ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં નરમાઈ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાની સાથે ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની માગ મર્યાદિત રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની અન્ય ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૪૦ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા અને કોપર સ્ક્રેપ હેવી તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં મુખ્યત્વે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૪૦ ઘટીને રૂ. ૨૭૩૮ અને કોપર વાયરબાર તથા નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૮૧૮ અને રૂ. ૧૪૧૮ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૧૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૭૧૮, કોપર આર્મિચર, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૬૭, રૂ. ૫૫૩ અને રૂ. ૨૬૭, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૭૮૮ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૩૦ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી માગે કોપર સ્ક્રેપ હેવી તથા લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૮૦ અને રૂ. ૧૯૦ના મથાળે ટકેલા રહ્યા હતા.