સ્પેશિયલ ફિચર્સ

શિક્ષક એ છે, જે અઘરી વાતને સહેલી બનાવે

‘એક સારો શિક્ષક મીણબત્તી જેવો છે, તે બીજા માટે માર્ગ પ્રજ્વલિત કરવા પોતાની જાતને ઓગાળી નાખે છે.’ – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

એક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવાની મજલ કાપનાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ-પાંચમી સપ્ટેમ્બરનો દિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

શિક્ષકની વાત નીકળે ત્યારે ‘ચાણક્ય’નું આ જાણીતું વિધાન ટાંકવાનું મન થાય : ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસ કી ગોદ મેં પલતે હૈ !’

જ્યારે ચાણક્ય’નું બીજું પણ એક વિધાન છે, પરંતુ એને નજર અંદાજ કરવામાં આવે છે. વાસ્તવમાં તે વિધાન પણ એટલું જ સ્પર્શે છે: ‘કોઈપણ રાષ્ટ્રના શિક્ષણની ગુણવત્તા જે તે રાષ્ટ્રના શિક્ષકની સરેરાશ ગુણવત્તા કરતાં વધુ ન હોઈ શકે અને કોઈપણ રાષ્ટ્રનું ચારિત્ર્ય જે તે રાષ્ટ્રના રાજકીય નેતાના સરેરાશ ચારિત્ર્યથી વધુ ન હોઈ શકે.’

ફેક્ટરીમાં જડ વસ્તુ સાથે કામ કરતા માણસ અને જીવંત ચેતના સમાન વિદ્યાર્થીઓની સાથે કામ કરતા શિક્ષક બંનેના રોલ વચ્ચે જબરો તફાવત છે. ફેક્ટરીમાં કામ કરતા માણસના વર્તન, વ્યવહાર અને વિચાર સાથે ફેક્ટરીને કશી લેવા દેવા નથી હોતી, કારણ કે તેને જડ વસ્તુ સાથે કામ કરવાનું હોય છે. બીજી તરફ, શાળામાં વિદ્યાર્થીઓ સાથે કામ કરતા શિક્ષકની પ્રત્યેક ક્ષણ ખૂબ જ અગત્યની હોય છે. ધ્યાનાકર્ષક હોય છે.શાળામાં શિક્ષકને જીવંત ચેતના સાથે કામ કરવાનું હોય છે. સમજો કે શિક્ષકો પાસે સમાજની ખૂબ મોટી અપેક્ષા હોય છે.

આથી શિક્ષકોના રોલ માટે જેટલું કહેવામાં આવ્યું છે એટલું ભાગ્યે જ બીજા કોઈ રોલ માટે કહેવામાં આવ્યું હશે. શિક્ષકો માટે જેટલા આદર્શો ઘડવામાં આવ્યા છે એટલા ભાગ્યે જ બીજા કોઈ માટે ઘડવામાં આવ્યા હોય !

પશ્ર્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે સુંદર અવતરણ આપ્યું છે :
’ૠજ્ઞજ્ઞમ યિંફભવયિ યડ્ઢાહફશક્ષ,તીાયશિજ્ઞિ યિંફભવયિ મયળજ્ઞક્ષતિિંફયિં ફક્ષમ લયિફિં યિંફભવયિ શક્ષતાશયિમ.’ અર્થાત્ ‘સારો શિક્ષક સમજણ આપે છે, ઉત્તમ શિક્ષક નિદર્શન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે.’

આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાંક એવાં લક્ષણો પણ જોડાયેલા છે, જે સમાજ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ‘કેપેલ્લા યુનિવર્સિટી’ (યુએસએ)ના શિક્ષણ વિભાગના અધ્યાપિકા ડો. મારિયા ઓરલેન્ડો આદર્શ શિક્ષકના મુખ્ય નવ લક્ષણ વર્ણવે છે: આદર્શ શિક્ષક એ છે જે –

(૧) વિદ્યાર્થીનું સન્માન કરે છે:

અગાઉ કહ્યું તે મુજબ શિક્ષક જીવંત ચેતના સાથે કામ કરે છે ત્યારે વિદ્યાર્થીની સાથેના વ્યવહારમાં વિદ્યાર્થીઓનું માન અને લાગણી સચવાય તે જોવું ખૂબ જરૂરી હોય છે. અમુક ઉદ્ધત વર્તન કરનારા શિક્ષકો વાતવાતમાં વિદ્યાર્થીઓને ગુસ્સે થતા હોય છે અને ક્યારેક ક્યારેક કાનૂની રીતે મનાઈ હોવા છતાં શારીરિક શિક્ષા કરતા પણ જોવા મળે છે.આ વખોડવા લાયક બાબત છે.

(૨) વિદ્યાર્થીઓમાં સામાજિક સભાનતા કેળવે છે:

શિક્ષણ સંકલ્પનામાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની બાબત અપેક્ષિત છે. શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તકનું સીમિત જ્ઞાન વિદ્યાર્થીને નહીં આપતા વિદ્યાર્થીમાં સામાજિક સભાનતા પણ કેળવાય એવી વાતો, પ્રસંગો પણ પોતાના અભ્યાસક્રમ સાથે સાથે વણી લેવી જરૂરી હોય છે.મોટા ભાગના વિષયોના પ્રકરણમાં કોઈને કોઈ સારભૂત તત્ત્વ (ભજ્ઞયિ યહશળયક્ષતિં) મૂકવામાં આવ્યું જ હોય છે, જેનાથી શિક્ષકોએ ભણાવતી વખતે વિદ્યાર્થીઓને જ્ઞાત કરવાના હોય છે.

