આપણું ગુજરાત

રાજ્યમાં વરસાદી આફતથી 49 લોકોના મોત; અસરગ્રસ્ત 1.69 લાખથી વધુ લોકોને 8.04 કરોડની સહાય

ગાંધીનગર: ગુજરાતમાં ઓગષ્ટના અંતિમ અઠવાડીયામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓ પૂરના પ્રકોપથી ત્રાહિમામ હતા. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદથી 49 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત પરિવારોને 8.04 કરોડની કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. 3 સપ્ટેમ્બર સુધીમાં 1,69,561 વ્યક્તિઓને કુલ રૂ. 8.04 કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે.

વધુ વિગતો આપતા રાહત કમિશનરે ઉમેર્યું કે, આ સમયગાળા દરમિયાન માનવ મૃત્યુના કિસ્સામાં 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. 88 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા 2,618 પશુઓના માલિકોને કુલ રૂ. 1.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

મકાન અને ઘરવખરીની સહાય ચૂકવાય:
ઘરવખરી-કપડાં વગેરે તણાઈ કે નુકસાન થવાથી નાશ પામ્યા હોય તેવા પરિવારોની સરવે કામગીરી 1160 ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા 50,111 પરિવારોને કુલ રૂ. 20.07 કરોડથી વધુ રકમ ઘરવખરી અને કપડા સહાય પેટે ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાચા મકાનો, પાકા મકાનો, આંશિક અને સંપૂર્ણ નુકશાન પામેલા મકાન અને ઝુંપડાનો પણ સરવે હાથ ધરીને અત્યાર સુધીમાં 4,673 મકાન-ઝુંપડા માલિકોને કુલ રૂ. 3.67 કરોડથી વધુની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 17, SDRFની 27 તેમજ આર્મીની 09 કોલમ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા કુલ 37,050 લોકોને રેસ્ક્યુ તેમજ 42,083 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, 53 વ્યક્તિઓને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button