તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

અસલામતીની ભાવના જ્યારે ઘર કરી જતી હોય છે ત્યારે…

વિશેષ -અનંત મામતોરા

શું તમારો આત્મવિશ્વાસ છીનવાઈ ગયો છે, શું સેલ્ફ ઈમેજ નબળી થઇ ગઇ છે કે પછી તમારી અંદર અસલામતીની ભાવના ઘર કરી ગઇ છે? જો તેનો જવાબ હામાં હોય તો તમારે સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

મયંક પ્રજાપતિ પણ આનો જ શિકાર. આત્મવિશ્વાસનો સોલિડ અભાવ. ૩૦ વર્ષની ઉંમર થઇ ગઇ હતી, પણ છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન તેણે કશું જ કર્યું નહીં. ઘરે બેસી રહેવું. કોઈને પણ મળવું નહીં. એક પણ નજદીકનો મિત્ર નહીં. કંટાળો આવે તો બહાર જઇને ચક્કર મારે અને પાછો ઘરે આવીને બેસી જાય. ક્યારેક ગીતો સાંભળે તો ક્યારેક ફિલ્મો જુએ. મન થાય ત્યારે પલંગ પરથી ઊભો થાય અને મન થાય ત્યારે સૂઈ જાય. બપોરના સમયે પણ ચાર-પાંચ કલાક પડ્યો રહે. જે સામે મળે એ ખાઈ લેતો. અમુક જ કપડાં પહેરતો. આવાં જ કારણોને લઇને મયંકનું શિક્ષણ પણ અધૂરું રહી ગયું હતું.

મયંકના પરિવારજનોએ તેને નોકરી કરવાની સલાહ આપી, અમુકતમુક કોર્સ કરવાનું જણાવ્યું, પણ એ કોઇ પણ બાબતમાં રસ લેતો જ નહીં. મને કંઇ પણ ફાવતું નથી, એ એક જ એનો જવાબ. ઘરના તમામ સભ્યોએ તેને સમજાવ્યો, પણ પરિણામ, શૂન્ય. પોતાની હકની વાત હોય ત્યારે એ સાવધ થઇ જતો અને તેને કારણે જ પરિવારજનો જો એને ક્યારેક પોકળ ધમકીઓ આપે તો એ ગભરાતો નહીં. મયંકને કોઇ પણ વ્યસન નહોતું. તેણે ક્યારે પણ કોઇ પાર્ટી કે પછી લગ્નસમારંભમાં હાજરી આપી નહોતી કે પછી તેને કોઇને મળવું પણ ગમતું નહીં. મયંકના કેસમાં નિષ્ણાતોનું કહેવું છે કે તેનામાં આત્મવિશ્વાસ જ નથી. સેલ્ફ ઈમેજ તેની નબળી છે. અસુરક્ષિતતાની ભાવના તેનામાં પ્રવેશી ગઇ છે.

આવી જ હાલત વિપુલની હતી. નાનપણથી જ સ્વભાવે શાંત, ઓછાબોલો અને એકદમ સરળ હતો. ભણવામાં હોશિયાર નહીં એટલે માર્ક જેવાતેવા આવી જતા. જોકે તેનું વર્તન કોઇ રીતે જુદું તરી નહોતું આવતું, પણ તે ૧૩-૧૪ વર્ષનો થયો ત્યાર પછી એ હંમેશાં અલિપ્ત રહેવા જ માગતો હતો. સોસાયટીમાં, દોસ્તોને ક્યારે પણ વધુ મળતો નહીં. આટલું જ નહીં કોઇ પણ ગ્રુપમાં જલદીથી જોડાય જ નહીં. ઘરના પ્રસંગમાં પણ જવાનું ટાળતો. શાંત સ્વભાવનો હોવાને કારણે અને કોઈમાં ભળતો ન હોવાને કારણે માતા-પિતાએ પણ તેને અળગો જ કરી દીધો. તેમ છતાં વિપુલે જેમતેમ કરીને ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, પણ પછી તેને ભણવું ગમ્યું નહીં.

પદવીધારક થઇ ગયો હોવાથી વિપુલને નોકરી કરવા માટે પરિવારજનોએ ઘણું દબાણ કર્યું, પણ વિપુલે એમાં રસ દાખવ્યો નહીં. જો કોઇ કંપનીમાં નોકરીમાં જોડાય પણ ગયો હોય તો એક-બે દિવસ કામ કર્યા બાદ જવાની આળસ કરતો. વિપુલને કોઇ વ્યસન પણ નહોતું. ઉંમર અને આજની પેઢી પ્રમાણે તેને કપડાંનું આકર્ષણ નહોતું. વિપુલની કોઇ બહેનપણીની વાત તો દૂરની રહી, તેનો કોઇ મિત્ર પણ નહોતો. મિત્રો સાથે હળવુંમળવું તેને ગમતું જ નહીં. પરિવારજનો અને સંબંધીઓએ એને ઘણું સમજાવ્યું, પણ તે આ બાબતે ક્યારે પણ ક્રિયાશીલ નહોતો થતો. પરિવારજનોએ તેને આળસી અને પુરુષાર્થહીન વગેરે વિશેષણ સાથે સંબોધવાનું શરૂ કરી દીધું, પણ કોઇએ પણ તેને શી તકલીફ હશે એ જાણ્યું નહીં.

આવી બીમારીઓમાં સંકોચ, અસુરક્ષિતતાની ભાવના અને પોતાને કોઇ જગ્યાએ નકારી દેવામાં આવશે, એવો ભય સતાવતો હોય છે. આ વ્યક્તિ પોતાને બીજા કરતાં નીચી ગણતી હોય છે અને તેઓ સતત ભયમાં જ રહેતા હોય છે. મયંક અને વિપુલના કેસમાં પણ આવું જ બની રહ્યું છે. પોતાનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે અને એટલે જ તેઓ અસુરક્ષિતતાના ઓઠા તળે જીવી રહ્યા છે. જોકે હવે આવી બીમારીઓનાં સોલ્યુશન્સ ઘણાં છે અને તેના માટે અનેક નિષ્ણાતો અને અનુભવી ડોક્ટરો પણ છે, જે તમારામાં આત્મવિશ્વાસ ઠાંસી ઠાંસીને ભરી શકે એમ છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