ટ્રેવિસ હેડ બન્યો બેકાબૂ, પાવરપ્લેની ઓવર્સમાં રેકોર્ડ-બ્રેક રન ખડકી દીધા
સતત 14 બાઉન્ડરીઝનો રેકોર્ડ, ઑસ્ટ્રેલિયાએ વિક્રમોનો ખડકલો કરી દીધો
એડિનબર્ગ: ઑસ્ટ્રેલિયાએ અહીં બુધવારે સ્કોટલૅન્ડને અનેક નવા વિક્રમો રચીને સિરીઝની પ્રથમ ટી-20માં સાત વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. ટ્રેવિસ હેડ (80 રન, 25 બૉલ, બાર ફોર, પાંચ સિક્સર) આ મૅચનો સુપર સ્ટાર હતો. ટી-20ની પાવરપ્લેની ઓવર્સમાં તે હવે નવો કિંગ બન્યો છે.
ટ્રેવિસ હેડે પાવરપ્લેની ઓવર્સમાં અણનમ 73 રનનો નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાં એક ટી-20માં કોઈ એક બૅટરે પાવરપ્લેની ઓવર્સમાં સૌથી વધુ રન ફટકાર્યા હોય એવા સ્કોર્સમાં આયર્લેન્ડનો પૉલ સ્ટર્લિંગ મોખરે હતો. તેણે 2020ની સાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20માં પાવરપ્લેની ઓવર્સમાં 67 રન ફટકાર્યા હતા. તાજેતરમાં જ નિવૃત્ત થયેલો ન્યૂ ઝીલેન્ડનો કોલિન મનરો (2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 66 રન) બીજા નંબરે હતો. જોકે હવે ટ્રેવિસ હેડ નંબર વન થઈ ગયો છે. પાવરપ્લેમાં તેના 73 રનમાં 12 ફોર અને 4 સિક્સરનો સમાવેશ હતો.
ટ્રેવિસ હેડે 25 બૉલમાં કુલ પાંચ છગ્ગા અને 12 ચોક્કાની મદદથી 80 રન બનાવ્યા હતા. તેની અને કેપ્ટન મિચલ માર્શ (27 રન) વચ્ચે બીજી વિકેટ માટે 33 બોલમાં 110 રનની ભાગીદારી થઈ હતી. ટ્રેવિસ હેડે 97.5% રન બાઉન્ડરીઝમાં બનાવ્યા હતા જે ટી-20 ઇન્ટરનેશનલમાં સેકન્ડ બેસ્ટ રેકોર્ડ છે.
ઓસ્ટ્રેલિયાએ 155 રનનો લક્ષ્યાંક મળ્યા પછી 9.4 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 156 રન બનાવી વિજય મેળવીને સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ લાગલગાટ 14 બાઉન્ડરીઝ (ફોર+સિક્સર) પાવરપ્લેની છેલ્લી 2.2 ઓવરમાં ફટકારવામાં આવી હતી અને એ પણ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે.
ઓસ્ટ્રેલિયા જીત્યું ત્યારે 62 બૉલ બાકી હતા. ટી-20માં 150-પ્લસનો ટાર્ગેટ જેટલા બૉલ બાકી રાખીને સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવ્યા હોય એમાં ઑસ્ટ્રેલિયાનો આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. એણે ગ્રીસ સામેના રોમાનિયાના 43 બૉલના માર્જિનનો વિક્રમ તોડ્યો છે.
ટ્રેવિસ હેડે આ મૅચમાં 16 બાઉન્ડરીઝ (ફોર+સિક્સર) ફટકારી હતી. એક ટી-20 ઇન્ટરનેશનલમાં કોઈ એક બૅટરે સૌથી વધુ બાઉન્ડરીઝ ફટકારી હોય એમાં હવે આ નવો વિશ્વ વિક્રમ છે. તેણે કોલિન મનરો (2018માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20માં 14 બાઉન્ડરીઝ)નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
સમગ્ર ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો 62 બૉલના માર્જિનનો આ જોઈન્ટ રેકોર્ડ છે. આ વર્ષની આઈપીએલમાં હૈદરાબાદે લખનઉ સામે 166 રનનો લક્ષ્યાંક 62 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો.
મેન્સ ટી-20 ઇન્ટરનેશનલમાં 10 ઓવરની અંદર 150-પ્લસનો ટાર્ગેટ ચેઝ કરી લેવામાં આવ્યો હોય એવો આ પહેલો જ કિસ્સો છે. આવા સફળ ટીમ-સ્કોર્સમાં હવે ઓસ્ટ્રેલિયાના 156 રન હાઈએસ્ટ છે. એણે ન્યૂ ઝીલેન્ડનો વર્લ્ડ રેકોર્ડ (2016માં શ્રીલંકા સામે 10 ઓવરમાં 147/1) તોડી નાખ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ બુધવારની મૅચમાં પાવરપ્લેની ઓવર્સમાં કુલ 26 ફોર ફટકારી હતી જે ટી-20 ઇન્ટરનેશનલમાં નવો વિક્રમ છે.
ટ્રેવિસ હેડે ફક્ત 17 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી જે ઑસ્ટ્રેલિયનોના તમામ હાફ સેન્ચુરિયનોમાં જોઈન્ટ ફાસ્ટેસ્ટ ફિફટીનો રેકોર્ડ છે. તે હવે માર્કસ સ્ટોઈનિસની બરાબરીમાં થઈ ગયો છે.
એ પહેલાં, સ્કોટલેન્ડે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 154 રન બનાવ્યા હતા જેમાં ઓપનર જ્યોર્જ મુનસીના 28 રન સામેલ હતા. ઓસ્ટ્રેલિયા વતી શૉન અબોટે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ ઝેમ્પા અને બાર્લેટે બે-બે વિકેટ લીધી હતી.
ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. બીજી ટી-20 આવતી કાલે (ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગ્યાથી) રમાશે.