મુન્દ્રા કસ્ટમે ઝડપી “ત્રણ કરોડની સોપારી”: પ્લાસ્ટિકના દાણાના નામે દુબઈથી આવ્યો હતો જથ્થો

મુન્દ્રા: મુન્દ્રા બંદર પાસેના સીએફએસ સેન્ટરમાં ત્રાટકેલી મુંદરા કસ્ટમની એસઆઇઆઈબી ઇન્ટેલિજન્સે દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ૫૩ મેટ્રિક ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે.
આ સંદર્ભે મળતી માહિતી મુજબ, મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી પૂર્વ બાતમીના આધારે મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા ૪૦ ફૂટના કન્ટેનરમાં પીવીસી રેઝિન (પ્લાસ્ટિકના દાણા)ની આડમાં બે કન્ટેનર ભરેલી ૫૩ ટન વજનની સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
સોપારીના કાળા કારોબાર માટે જાણીતા એવા દુબઈથી આવેલો અને કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. આ સાથે જ ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ પણ જાતની બીક વિના ચાલુ હોવાનું સાબિત થયું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાંથી સોપારી મળે છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે. આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત થાય છે અને પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આવતો આ જથ્થો મોટાભાગે પાસ થઈ જતો હોય છે.
સામાન્ય રીતે કાસેઝ જતી ચીજવસ્તુઓ ટ્રાન્સશિપમેન્ટ ધોરણે નીકળી ત્યાં જ તપાસ થાય, પરંતુ મુંદરાની આ કસ્ટમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે કન્ટેનરોને રોકી નાખ્યા અને નજીકના હિન્દ ટર્મિનલ સીએફએસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ આ જથ્થો મળી આવ્યો હતો. આ લખાય છે ત્યારે બે શંકાસ્પદ કન્ટેનરોની તપાસ થઇ રહી છે. જો એ કન્ટેનરોમાંહી પણ પ્રતિબંધિત વસ્તુ મળશે તો કરચોરીનો આંક વધુ ઊંચો જાય એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.