અજિત પવારને થઇ આ બીમારી, પ્રચાર પર થશે અસર?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ખાંસી-ઉધરસની તકલીફ વધી ગઇ હોવાના અહેવાલ મંગળવારે ફરતા થયા ત્યારબાદ બુધવારે તેમને બ્રોન્કાયટિસની બીમારી થઇ હોવાની સત્તાવાર જાણકારી મળી હતી. બ્રોન્કાયટિસના કારણે ડૉક્ટરોએ અજિત પવારને આરામ કરવાની સલાહ આપી હતી.
બીમારીના કારણે અજિત પવાર રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુના લાતુર ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા. અજિત પવાર રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ નહીં થઇ શકે એ બાબતની માહિતી રાષ્ટ્રપતિ કાર્યલયને પણ આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોથી અજિત પવાર જનસન્માન યાત્રામાં વ્યસ્ત હતા અને લાડકી બહેન યોજનાઓના લાભાર્થી માટે યોજાતા કાર્યક્રમોમાં પણ સતત હાજર રહ્યા હતા. જોકે, બીમારીના કારણે તે વિવિધ પ્રવાસો અને કાર્યક્રમોમાં હાજર નહીં રહી શકે. તબિયત સુધરતા જ તે ફરી સક્રિય થશે, તેવી માહિતી અજિત પવારના કાર્યાલય તરફથી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : જનતા ચોક્કસ તેમને જોડા મારશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અજિત પવારની તબિયત ખરાબ થતા થેની અસર ચૂંટણી પ્રચાર ઉપર પડી શકે તેવી શક્યતા છે.