શ્ર્વેતા જોષી-અંતાણી
કોઈ કોઈ ઘરમાં ક્યારેક એક દીકરી સો દીકરાની ગરજ સારતી હોય છે. ‘દીકરી સાપનો ભારો’ એવું કહેતા જૂનવાણી સમાજને એક સણસણતો તમાચો મારતી આવી દીકરીઓ, જે પોતાના ઘરનો આર્થિક સધિયારો કે આધાર સ્તંભ ગણાતી હોય, જે નાના ભાઈ-બહેનોને ભણાવવા, પરણાવવા, નોકરી-ધંધાએ લગાડવા કે બીમાર માતા-પિતાની દવાદારૂ કરવા જેવી અનેક વ્યવહારિક જવાબદારીઓ નિભાવતી અને સાથોસાથ જોબ પણ કરતી જોવા મળે છે.
સુરભીએ આવી ઘણી યુવતીના જીવનને થાળે પાડવાનું કામ કરેલું. હજુ થોડા દિવસ પહેલાં જ વિદ્યા નામની યુવતીને ટોક્સિક પરિવારજનોથી છુટકારો અપાવ્યાનો સંતોષ લે એ પહેલા એની સામે અર્પિતા આવી ચડી. આવી દીકરીઓ મોટાભાગે પોતાના અંગત જીવનમાં અસંતોષના સથવારે જીવતી જોવા મળે છે, કારણ કે પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરતી દીકરીને સમયસર પરણાવવાની જવાબદારીમાં માતા-પિતા અચૂક માર ખાઈ જતા જોવા મળે. આવા સંજોગોમાં યુવતીઓ માટે લગ્નની ઉંમર વિત્યા બાદ સારો યુવક મેળવવા કરવા પડતા પ્રયાસો અને સમાધાનોનો ખરો ચિતાર એટલે ઢળતી યુવાનીમાં રહેલી અર્પિતાનો કિસ્સો.
અર્પિતા એની જ્ઞાતિ-સમાજના નિયમો મુજબ લગ્ન કરવાની ઉંમર વટાવી ચુકેલી એક અઠ્ઠયાવીસેક વર્ષની યુવતી છે. ઘર ચલાવવા નોકરી કરતી અર્પિતાની આસપાસ એના સહકર્મચારી, પડોશી, સગા-સંબંધી કે મિત્ર કોઈપણ હોય લગભગ બધા લગ્ન કરી ઠરી-ઠામ થઈ ચૂક્યા છે, પણ પોતાનો કોઈ મેળ આવતો નથી એ વિચારે અર્પિતા ક્યારેક ઝંખવાય જાય છે. જોકે એ વાત અલગ છે કે ઘરની જવાબદારીઓ એને આવો વસવસો કરવાની તક બહુ ઓછી આપે છે. આમ તો એ સરકારી શાળામાં કરાર આધારિત શિક્ષિકા તરીકે નોકરી કરે છે, પણ એ એની મનપસંદ કેરિયર નથી. કોઈક દિવસ કાયમી નોકરી મળશે એ રાહે અને અત્યારે પોતાના પગારથી ઘર ચાલે છે એ મજબૂરી થકી નોકરી ખેંચ્યા કરે. એવામાં કાયમી નોકરી થવાના દિવાસ્વપ્ન પર કૂચડો ત્યારે ફરે છે જ્યારે એ નોકરી જ સદંતર હાથમાંથી સરી પડે છે.
નોકરી ગુમાવ્યાના ટેન્શનમાં અર્પિતા થાકીને ઘેર આવે છે ત્યાં તો એના લગ્ન માટેની વાતો જોરશોરથી ચાલી રહી છે. કંટાળેલી અર્પિતા કંઈ વિચાર્યા વગર હકાર ભણી દે છે, પરંતુ એમ કરમની કઠણાઈ એનો પીછો છોડે એમ નથી એટલે નોકરી વગર ટાંચા પૈસાની સગવડ વચ્ચે સતત લગ્નના તમામ ખર્ચને પહોંચી વળવા સજ્જ રહેતી અર્પિતાના પગ તળેથી જમીન ત્યારે સરકી જાય છે જ્યારે કોઈ અગમ્ય કારણોસર યુવક તરફથી લગ્ન ફોક કરી દેવાય છે. અર્પિતા આ વાતનો ખ્યાલ કોઈનેય પણ આવવા દેવા માગતી નથી. એને એક તરફ લગ્ન તૂટ્યાની ચિંતા છે તો બીજી તરફ બધાં પૈસા વપરાય ગયાં એનો પણ અનહદ વસવસો છે. પિતા આઘાત નહીં જીરવી શકે એ વ્યાધિ છે તો સગા-વ્હાલાઓના મેણા-ટોણા જીરવવા પડશે એ ઉપાધિઓ વચ્ચે દિવસો પસાર કરતી અર્પિતા અંતે એ નિષ્કર્ષ પર આવે છે કે અહીંથી ભાગી જવું. એક રાત્રે કોઈનેય કહ્યા વિના બધાના જીવનમાંથી અલોપ થઈ જવા માગતી અર્પિતાના નસીબ સારા કે રેલવે સ્ટેશન પર એને સુરભીનો ભેટો થાય છે. થોડી અકળાયેલી, ડરેલી, એકલી યુવતી જોઈને સુરભીની અનુભવી આંખો એને કોઈ સમસ્યા હોવી જોઈએ એ પારખી લેતાં વાર નથી લગાડતી. થોડા ખચકાટ પછી અર્પિતા સાથે વાત કરવા સુરભી નજીક આવી. સુરભીનો ધીમો સ્વર, સ્નેહસભર આંખો, પ્રેમાળ વર્તન સામે અર્પિતા થોડીજ વારમાં મન ખોલી વાત કરવા લાગે છે.
