સ્પોર્ટસ

ગોલ્ડન મૅન સુમિત અંતિલે મીઠાઈ છોડી એટલે હરીફો માટે કડવો બની ગયો!

પીઠની ઈજા છતાં ઐતિહાસિક ગોલ્ડ જીતનાર સુમિત અંતિલ કોણ છે? ડાબો પગ કેવી રીતે ગુમાવ્યો?

પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં સોમવારે ભારત વતી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર ભાલાફેંકના ઍથ્લીટ સુમિત અંતિલને એક વર્ષ કરતાં વધુ સમયથી પીઠમાં દુખાવો હતો છતાં તેણે દિવ્યાંગો માટેના આ સૌથી મોટા રમતોત્સવમાં ભાગ લીધો અને ચૅમ્પિયન બનીને રહ્યો. બીજું, તેને મીઠાઈ ખૂબ પ્રિય છે, પરંતુ સુમિતને તેના ફિઝિયોથેરપિસ્ટ વિપિન ભાઈની સલાહ આપી હતી કે જો તે મીઠાઈ ખાવાનું નહીં છોડે તો તારું વજન ઘટશે નહીં અને પરિણામે પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવાનું તેના માટે મુશ્કેલ થઈ જશે.

સુમિતે તેમની વાત માની લીધી હતી અને પૅરાલિમ્પિક્સની તૈયારીઓ શરૂ કરતાં પહેલાં મીઠાઈ ખાવાનું સાવ બંધ કરી દીધું હતું જેને કારણે ફક્ત બે મહિનામાં તેનું વજન 12 કિલો ઘટી ગયું હતું. બીજું, તેણે સઘન તાલીમ પણ લીધી હતી. તે તૈયારીઓ કરવામાં ઘણી રાત ઊંઘ્યો પણ નહોતો.

26 વર્ષનો સુમિત અંતિલ હરિયાણાના સોનીપતમાં રહે છે. દિવ્યાંગ ઍથ્લીટો માટેની એફ-64 કૅટેગરીમાં ભાલો 73.29 મીટર દૂર ફેંકવાનો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે છે. તે પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ સહિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં પણ બે ગોલ્ડ ઉપરાંત એક સિલ્વર મેડલ તથા એશિયન પૅરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

સુમિતે પીટીઆઇને કહ્યું, ‘મને વિપીન ભાઈએ આપેલી સલાહ મેં માની એનો મને ઘણો લાભ થયો. તેમણે મને કહ્યું હતું કે શરીરના વજનને લીધે તારી કરોડરજ્જુ પર ખૂબ પ્રેશર આવે છે. મીઠાઈ મને ખૂબ ભાવે છે, પણ મેં તેમનું માનીને એ છોડી દીધી અને તેમની સલાહ મુજબના જ ભોજન-નાસ્તો લેવાનું શરૂ કરી દીધું હતું. હું કોચ અરુણ કુમારનો પણ આભારી છું.’
સુમિતે આ બધો ભોગ આપ્યો તેમ જ અથાક મહેનત કરી એનો તેને મોટો ફાયદો થયો. તે એફ-64 કૅટેગરીમાં 70.59 મીટરના રેકૉર્ડ-થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એફ-64 કૅટેગરીમાં કમરથી નીચેના ભાગમાં અક્ષમતા ધરાવતા ઍથ્લીટનો સમાવેશ હોય છે.સુમિત પૅરાલિમ્પિક્સમાં ઉપરાઉપરી બે સીઝનમાં વ્યક્તિગત ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ ઍથ્લીટ અને એકંદરે ભારતનો બીજો ઍથ્લીટ છે. મહિલાઓમાં અવનિ લેખરા 2021 પછી 2024ની પૅરાલિમ્પિક્સમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટનો ગોલ્ડ જીતી હતી.

આ પણ વાંચો : સુમિત અંતિલે રચ્યો ઇતિહાસ, ભારતનો પહેલો એવો ઍથ્લીટ બન્યો જેણે…

2021માં ખેલ રત્ન અવૉર્ડ અને 2022માં પદ્મ શ્રી અવૉર્ડ જીતનાર સુમિત અંતિલ કુસ્તીમાં કરીઅર બનાવવા માગતો હતો અને ભારતીય લશ્કરમાં જોડાવાની તેની ઇચ્છા હતી. જોકે 2017માં એક દિવસ તે ટ્યૂશન ક્લાસમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ આવતી ટ્રકે તેની બાઇકને અડફેટે લીધી હતી. એ અકસ્માતમાં સુમિતનો ડાબો પગ કાપવો પડ્યો હતો. જોકે તે હિંમત નહોતો હાર્યો અને સ્પોર્ટ્સમાં કરીઅર બનાવવા મક્કમ હતો. તેણે એક કૃત્રિમ પગ હોવા છતાં અવ્વલ દરજ્જાનો ઍથ્લીટ બનવાનો સંકલ્પ કરી લીધો હતો. તેને ભાલાફેંકમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા થઈ અને તાલીમ શરૂ કરી હતી અને ત્યાર પછીનો ઇતિહાસ આપણી સામે જ છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