મુસલમાનોની લાગણી દુભાઇ,અમે…: ઓવૈસીના નેતાએ આપી ચેતવણી…
મુંબઈ: મુસ્લિમ સમુદાયની લાગણીઓ દુભાવતું કથિત નિવેદન આપનારા રામગિરી મહારાજ વિરુદ્ધ પાંચ દિવસમાં સરકાર કાર્યવાહી ન કરે તો મુંબઈ મોરચો લઇ જવાની ચીમકી સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમ (ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના નેતા ઇમ્તિયાઝ જલીલ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો : ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે
ઉલ્લેખનીય છે કે સંત રામગિરી મહારાજે આપેલા નિવેદન બાદ તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાવવામાં આવી હતી.
ભૂતપૂર્વ સાંસદ રહી ચુકેલા ઇન્તિયાઝ જલીલે છત્રપતિ સંભાજી નગર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રામગિરી મહારાજે ઇસ્લામ વિરુદ્ધ અમુક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના નિવેદનના કારણે દેશભરના મુસલમાનોમાં આક્રોશ છે. એ જ દિવસે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમની બાજુમાં બેઠા હતા અને તેમને સુરક્ષા આપવાની વાત કરી રહ્યા હતા.
અત્યાર સુધી આ મામલે રામગિરી મહારાજ વિરુદ્ધ 58 એફઆઇઆર નોંધાઇ છે. રામગિરી મહારાજે નાસિકના સિન્નરમાં આપેલા નિવેદનનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમનું નિવેદન બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થતા અત્યાચારનો જવાબ આપવા માટે હતી અને તેનો હેતુ હિંદુઓને એકજૂથ થવાનો સંદેશ આપવા માટેનો હતો.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી પાડવામાં આવ્યા ત્યાર બાદ બાંગ્લાદેશમાં હિંદુ સહિતના લઘુમતિ સમુદાયો પર પારાવાર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને સેંકડો હિંદુઓની હત્યા ઉપરાંત હિંદુ, શીખ, ખ્રિસ્તી મહિલાઓ ઉપર જાતીય અત્યાચાર ગુજરાવામાં આવ્યો હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતા.