થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
થાણેમાં પ્રસ્થાપિત મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ પ્રાથમિક ધોરણે રસ દાખવ્યો છે. આ પ્રોજેક્ટ ઓછામાં ઓછા સાત વર્ષથી આયોજનના તબક્કામાં છે. શરૂઆતમાં, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે તે મહામેટ્રોને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : મેટ્રો-૧માં ભીડ અપરંપાર, છતાં કંપની ખોટમાં કેમ?
પ્રોજેક્ટની વિગતવાર ડિઝાઇન બનાવવા ઇચ્છુક પાંચ કંપનીઓ, જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ આરઆઇટીઇએસ લિમિટેડ, નવી મુંબઈ સ્થિત એસટીયુપી કન્સલ્ટન્ટ્સ, નવી દિલ્હી સ્થિત એલકેટી એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ અને બે ફ્રેન્ચ કંપનીઓ તેમની ભારતીય બ્રાન્ચ એનિયા ડિઝાઇન અને સિસ્ટ્રા એમવીએ કન્સલ્ટિંગ છે. લગભગ ૮ કિમીના પટ્ટામાં છ સ્ટેશનો ધરાવતા પ્રથમ વિભાગની ડિઝાઇન માટે એકની નિમણૂક કરવામાં આવશે. મહામેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર શ્રવણ હાર્ડિકરે જણાવ્યું હતું કે, પસંદ કરાયેલી ફર્મ માત્ર સ્ટેશનોની ડિઝાઈન કરશે. બાંધકામ માટે સમગ્ર ૨૯ કિમીને ૩ થી ૪ વિભાગોમાં વિભાજિત કરવામાં આવશે.
આ પણ વાંચો : થાણેવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે આપી લીલી ઝંડી
આ માર્ગ થાણેના સૌથી વધુ ભીડવાળા રહેણાંક વિસ્તારો તેમજ છેલ્લા દાયકામાં વિકસિત થયેલા વિસ્તારો માંથી પસાર થશે. તેમાં વાગલે એસ્ટેટ, માનપાડા, વાઘબીલ, બાલકુમ, રાબોડી અને થાણે રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે.હાલ, છ સ્ટેશનો માટે વિગતવાર ડિઝાઇન તૈયાર કરવામાં આવશે,જેમાં વોટરફ્રન્ટ (હીરાનંદાની એસ્ટેટ), વાઘબીલ, વિજય નગરી, ડોંગરીપાડા, માનપાડા અને ડૉ. કાશીનાથ ઘણેકર નાટ્યગૃહનો સમાવેશ થાય છે. હાર્ડિકરે ઉમેર્યું કે,ભૌગોલિક-તકનીકી તપાસ ટૂંક સમયમાં શરૂ થશે અને બાકીના ૧૪ સ્ટેશનોની ડિઝાઇન માટે બિડની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સર્ક્યુલર રૂટ પર ૨૨ સ્ટેશનો ધરાવતા સૂચિત ૨૯ કિમીના કોરિડોર માટે ₹૧૨,૨૦૦.૧૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે ₹ ૧૦,૮૯૩ કરોડના સાત વર્ષ જૂના મૂલ્યાંકન સામે, ૧૨% વધારે છે. ભારત અને મહારાષ્ટ્રની સરકારો આ પ્રોજેક્ટમાં સમાન હિસ્સેદારી ધરાવશે અને ભંડોળનો ભાગ બહુપક્ષીય વિકાસ બેંકો અને દ્વિપક્ષીય ભંડોળ એજન્સીઓ પાસેથી એકત્ર કરવામાં આવશે.૨૦૨૫ ની અગાઉની સમયમર્યાદાને બદલે, ૨૦૨૯ સુધીમાં તૈયાર થવાનું આયોજન છે, આ માર્ગ માત્ર થાણેની અંદર મુસાફરી કરવા માટે જ નહીં પરંતુ મુંબઈ મેટ્રો ૪ માટે ફીડર માર્ગ તરીકે પણ કાર્ય કરશે, જે એલબીએસ રોડ થઈને ગાયમુખ અને વડાલા વચ્ચે દોડશે.