ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

હે ઈશ્ર્વર, તારું તુજને અર્પણ

‘ખાલી હાથ આવ્યા ને ખાલી હાથે જવાનું’ પંક્તિ બહુ મોટો બોધ આપી જાય છે. મૃત્યુ સમીપે દેખાણુંત્યારે વિશ્વ વિજયી થવા નીકળેલાસિકંદરે કહ્યું હતું કે ‘મારા અવસાન પછી મારું શરીર ભલે કપડાથી ઢાંકો, મારી હથેળી ખુલ્લી રાખજો, જેથી લોકોને સમજાય કે મર્યા પછી સિકંદર હાથમાં સાથે કંઈ લઈ નહોતો જઈ શક્યો.’ ગ્વાલિયરમાં માધુરી સક્સેના નામની મહિલાએ તો આ ભાવના આત્મસાત કરી ‘હે ઈશ્ર્વર, તારું તુજને અર્પણ’નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નિયમિત આવક શરૂ થયા પછી દૂરંદેશી ધરાવતી વ્યક્તિ અચાનક અવસાન થાય એ અવસ્થામાં પરિવારને આર્થિક સંકડામણનો સામનો ન કરવો પડે એ માટે વીમો ઉતરાવે છે. માધુરીએ વીમો ઉતરાવ્યો, પણ પોલિસીમાં નોમિની તરીકે પરિવાર કે મિત્ર- સગા સંબંધીનું નામ લખાવાને બદલે ગ્વાલિયરના અચલેશ્ર્વર મહાદેવને નોમિની બનાવ્યા. માધુરીના અવસાન થવાથી વીમો પાક્યો અને મંદિરના એકાઉન્ટમાં સાત લાખ ૪૦ હજાર રૂપિયા જમા થઈ ગયા.

પ્રભુ પ્રીતિનો આ અનોખો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ અનેક હૈયાને લાગણીભીનો કરી પ્રેરણા આપી રહ્યો છે.

‘ચોરીથી કેમ બચવું?’ એનું ટ્યુશન આપે છે ચોર!

સૌપ્રથમ સ્પષ્ટતા કે આ લખાણ ‘ચોરી કરવા માટેની ટિપ્સ’ નથી કે નથી કોઈ પ્રકારનું માર્ગદર્શન. માત્ર હેરતની દુનિયામાં ડોકિયું કરવાનો અને ચોરોથી સાવધ રહેવાનો પ્રયાસ છે.

વાત એમ છે કે ગુનાઇત પ્રવૃતિઓ માટે ૧૦ વર્ષ જેલની સજા ભોગવી લીધા પછી જેન ગોમેઝ નામની અમેરિકન યુવતીનો હૃદય પલટો થયો છે અને પોતે ચોરી કરવા માટે અપનાવેલી તરકીબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહી છે. એક મિનિટ! ચોરી કેમ કરવી એ શીખવવાનો એનો કોઈ જ ઈરાદો નથી. મિસ જેન તો જનતાને સંભવિત ચોરથી ઘરનું રક્ષણ કેમ કરવું અને ચોર લોકોને ગુનાની દુનિયાથી છેટે રાખવાની ઝુંબેશ તરીકે આ ‘સોશિયલ સર્વિસ’ કરી રહી છે. પોતે લૂંટ ચલાવતી હતી ત્યારે કઈ બાબતની તકેદારી રાખવાથી સફળ થવાની સંભાવના વધી જતી હતી એનું લિસ્ટ એણે રજૂ કર્યું છે. જે દિવસે ઉઘાડ હોય ત્યારે લોકો હરવા ફરવા નીકળી પડ્યા હોય એટલે ઘરફોડી માટે એ દિવસ પરફેક્ટ ગણાય. વરસાદ હોય ત્યારે લોકો ઘરમાં ગોંધાઈરહે એટલે ત્યારે કોશિશ નહીં કરવાની. ચોરી કરવા માટે સવારના સાતથી સાંજના ચારનો સમય યોગ્ય ગણ્યો છે, કારણ કે કામધંધો કરતા લોકો આ સમય દરમિયાન ઘરની બહાર હોય. આ ઉપરાંત ચોરીના લક્ષ્યાંક ઘરની સિક્યોરિટી સિસ્ટમ તેમજ એ ઘરમાં પાળેલા પ્રાણી છે કે નહીં એને પણ જેન બહેન મહત્ત્વ આપે છે. ઘરમાં એલાર્મ જેવી સિસ્ટમ એ જ લોકો રાખે જેમના ઘરમાં કિંમતી ચીજ હોય એવો તર્ક રજૂ કરી એવી સલામતીની વ્યવસ્થા ન રાખવી જેથી ચોર ચેતી જાય એવી સલાહ આપે છે. પાળેલા પ્રાણીની હાજરી ઘરમાં એલાર્મ વ્યવસ્થા ન હોવાનું સૂચવે છે એવી દલીલ આ ભૂતપૂર્વ ચોરટી કરે છે.