(૩) માયાળુ ને પ્રેમાળ હોય છે :

ઉમાશંકર જોશીનું જાણીતું વિધાન છે,

‘બાળક જોઈ જે રીઝે, રીઝે જોઈ બાળક જેને,
સ્નેહલ સૂરત – વત્સલ મૂરત, કોટિ કોટિ વંદન તેને.’

શિક્ષકને માનો દરજજો આપવામાં આવ્યો છે. ‘માસ્તર’નો અર્થ એવો કરવામાં આવે છે કે મા સમાન સ્તર વાળો. આથી શિક્ષકે બાળક સાથે ખૂબ જ માયાળુ અને પ્રેમાળ વ્યવહાર કરવો જોઈએ.

(૪) દરેક વિદ્યાર્થી માટે એકસમાન વ્યવહાર :

શિક્ષકો સામે વહાલાં – દવલાં નીતિનો આક્ષેપ કાયમ રહેવા પામ્યો છે. આદર્શ શિક્ષક માટે તો બધા વિદ્યાર્થી એકસમાન હોવા જોઈએ. સમજો કે શિક્ષકોને એક જ આંખ હોવી જોઈએ. ગરીબ – તવંગર,હોશિયાર – ઠોઠ જેવા ભેદભાવ શિક્ષકના વર્તનમાં ના હોવા જોઈએ. દરેક વિદ્યાર્થીને સરખું માન આપવું જોઈએ. એક સમાન વ્યવહાર કરવો જોઈએ.

(૫) ભણાવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે:

શિક્ષકનો વ્યવસાય પસંદ કર્યો છે ત્યારે ફરજમાં આવતું શિક્ષણ કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવવું જોઈએ.શિક્ષકમાં ભણાવવાનો ઉત્સાહ અને પ્રેમ છલકાતા હોવા જોઈએ. ઘડિયાળના કાંટે કામ કરનારા શિક્ષકો સફળ શિક્ષક બની શકતા નથી.

(૬) વિષયમાં તજજ્ઞ હોય છે:

શિક્ષક માટે જ્ઞાન તો આવશ્યક છે જ, પણ એ પૂરતું નથી. જ્ઞાનને પચાવવા, સરળ બનાવવા અને વિદ્યાર્થીઓના મનમાં ઉતારવા મહેનત કરવી પડે… વર્ગમાં જતા પહેલાં તેની તૈયારી કરવી જોઈએ. તાલીમ લેવી જોઈએ. પ્રયોગ કરવા જોઈએ. આજના ઘણા શિક્ષકો તો જે ભણાવવાનું હોય છે, તેના આગલા દિવસે તૈયારી કરે છે ! આથી જ જાણીતા કેળવણીકાર ગુણવંત શાહ કટાક્ષમાં કહે છે કે શિક્ષક એટલે વિદ્યાર્થી કરતાં એક દિવસ આગળ !’ શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે.

(૭) વિષયને રસમય શૈલીમાં રજૂ કરવાની ક્ષમતા :

વિદ્યાર્થીઓની ખાસિયત તપાસી એને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય સતત શોધતા રહેવા જોઈએ.કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોથી મૂંઝાય છે.સારો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની તક આપે છે. એની જ્ઞાન મેળવવાની ઉત્સુકતા અને જવાબો આપી એના પ્રશ્નોનું સમાધાન કરે છે.

(૮) શિક્ષક ચારિત્ર્યનો અણીશુધ્ધ હોવો જોઈએ :

શિક્ષકોનું ચારિત્ર્ય અણીશુધ્ધ હોવું જોઈએ. એ પોતાના વિષયમાં ઓછો પ્રવીણ હશે તો ચાલશે પણ અશુધ્ધ ચારિત્ર્ય કદાપી ચલાવી ન લેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓના અભ્યાસમાં જ નહીં,પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હૃદયમાં ઊતરવા પ્રયત્ન કરે તે જરૂરી છે. એવા શિક્ષક સાથે વિદ્યાર્થીની નીકટતા વધે છે.

(૯) રહેણીકરણી અને પહેરવેશમાં સ્વચ્છ ને સંયમી:

આદર્શ શિક્ષકનો પહેરવેશ સાદો અને પ્રભાવશાળી હોવો જોઈએ. પહેરવેશને આધારે જ શિક્ષકની ઓળખ ઊભી થઈ જાય એવો પહેરવેશ શિક્ષકનો હોવો જોઈએ.પહેરવેશની સાથે સાથે આદર્શ શિક્ષકના આચાર -વિચાર ને રહેણીકરણી પણ આદર્શ હોવી જોઈએ.સાથે સાથે તે નિર્વ્યસની પણ હોવો જોઈએ.

‘જે વ્યક્તિ અઘરી વાતને સહેલી બનાવે છે તે શિક્ષક છે.’ – એમર્સન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button