-
આજનું રાશિફળ (22-01-25): મેષ, વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે મોટી સફળતા, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
-
Saif Ali Khan પર હુમલા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ અધિકારી બદલાયા
-
મહારાષ્ટ્રના નવા ચૂંટણી કમિશનર તરીકે IAS દિનેશ વાઘમારેની નિમણૂક
-
ભડકાઉ ગીતના વીડિયોઃ કોંગ્રેસના સાંસદને રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી
એ પછી અર્પિતાએ જે કહ્યું એ સુરભીના માન્યામાં આવે એવું નહોતું. નાની ઉંમરે કમાવવાની, ઘર ચલાવવાની અને કુટુંબની દરેક જવાબદારી એના ખભ્ભા પર આવી પડી એ પહેલાં એ જિલ્લા કક્ષાએ રમાતી મહિલા વોલીબોલ ટીમની એક ખૂબ સારી પ્લેયર હતી, જેણે જીતવા માટે કરેલા ગોલને હજુ આજે પણ લોકો દ્વારા સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે.
અર્પિતાના નાનકડા એવા રૂમમાં એક કેલેન્ડર છે, જેમાં દર વખતે લગ્નની વાતચીત ફ્લોપ જાય ત્યારે એના પર એક નિશાન કરે છે. એ પણ રમતમાં વપરાતા શબ્દો દ્વારા કરેલી ટિપ્પણીઓ સાથે જેમકે, નોક આઉટ, મેચ ફિક્સીંગ, થર્ડ અમ્પાયર વગેરે શબ્દો સાંભળી સુરભી હસી પડી. એને થયુ કે લગ્ન ગોઠવાય એ માટે કરવી પડતી ફિલ્ડિંગ કોઈ રસાકસી ભરેલા મેચ કરતાં જરાય ઓછી હોતી નથી.
એણે અર્પિતાને કહ્યું, લગ્ન મોકૂફ રહ્યા છે એ કડવી હકીકત ભલે ગળે ઊતરે એવી ના હોય તેમ છતાં એમ રોઈને થોડું બેસી રહેવાય? લોકોની તમારા વિશે કરાતી કાનાફૂસીને અવગણી ફરી જીવનની શોધમાં નીકળી પડવું જરૂરી છે. અરે, તું તો ફરી વોલીબોલ રમવાનું પણ શરૂ કરી શકે છે..’ સુરભીએ પ્રશ્ર્નસૂચક નજરે અર્પિતા સામે જોયું.
જોકે સ્પોર્ટ્સ કારકિર્દી પર તો અર્પિતાએ ક્યારનુંય પૂર્ણ વિરામ મૂકી દેવું પડેલું, પરંતુ લગ્નના નામે એની સાથે થયેલા ફિયાસ્કા બાદ સુરભીની સમજાવટ થકી એ અંતે ઘેર પાછા ફરી કોઈ પણ યુવાનને પોતાના તારણહાર તરીકે તુરંત જ સ્વીકારી લેવાને બદલે હવે પહેલા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનું અર્પિતા પસંદ કરે છે ત્યારે સુરભી વિચારતી રહે છે કે જો દરેક યુવતીને એ હકીકત સમજાય કે કરિયર બનાવવી, લગ્ન કરવા, પૈસા કમાવવા આ બધા જીવનના અતિ આવશ્યક વળાંકો ઉંમરના ચોક્કસ પડાવે એક સાથે આવતા હોય એમાં બહુ સમજી વિચારીને ડગલાં ભરવા જોઈએ. એટલું જ નહીં, અર્પિતા માફક યોગ્ય સમયે દરેક યુવતીમાં જાતને સંભાળવાની હિંમત અને સ્વાભિમાન જન્મે એ પણ અત્યંત જરૂરી છે