આપણું ગુજરાતગાંધીનગર

એડવેન્ચરમાં રસ ધરાવતા યુવાનોને સરકાર કરાવશે ફ્રી કોર્સ: જાણો સંપૂર્ણ વિગતો…

ગાંધીનગર: રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત દર વર્ષે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા આગામી સમયમાં એડવેન્ચર કોર્સ, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ, કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ તેમજ આર્ટીફિશિયલ કોર્સ કાર્યક્રમ યોજાશે. જેમાં ઈચ્છુક યુવક-યુવતીઓ અરજી કરી શકે છે.

આ પણ વાંચો : આ ખેડૂતની દીકરીએ કરી દીધી કમાલ, લદ્દાખના આ બન્ને શિખર સર કર્યા

એડવેન્ચર તેમજ એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સમાં જોડાવવા રાજ્યના યુવાનોએ તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી અરજી કરવાની રહેશે. એડવેન્ચર કોર્સ આગામી તા. 05 થી 11 નવેમ્બર, 2024 સુધી યોજવવામાં આવશે. જેમાં 8 થી 13 વર્ષની વય ધરાવતા ઈચ્છુક યુવાનો જોડાઈ શકે છે. જ્યારે, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સ આગામી તા. 05 થી 19 નવેમ્બર, 2024 સુધી યોજાશે. જેમાં 15 થી 45 વર્ષની વય ધરાવતા યુવાનો જોડાઈ શકે છે.

આ ઉપરાંત કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સમાં રાજ્યના 18 થી 45 વર્ષની વય ધરાવતા ઈચ્છુક યુવાનોએ તા. 30 ઓક્ટોબર, 2024 સુધી અરજી મોકલવાની રહેશે. આ કોર્ષ આગામી તા. 30 નવેમ્બરથી 29 ડીસેમ્બર 2024 સુધી યોજાશે. વધુમાં આર્ટીફિશિયલ કોર્સમાં જોડાવવા ઈચ્છુક યુવાનોએ તા. 01 જાનુઆરી ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. જે 04 થી 13 ફેબ્રુઆરી 2025 સુધી યોજવવામાં આવશે.

આ પણ વાંચો : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!

આ કાર્યક્રમમાં જોડાવવા ઈચ્છુક યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત સંસ્થાના ફેસબુક પેજ: SVIM Administration (https://https://www.facebook.com/svimadmin) પરથી મેળવવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધો-૧૦ પાસ) વગેરે દર્શાવવાનું રહેશે.

તદ્દઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતી, ખડક ચઢાણનો એડવાન્સ/ કોચિંગ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. સંપૂર્ણ વિગતો તથા બિડાણો સાથેની અરજી આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ- ૩૦૭૫૦૧ને નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે.

વધુમાં, તાલીમાર્થી જે કોર્સમાં જોડાવા ઈચ્છતા હોય તે કોર્સનું નામ અરજીના મથાળે સ્પષ્ટ જણાવવું. અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે યુવાનો સંસ્થાના કોન્ટેક્ટ નં. 63778-90298 ઉપર સંપર્ક કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઇલ/ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે, તેમ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની યાદીમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button