વેપાર

વિશ્ર્વ બજાર પાછળ કોપર સહિતની ધાતુઓમાં ગાબડાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ઉત્પાદનના ડેટા નબળા આવતા વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ટીન અને નિકલની આગેવાની હેઠળ એકમાત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. સાતના સુધારાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૪૨ સુધીના ગાબડાં પડ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ વધ્યું હતું. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ પાંખી રહી હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૪૨ ઘટીને રૂ. ૨૬૯૬, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૮૦૦, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને રૂ. ૭૭૫, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૭૬૯, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૧૪૦૮ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૭૬૦ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૧૫ અને રૂ. ૨૨૭, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૬૫ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૫૫૨ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button