનું છે. તે જાણે છે કે કશું જ કાયમી નથી અને વિશ્વના મહાસાગરના આ પ્રવાહોમાં જીવન સતત બદલાતું રહે છે. જ્ઞાન માટેની તીવ્ર જિજ્ઞાસાની લાગણીથી પ્રેરિત હિંદુનો અંતરાત્મા હંમેશા ખુલ્લો રહે છે. તે નમ્ર હોય છે અને આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ પાસેથી સાંભળવા અને શીખવા માટે તૈયાર હોય છે.
લેખમાં આગળ લખવામાં આવ્યું છે કે, “હિંદુ તમામ જીવોને પ્રેમ કરે છે. તે જાણે છે કે દરેકનો પોતાનો માર્ગ અને આ સમુદ્રમાં તરવાની રીત છે. દરેકને પોતાના માર્ગ પર ચાલવાનો અધિકાર છે. તે બધા માર્ગોને પ્રેમ કરે છે, દરેકને આદર આપે છે અને તે તમામના અસ્તિત્વને પોતાનું માનીને સ્વીકારે છે.”
કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. તાજેતરમાં આમાં સામેલ પક્ષોના કેટલાક નેતાઓએ હિન્દુત્વને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ અંગે ભાજપે કોંગ્રેસને ઘેરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સત્યમ શિવમ સુંદરમની પોસ્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.