કચ્છના આ ગામમાં છે એક-બે નહીં પૂરી 17 બેંક, જેમાં પડી છે એટલી થાપણો કે…
હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી રહી હોવાનો અને ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બની ગઈ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે, પણ શું તમને ખબર છે કે એશિયાનું સૌથી અમીર ગામડું ભારતમાં આવેલું છે? જી હા, તમારી છાતી આ ગામનું નામ સાંભળીને વધારે ગર્વથી પહોળી થઈ જશે, કારણ કે આ ગામડું આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. જી હા, આ ગામ એટલે કચ્છ જિલ્લામાં આવેલું માધાપર. ભારતના આ ગામમાં લખલૂટ પૈસો છે એટલું જ નહીં આ ગામમાં 17 બેંક અને 7,000 કરોડની એફડી છે. ચાલો જાણીએ આ ગામની જાહોજલાલી પાછળનું કારણ-
ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપર ગામની વસતી આશરે 32,000 જેટલી છે અને એમાં પણ પટેલ સમુદાયના લોકોની વસતી સૌથી વધારે છે. આ ગામની જાહોજલાલી અને સમૃદ્ધિમાં આ સમુદાયનું વિશેષ યોગદાન છે. આ ગામનો દરેક ગામવાસી લખપતિ કે કરોડપતિ છે. આ ગામમાં 17 બેંક છે અને ગામવાસીઓ પાસે 7000 કરોડ રૂપિયાથી વધુની થાપણ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ચમત્કાર પર ચમત્કાર: ભૂતિયા શિક્ષકો પછી કોલેજ પણ ભૂતિયા !
વાત કરીએ ગામની જાહોજલાલી અને સમૃદ્ધિ પાછળના કારણની તો આ ગામના મોટાભાગના ઘરમાંથી કોઈને કોઈ વિદેશમાં સ્થાયી થયેલું જ છે. જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા અને ગલ્ફ દેશોનો સમાવેશ થાય છે. વિદેશમાં રહેવા છતાં પણ અહીંના લોકોએ ક્યારેય પોતાની માતૃભૂમિની દરકાર લેવાનું બંધ નથી કર્યું અને વિદેશમાં અઢળક કમાણી કરીને પોતાના પરિવારો અને ગામડાઓને સમૃદ્ધ બનાવ્યા. આ ઉપરાંત તેઓ ગામના વિકાસ માટે માત્ર પૈસા જ નથી મોકલતા, પરંતુ ગામના વિકાસની જવાબદારી પણ ઉઠાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામની સ્થાપના 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા કરવામાં આવી હતી. આ ગામ સિવાય આ સમુદાયે બીજા 18 જેટલા ગામની સ્થાપના પણ કરી હતી. ધીમે-ધીમે વિવિધ સમુદાયના લોકો અહીં વસવા લાગ્યા. આજે આ ગામ ગુજરાતની સભ્યતાનો મહત્વનો ભાગ છે. શાળા, કોલેજ, બેંક જેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. અહીંના લોકોની જીવનશૈલી શહેરના લોકો કરતા ઘણી સારી છે અને આ બધી જ બાબતો માધાપરને દેશના જ નહીં એશિયાનું સૌથી ધનવાન ગામ બનાવે છે.