ટૂંકમાં આ બધી વાત જનતાને ચોરોથી સાવધ રાખવા માટે છે અને નહીં કે ચોરને ટ્યુશન આપવા માટે!

સમોસા – સંઘર્ષ – સફળતા

વિધુ વિનોદ ચોપડાની ‘બારહવી ફેલ’ જોઈને ગમ્મે એવી વિકટ પરિસ્થિતિ સામે વિજય મેળવી સફળતા પ્રાપ્ત કરી શકાય એની પ્રતીતિ થાય છે. આવા ઉદાહરણ હારી રહેલા હૈયામાં નવો પ્રાણ ફૂંકી લક્ષ્ય પ્રાપ્તિ તરફ બમણા વેગથી આગળ વધવા જોશ પૂરું પાડે છે. દિલ્હીના ‘સેટેલાઇટ સિટી’ તરીકે ઓળખાતા નોઈડામાં સની કુમાર નામનો વિદ્યાર્થી અભ્યાસ પૂર્તિ માટે જે સંઘર્ષ કરી રહ્યો છે એ જાણ્યા પછી ‘અબ મુશ્કિલ નહીં કુછ ભી’ માત્ર સુવાક્ય નથી, જીવનની હકીકત પણ હોઈ શકે છે એ વાત સમજાય છે.

કિશોરાવસ્થામાં જ ડૉક્ટર બનવાનું સપનું જોનાર ૧૮ વર્ષી સનીએ આર્થિક જરૂરિયાત માટે હાથ લાંબો કરવાને બદલે હાથના હુન્નરને અજમાવી બપોરે સ્કૂલથી છૂટ્યા બાદ ૪-૫ કલાક સમોસા તળવાનું કામ કરી આજીવિકા ઊભી કરી. ત્યારબાદ મોડી રાત સુધી અભ્યાસ કરી ‘ગુઝરે ઐસી હર રાત – રાત, હો ખ્વાહિશોંસે બાત – બાત’ ભાવનાને જીવંત બનાવી ‘નીટ યુજી’ની પરીક્ષામાં ૭૨૦માંથી ૬૬૪ માર્ક મેળવ્યા. સનીનો આ ‘સમોસા સંઘર્ષ’ જોઈ એના વિદ્યાભ્યાસને ઉત્તેજન આપતા એક સજજનની નજર પડતા સની મેડિકલ અભ્યાસ વિના વિઘ્ને પૂરો કરી શકે એ માટે આર્થિક વ્યવસ્થા કરી આપવાનું પ્રોમિસ પણ આપ્યું છે.

શિક્ષાથી બચવાની – શિક્ષા મેળવવાની મથામણ

શિક્ષાનો એક અર્થ સજા તો બીજો અર્થ કેળવણી પણ થાય છે. બાળપણમાં આ બંને અર્થના સંયુક્ત સમીકરણ એવા ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ’નો પરિચય અનેકને થયો હશે. જોકે, સોટી ઉછાળ તાલિબાની અફઘાનિસ્તાનમાં વસવાટ કરતી અફઘાન મહિલાઓએ શિક્ષા (સજા) સહન કરવાને બદલે શિક્ષા (કેળવણી) મેળવવાને પ્રાધાન્ય આપવા પરદેશગમન કર્યું છે.

