IIT-બોમ્બેના 25% ગ્રેજ્યુએટસને પ્લેસમેન્ટ ન મળ્યું, લઘુત્તમ સેલેરી પેકેજ પણ ઘટ્યું
મુંબઈ: છેલ્લા ઘણા વર્ષોથી ટેકનીકલ ફિલ્ડના ગ્રેજ્યુએટસમાં બેરોજગારી(Unemployment)નું પ્રમાણ વધી રહ્યું છે, આ ઉપરાંત ખાનગી કંપનીઓમાં ગ્રેજ્યુએટસને મળતા નીચા પગારધોરણ પણ ચિંતાનો વિષય બન્યો છે. એવામાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) જેવી સંસ્થાઓને પણ બેરોજગારીની અસર થઇ રહી છે. IIT બોમ્બેમાં તાજેતરની પ્લેસમેન્ટ સીઝન દરમિયાન લઘુત્તમ પગાર પેકેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવેલું સૌથી ઓછું પેકેજ ઘટીને વાર્ષિક રૂ. 4 લાખ થઈ ગયું છે, જે અગાઉના વર્ષના રૂ. 6 લાખ હતું.
લઘુત્તમ સેલરી ઘટાડો થયો હોવા છતાં, IIT બોમ્બેના સરેરાશ વાર્ષિક પેકેજમાં 7.7 ટકાનો વધારો થયો છે. સરેરાશ વાર્ષિક પેકેજ ગયા વર્ષના રૂ. 21.8 લાખથી વધીને રૂ. 23.5 લાખ થયું છે. જો કે, કેમ્પસ ડ્રાઇવ દ્વારા સફળતાપૂર્વક પ્લેસમેન્ટ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે.
કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર 75 ટકાએ વિદ્યાર્થીઓને જ નોકરીઓ મળી હતી, 1,475 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર કરવામાં આવી હતી. ગયા વર્ષે 82 ટકા પ્લેસમેન્ટ રેટથી નોંધાયો હતો. આ વર્ષે 364 કંપનીઓએ કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લીધો હતો, ગયા વર્ષે આ આંકડાઓ 324 હતો.
નોંધનીય રીતે, IIT બોમ્બેમાં આંતરરાષ્ટ્રીય ઑફર્સમાં વધારો નોંધાયો છે પ્લેસમેન્ટ સિઝનના બંને તબક્કામાં કુલ 78 આંતરરાષ્ટ્રીય ઑફર્સ મળી હતી. તેમાંથી 22 ઓફર વાર્ષિક રૂ. 1 કરોડથી વધુ પેકેજ સાથેની છે.
એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થયા હતા, જેમાં 106 કોર એન્જિનિયરિંગ કંપનીઓમાં એન્ટ્રી-લેવલની જગ્યાઓ માટે 430 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં પણ ગયા વર્ષની સરખામણીમાં હાયરિંગમાં થોડો વધારો જોવા મળ્યો છે. ટ્રેડિંગ, બેન્કિંગ અને ફિનટેક કંપનીઓ અગ્રણી રિક્રુટર્સ હતી, જેમાં ફાઇનાન્સ સેક્ટરે 33 ફાઈનાન્શિયલ સર્વિસ કંપનીઓ તરફથી 113 ઓફર આપવામાં આવી હતી.
કુલ મળીને, 775 વિદ્યાર્થીઓને ભારતમાં મલ્ટી નેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ મળ્યું હતું અને 622 વિદ્યાર્થીઓએ ભારતીય કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું.
IIT બોમ્બે ખાતે પ્લેસમેન્ટની સિઝનમાં લઘુત્તમ પગાર પેકેજમાં ઘટાડો અને પ્લેસમેન્ટ દરમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓફર્સમાં વધારો અને સરેરાશ પગાર પેકેજમાં સામાન્ય વધારો નોંધાયો હતો.
Also Read –