રાજસ્થાન ચૂંટણી: CM અશોક ગેહલોતે હાર સ્વીકારી લીધી?
જનતાને કહ્યું- PMએ જાહેરાત કરવી જોઈએ, કે જો તેઓ સત્તામાં આવશે તો અમારી યોજનાઓ બંધ નહીં કરે
જયપુરઃ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક જનસભાને સંબોધતી વખતે સીએમ અશોક ગેહલોતનો ઉત્સાહ ઊંચો હતો. તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમને તેમની યોજનાઓમાં એટલો બધો વિશ્વાસ હતો કે તેઓએ કહ્યું હતું કે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષનો વિજય નિશ્ચિત છે. ગેસ સિલિન્ડરની કિંમતો, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. અત્યાર સુધી અશોક ગેહલોત વિધાનસભાના મુદ્દે ભાજપને પડકાર ફેંકતા રાજસ્થાનના સીએમે અચાનક જ યુટર્ન લઇને પછી કહ્યું હતું કે, ‘વડાપ્રધાને જાહેરાત કરવી જોઈએ કે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર આવશે તો અમારી યોજનાઓ બંધ નહીં થાય.’
તેમના આ નિવેદનમાં રાજસ્થાનમાં સરકારનું પુનરાવર્તન નહીં થાય તેવો ડર પ્રતિબિંબિત થાય છે. શું આ એન્ટિ ઇન્કમ્બ્ન્સીનું મનોવૈજ્ઞાનિક દબાણ છે કે કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ ચાલુ છે? કે પછી કાયદો અને વ્યવસ્થાને લઈને જે રીતે તેઓ ચારે બાજુથી ઘેરાઈ રહ્યા છે તેના કારણે તેઓએ પોતાની હાર નિશ્ચિત માની લીધી છે.
જ્યારે તેમણે મીડિયાને સંબોધિત કર્યું ત્યારે પણ તેમણે કંઈક આવું જ કહ્યું હતું. તેમણે પોતાની યોજનાઓ વિશે વાત કરી અને ગેરંટી વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘અમે પીએમને અમારી સારી યોજનાઓને આખા દેશમાં લાગુ કરવાની અપીલ કરીએ છીએ… તેનો અભ્યાસ કરો અને તેને લાગુ કરો… અમને અનુભવ છે કે અમારી સરકાર બદલાતાની સાથે જ યોજનાઓ અટકી જાય છે. અમે ગેરંટી ઈચ્છીએ છીએ કે જો સરકાર બદલાશે તો યોજનાઓ બંધ નહીં થાય. ‘
રાજસ્થાન મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ માટે કુખ્યાત છે. બળાત્કારને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસને તેની જ સરકારના મંત્રીઓ દ્વારા આ મુદ્દે ઘેરવામાં આવી હતી ત્યારે રસ્તા પરની જનતા અનેક પ્રશ્નો પૂછી રહી હતી. બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ અંગે વિધાનસભામાં કહ્યું હતું, ‘એ વાત સ્વીકારવી જોઈએ કે અમે મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ ગયા છીએ… મણિપુર મુદ્દે રાજકારણ કરવાને બદલે રાજસ્થાનમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે તેની ચિંતા કરવી જોઇએ.’ આ નિવેદન બાદ તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ બ્લેક ડિજિટલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં જયપુરમાં એક મહિલાની અડધી બળી ગયેલી લાશ, હનુમાનગઢની બળાત્કાર પીડિતાની આત્મહત્યા અને સીકરની તે 15 વર્ષની છોકરીની આત્માને હચમચાવી દે તેવી ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. એવા ઘણા કારણો છે જે સીએમ ગેહલોતના આત્મવિશ્વાસને હચમચાવી રહ્યા છે અને તેમણે પીએમ મોદીને જાહેરમાં અપીલ કરવા મજબૂર કરી રહ્યા છે.