આ સાહસમાં અફઘાન મહિલાઓને ૨૦૧૦માં તાલિબાનોએ હત્યા કરી હતી એ લિન્ડા નોર્ગ્રોવ નામની સ્કોટિશ યુવતીના માટે – પિતાએ સ્થાપેલી સંસ્થાનો સહકાર મળ્યો છે. યુએસના દળ અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયા પછી ૨૦૨૧માં તાલિબાન ફરી સત્તામાં આવી ગયા બાદ વિદ્યાર્થીઓ અને વિશેષ કરી મહિલાઓ ફફડતા જીવે ઘરની ચાર દીવાલોમાં કેદમાં જીવી રહી છે. લિન્ડાના પેરન્ટ્સની સંસ્થાએ મેડિકલનું ભણવા માગતી સન્નારીઓના વિઝા સહિત અનેક ઔપચારિકતા તેમજ સ્કોટલેન્ડના પાટનગર એડિનબર્ગમાં વિનામૂલ્યે ભણતરની સગવડ કરી આપી છે. આશ્ર્ચર્ય અને આનંદની વાત એ છે કે અફઘાન મહિલાઓને કોઈ અડચણનો સામનો ન કરવો પડે એ માટે યુકે – સ્કોટલેન્ડની સરકારે કેટલાક કાયદામાં ફેરફાર પણ કર્યા છે. મન હોય તો માળવે જવાય એ આનું નામ.

સન્નારીઓને ગામડે ‘ધકેલવા’ સરકારી નુસખો

જાપાન, લવ ઈન ટોક્યો ભલે કહેવાતું હોય, પણ ઉગતા સૂર્યના દેશનું આ પાટનગર વસતિ વધારાની સમસ્યાથી પરેશાન છે.

આશ્ર્ચર્યની વાત એ છે કે જાપાનના ગ્રામીણ વિસ્તારોમાંથી ૨૦ – ૩૦ વર્ષની અનેક યુવતીઓ જન્મભૂમિ છોડી ટોક્યોને કર્મભૂમિ બનાવી રહી છે. વાત એ હદે વણસી ગઈ છે કે જાપાનના ૪૦ ટકા ગામડાંમાં મહિલા વર્ગ માઈનોરિટીમાં આવી ગયો છે અને એને પગલે એ વિસ્તારની જનસંખ્યા ઘટી રહી છે. આ સમસ્યા આવતી કાલે વિકરાળ બનવાની સંભાવના હોવાથી જાપાન સરકાર વિચિત્ર નુસખો અજમાવી લગ્ન કરી ટોક્યો બહાર ઠરીઠામ થવા તૈયાર જાપાની યુવતીઓને ૬ લાખ યેન (આશરે સાડા ત્રણ લાખ રૂપિયા) રકમની ‘લાલચ’ જાહેર કરવાની વેતરણમાં હતી. જોકે, સત્તાવાર જાહેરાત પહેલાં વાત મીડિયામાં લીક થઈ જતા સોશિયલ મીડિયા પર વિરોધનું વાવાઝોડું ઉમટ્યું અને આ વાવાઝોડું ઉધ્વસ્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે એનો અણસાર આવી જતા સરકારે પારોઠના પગલાં ભરી ‘સ્કીમ પર ફેરવિચાર કરવામાં આવશે’ એવી જાહેરાત કરી દીધી છે. જાપાનના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વસતિ ઘટાડાની સમસ્યા સતાવી રહી છે અને કેટલાક વિસ્તારમાં તો સુયાણીઓ નવરી બેઠી છે, કારણ કે બાળજન્મ જ નથી થઈ રહ્યા.

લ્યો કરો વાત!

પશ્ર્ચિમી સંસ્કૃતિમાં મુક્ત વિચારસરણી અને આઝાદ સ્વભાવના રવૈયાને કારણે હેરત પમાડનારા કિસ્સા જાણવા મળે છે. ૩૬ વર્ષની યુકેની ઈનફ્લુએન્સર અને મોડલ સુલેન કેરીએ ગયા વર્ષે ‘સોલોગેમી’તરીકે પ્રચલિત જાતસાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ વાતને હજુ વર્ષ નથી થયું ત્યાં બહેન બા ‘હું જ મારો વર’ શૈલીથી કંટાળી ગયા છે અને પોતાની સાથે જ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. ‘કોઈ સાથી હૈ તો મેરા સાયા’ જીવનમાં હવે બહુ એકલતા લાગે છે. જીવન માણવા કોઈ સાથી હોવો જોઈએ એ માન્યતા સાથે સુલેનમોનોગેમી (એક વ્યક્તિ સાથે વૈવાહિક જીવન) માટે સજજ થઈ ગઈ છે. ‘સાજન સાજન, પુકારું ગલિયો મેં’ એનો જીવનમંત્ર બની ગયું છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button